વલસાડ: વલસાડના ઘડોઇ ફાટક પાસેના ફ્લેટમાંથી સોનાના ઘરેણા અને રોકડા મળી કુલ રૂ. 60 હજારની ચોરી થઇ હતી. આ ચોરીમાં પોલીસે અમદાવાદ ખાતે રહેતા મૂળ રાજસ્થાની આધેડની ધરપકડ કરી છે. જેની તપાસ કરતા આધેડ ચોરે સુરતમાં અનેક વખત ચોરી કરી હોય તેના વિરૂદ્ધ ત્યાં 6 ગુનાઓ પણ નોંધાયા હોવાનું બહાર આવ્યું છે.
- વલસાડના ઘડોઇ ફાટક નજીકના ફ્લેટમાંથી દાગીના, રોકડની ચોરી કરી હતી, ચાર દિવસના રિમાન્ડ મંજૂર
- સુરતમાં ચોરીના છ ગુના નોંધાયા હતા, અમદાવાદમાં દારૂની હેરાફેરીમાં પણ પકડાયો હતો
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત ઘડોઇ ગામે ગત 26 ઓગષ્ટના રોજ એક આધેડ ઇસમે તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાંથી સોનાની ચેન, બુટ્ટી, અને રોકડા રૂ. 10 હજાર ચોરી થયાની ફરિયાદ ઘર માલિક જયેશભાઇ પટેલે નોંધાવી હતી. આ ફરિયાદ આવ્યા બાદ રૂરલ પીઆઇ એસ.એસ. પવારની ટીમે સીસી ટીવી ફૂટેજના આધારે તપાસ કરી હતી. જે દરમિયાન તેમણે મૂળ રાજસ્થાનના અને હાલ અમદાવાદ રહેતા શૈલેન્દ્રકુમાર ઉર્ફે એસકે ઓમપ્રકાશ શર્માની ઓળખ કરી હતી. ત્યારબાદ તેમણે તેની શોધખોળ હાથ ધરતાં તે રાજસ્થાન પહોંચી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે પોલીસે તેને રાજસ્થાન જઇ પકડી પાડ્યો હતો. પોલીસે તેની તપાસ કરતાં તે બંધ ફ્લેટમાં ચોરી કરવા માટે જાણિતો હોવાનું અને સુરતમાં તેના વિરૂદ્ધ 6 ગુનાઓ દાખલ થયા હોવાનું પણ જાણવા મળ્યું હતુ. આ સિવાય તે અમદાવાદ પોલીસના હાથે દારૂની હેરાફેરીમાં પણ પકડાયો હતો. જેની વધુ તપાસ માટે પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને તેની વધુ તપાસ હાથ ધરી હતી.
અંકલેશ્વરમાં કેમિકલ સગેવગે કરનાર ટેન્કરચાલક ઝડપાયો
અંકલેશ્વર: અંકલેશ્વર જીઆઇડીસીના કિંગ એસિડ એન્ડ કેમિકલ ટ્રાન્સપોર્ટના ટેન્કરમાં કેમિકલ ભરીને નિયત જગ્યાએ પહોંચાડવાને બદલે મટિરિયલ સગેવગે કરતો ટેન્કરચાલક ઝડપાઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ કિંગ એસિડ એન્ડ કેમિકલ ટ્રાન્સપોર્ટના ટેન્કરમાં ભરૂચ જીએનએફસી માંથી ઇથાઇલ એસિટેટ ભરીને પાનોલીની મહાદેવ કેમિકલમાં પહોંચાડવાનું હતું. પરંતુ ટેન્કર ચાલક રામાશંકર ફૂલચંદ યાદવ દ્વારા નક્કી કરેલી ચોક્કસ જગ્યા પર પહોંચાડવાને બદલે ટેન્કરમાંથી મીરાનગર પાસે કેમિકલ સગેવગે કરવાનો કારસો રચ્યો હતો, અને જીઆઇડીસી પોલીસે ટેન્કરચાલકની ધરપકડ કરી હતી. જીએનએફસીમાંથી કુલ ૧૫૪૩૫ કેજીએસ કિંમત રૂપિયા ૧૪,૮૪,૩૮૪ના ઇથાઇલ એસિટેટ મટિરિયલમાંથી ટેન્કરચાલકે ૩૬૦ કેજીએસ કિંમત રૂ.૨૯,૩૪૦ જેટલું કેમિકલ કાઢી લીધું હતું. પોલીસે હાલ કંપનીના પ્રવીણ કાશીરામ પટેલની ફરિયાદ દર્જ કરીને અન્ય લોકોની આ ગુનામાં સંડોવણી અંગે વધુ તપાસ શરૂ કરી છે.