કામરેજ: કામરેજની (Kamrej) શાંતિવન સોસાયટીમાં પરિવાર ઘરમાં સૂતો રહ્યો ને તસ્કરો (Thief) મકાનની બારી તોડી ઘરમાં પ્રવેશી કબાટમાં મૂકેલા રોકડા રૂ.2,50,000 તેમજ ભગવાનની મૂર્તિને ચઢાવેલા ચાંદીનાં ઘરેણાં તેમજ કબાટમાં મૂકેલા સોનાનાં ઘરેણાં મળી કુલ રૂ.3,50,380ની ચોરી (Stealing) કરી ગયા હતા.
મૂળ રાજકોટના ધોરાજીના વતની અને હાલ કામરેજની શાંતિવન સોસાયટીમાં શેરી નં.4માં મકાન નં.107 રમેશ બચુ બાબરિયા રહે છે. જેઓ રાધાકિષ્ણા સોસાયટીની સામે ધારા ઠંડા પીણાંની એજન્સી ચલાવે છે. બુધવારે સવારે દુકાને ગયા બાદ રાત્રિના ઘરે આવી રાત્રિના 11 કલાકે સૂઈ ગયા હતા. મોડી રાત્રે 3.45 કલાકે બાથરૂમ જવા માટે રૂમનો દરવાજો ખોલવા જતાં દરવાજો બંધ હોવાથી હોલમાં સૂતેલા માતાને બૂમ પાડીને ઉઠાડ્યા હતા.
મકાનનો મુખ્ય દરવાજો પણ બંધ હોવાથી ઘરમાં કંઈક અજૂગતું થયાનો અંદાજ આવતાં ઘરમાં જોતાં હોલની બારી તૂટેલી હાલતમાં સોસાયટીના પ્રમુખ તેમજ સોસાયટીના અન્ય લોકોને બોલાવી ઘરમાં તપાસ કરતાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ પર ચઢાવેલાં ઘરેણાંમાં ચાંદીની બે ગાય કિંમત રૂ.3620, ચાંદીના બે પોપટ કિંમત રૂ.2280, ચાંદીના બે મોર કિંમત રૂ.2480, ચાંદીના ચાર સિક્કા કિંમત રૂ.2000 તેમજ રમેશભાઈ જે રૂમમાં સૂતેલા તે બેડરૂમમાં કબાટ તોડી અંદર ખાનામાં મૂકેલા રોકડા રૂ.2,50,000 તેમજ બાજુમાં મૂકેલા સોનાનાં ઘરેણાંમાં સોનાની બંગડી છ તોલાની કિંમત રૂ.60,000, સોનાની કંઠી ત્રણ તોલાની કિંમત રૂ.20,000, બુટ્ટી કિંમત રૂ.10,000 તમામ વસ્તુ મળી રોકડ તેમજ ઘરેણાં મળી કુલ રૂ.3,50,380ની ચોરી થઈ હતી. જે અંગે કામરેજ પોલીસે અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ડાભેલ ગામે ખેતરના ઓરડામાંથી 12 કિલો ગૌમાંસ ઝડપાયું, એક વોન્ટેડ
નવસારી: મરોલી પોલીસે બાતમીના આધારે ડાભેલ ગામે ખેતરના ઓરડામાંથી 12 કિલો ગૌમાંસ ઝડપી પાડયું હતું. જ્યારે આરોપી ઘટના સ્થળેથી નાસી જતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મરોલી પોલીસને બાતમી મળી હતી કે, ડાભેલ ગામે ગોમાલીયા ખાતે સરજુભાઈ નટવરલાલ મોદીના બ્લોક સર્વે નં. 546વાળા ખેતરમાં સિમેન્ટના પતરાવાળી બારી-બારણા વગરની ઓરડીમાં ડાભેલ ગામે પાદર ફળીયામાં રહેતો મહમદ ઉસ્માન એકલવાયા નામનો ઇસમ ગૌવંશ કાપે છે. જે બાતમીના આધારે પોલીસે ઘટના સ્થળે જઈ છાપો મારી ત્યાંથી 1200 રૂપિયાનું 12 કિલો ગૌમાંસ ઝડપી પાડયું હતું. જયારે મહમદ ઉસ્માન એકલવાયા ઘટના સ્થળેથી નાસી જતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે ગૌમાંસના સેમ્પલના નમુના લઈ સુરત એફ.એસ.એલ. ખાતે મોકલ્યા છે. આ બાબતે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. એમ.પી. સોલંકીએ હાથ ધરી છે.