નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) સરસ્વતી લોક કોલોની સ્થિત એક ઘરમાં બે દિવસમાં જ 40 સાપ મળી આવ્યા હતા. 40 સાપ (40 snakes) મળી આવતા આસપાસ રહેતા લોકોમાં ડરનો માહોલ છવાઇ ગયો હતો. ત્યાર બાદ કોલોનીના લોકોએ આ અંગે વન વિભાગની ટીમને જાણ કરી હતી. તેમજ વન વિભાગની ટીમે સતત બે દિવસ રેસ્ક્યુ ઓપરેશન (Rescue operation) ચલાવી આ 40 સાપોને બચાવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ સરસ્વતી લોકના ઘર નંબર સી-220માં જગજીત સિંહ તેની પત્ની પ્રીતિ અને બાળકો સાથે રહે છે. જગજીત સિંહ હાલમાં શહેરની બહાર છે. ત્યારે તેમના ઘરે તેમની પત્ની અને બાળકો જ રહે છે. દરમિયાન સોમવારે તેમના ઘરના પહેલા માળે ઘણા નાના બેબી કોબ્રા સાપ મળી આવ્યા હતા. જેને પ્રીતિ અને તેણીના બાળકોએ ઉપાડીને બહાર ફેંકી દીધા હતા. પરંતુ મંગળવાર અને બુધવારે પણ સાપના બચ્ચા નીકળતાં પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. તેમજ પ્રીતિએ પડોશીઓને આ બાબતે જાણ કરી હતી.
સાપના બચ્ચાનો આબાદ બચાવ
પ્રીતિ અને આસપાસના પાડોશીઓએ વન વિભાગને ઘટનાની જાણ કરતા વન વિભાગના એસડીઓ અંશુ ચાવલા અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં તેમને જાણવા મળ્યુ હતું કે ઘરના ટોયલેટ પાસે સાપના બચ્ચા મળી આવ્યા હતા. ત્યાર બાદ આ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ડીએફઓ અને વન્યજીવ નિષ્ણાંતોએ સૌપ્રથમ સાપની પ્રજાતિની તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે આ તમામ સાપો પાણીના સાપ હતા. જેને બિનઝેરી સાપ પણ કહી શકાય છે. આ માહિતી સામે આવતા જ કોલોનીના રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
બેબી સાપ છ થી સાત ઈંચ લાંબા હતા
મામલાની જાણકારી આપતા વિશંભર સિંહે જણાવ્યું હતું કે સાપના બચ્ચાની લંબાઈ 6-7 ઈંચ હતી. તેમજ ઘરમાં સાપ મળી આવ્યાની જાણકારી મળ્યા બાદ મંગળવારે 28 સાપના બચ્ચા પકડાયા હતા અને બુધવારે પણ 12 બચ્ચા મળી આવ્યા હતા. વધુ વિગતો આપતા વન્યજીવ નિષ્ણાત આદિત્ય તિવારીએ કહ્યું કે સામાન્ય ભાષામાં આ બચ્ચાને પાણીના સાપ કહેવામાં આવે છે. જે ઝેરી નથી હોતા. ટીમે ઘરની આસપાસ પણ શોધખોળ કરી હતી, પરંતુ કંઈ મળ્યું ન હતું. પરંતુ ગટરના માર્ગેથી સાપના બચ્ચા ઘરમાં ઘુસ્યા હોવાની વન વિભાગે આશંકા વ્યક્ત કરી હતી.
આ સાપ ચેકર્ડ કીલબેગ વોટર પ્રજાતિના હતા
ડીએફઓ રાજેશ કુમારના જણાવ્યા મુજબ આ ચેકર્ડ કીલબેક વોટર સ્નેક છે. તેમજ સાપના બચ્ચા સાથે એક મોટો સાપ પણ જોવા મળ્યો હતો. ચેકર્ડ નેઇલ બેક સાપ કુવાઓ, બગીચાઓ, ડાંગરના ખેતરોમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ સાપો રસોડામાં અથવા બાથરૂમમાં પાણીની પાઇપ દ્વારા પ્રવેશ કરે છે. તેમજ બિન-ઝેરી હોવા છતાં, તેઓ આક્રમક સ્વભાવના છે. જેથી લોકો આ સાપોથી ડરી જાય છે.