વર્ષ 2025 પૂરું થવાને હવે થોડાજ દિવસો બાકી રહ્યા છે. તેમજ આવતી 1 જાન્યુઆરી 2026થી નવા વર્ષની શરૂઆત સાથે અનેક મહત્વપૂર્ણ નાણાકીય અને પ્રશાસનિક નિયમોમાં ફેરફાર લાગુ થશે. આ ફેરફારો સામાન્ય નાગરિકોના રોજિંદા જીવન અને ખિસ્સા પર સીધી અસર કરશે. LPG ગેસના ભાવથી લઈને PAN-આધાર, બેંકિંગ, કર, પગાર અને વાહન ખરીદી સુધી અનેક બાબતો બદલાવાની છે.
PAN-આધાર લિંકિંગ ફરજિયાત
સરકારે PAN અને આધાર લિંક કરવાની અંતિમ મુદત ડિસેમ્બર સુધી રાખી છે. જો 1 જાન્યુઆરી સુધી PAN આધાર સાથે લિંક નહીં હોય તો PAN નિષ્ક્રિય થઈ શકે છે. આવી સ્થિતિમાં ITR ફાઇલ કરવું, રિફંડ મેળવવું, બેંક ખાતું ખોલવું અને સરકારી યોજનાઓનો લાભ લેવો મુશ્કેલ બની જશે.
UPI, SIM અને ડિજિટલ સુરક્ષા નિયમો
ડિજિટલ છેતરપિંડી અટકાવવા માટે UPI ટ્રાન્ઝેક્શન અને SIM વેરિફિકેશનના નિયમો વધુ કડક બનાવવામાં આવી રહ્યા છે. બેંકો અને ટેલિકોમ કંપનીઓ દ્વારા વધારાનું વેરિફિકેશન ફરજિયાત બનશે, જેના કારણે WhatsApp, Telegram જેવી એપ્સ મારફતે થતી ઠગાઈમાં ઘટાડો થવાની અપેક્ષા છે.
FD અને લોનના વ્યાજ દરમાં ફેરફાર
SBI, PNB અને HDFC જેવી મોટી બેંકો 1 જાન્યુઆરીથી ફિક્સ ડિપોઝિટ અને લોનના વ્યાજ દરોમાં સુધારો કરશે. કેટલાક લોન દરમાં ઘટાડો થવાથી EMI પર રાહત મળી શકે છે. જ્યારે FD રોકાણકારોને નવા દર લાગુ પડશે.
LPG, CNG અને ATFના ભાવમાં ફેરફાર
દર મહિને જેમ ઇંધણના ભાવ બદલાય છે તેમજ 1 જાન્યુઆરીથી ઘરેલુ LPG, CNG, PNG અને જેટ ફ્યુઅલ (ATF) ના ભાવમાં વધારો અથવા ઘટાડો શક્ય છે.
નવો આવકવેરા કાયદો
નવો આવકવેરા કાયદો 2026થી અમલમાં આવશે પરંતુ જાન્યુઆરીમાં નવા ITR ફોર્મ અને નિયમોની જાહેરાત થવાની શક્યતા છે. નવા કાયદા હેઠળ ટેક્સ પ્રક્રિયા સરળ બનાવાશે.
8મો પગાર પંચ
7મા પગાર પંચની મુદત 31 ડિસેમ્બર 2025એ પૂર્ણ થશે. 1 જાન્યુઆરી 2026થી 8મો પગાર પંચ લાગુ થવાની શક્યતા છે. જેનાથી સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારો થશે.
ખેડૂતો માટે નવા નિયમો
PM-Kisan યોજનાનો લાભ મેળવવા માટે યુનિક ખેડૂત ID ફરજિયાત બની શકે છે. તેમજ ખેડૂતોએ પાક નુકસાનની જાણ હવે 72 કલાકની અંદર કરવી પડશે.
વાહનના ભાવમાં પણ વધારો
BMW, MG મોટર, નિસાન, રેનો, એથર એનર્જી સહિત અનેક ઓટોમોબાઈલ કંપનીઓ 1 જાન્યુઆરીથી વાહનના ભાવમાં 3% સુધીનો વધારો કરશે.
આ તમામ ફેરફારો નવા વર્ષ સાથે તમારા બજેટ અને આયોજનને અસર કરશે. તેથી સમયસર તૈયારી રાખવી જરૂરી છે.