બીજું વિશ્વયુદ્ધ પરાકાષ્ટા તરફ જઇ રહ્યું હતું. મિત્ર રાજ્યો હિટલરને યહૂદીઓ તરફની ઘાતક ઘૃણાના સતત મળતા અહેવાલોથી વિચલિત થતા હતા. રોજેરોજ અહેવાલો મળતા હતા કે આજે આટલા યહૂદીઓને વીણી વીણીને ગેસ ચેમ્બરમાં ધકેલી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. યહૂદીઓ જીવ બચાવવા કંઇ પણ કરવા તૈયાર થઇ જતા હતા પણ હિટલર…! તે જમાનાના કદાચ સૌથી ક્રૂર પુરુષ તરીકેનું બિરુદ તેને વણમાંગ્યે મળી ગયું હતું. મિત્ર રાજ્યો નાઝી જર્મનીની કમર ભાંગવા માટે તનતોડ પ્રયત્નો કરતા હતા અને હિટલરને ખતમ કરવા જાત જાતના પ્રયત્નો કરતા હતા પણ આખરે બ્રિટિશ જાસૂસોએ એક વિચિત્ર મિશન વિચાર્યું હતું : હિટલરને સ્ત્રી બનાવવાનું! હા, હિટલરના ખોરાકમાં સ્ત્રૈણ હોર્મોન્સ ભેળવી, તેનામાં રહેલી પુરુષ તરીકેની ખતમ કરવાની વિચિત્ર યોજના બ્રિટિશ જાસૂસોએ વિચારી હતી.
બ્રિટનની કાર્ડિફ યુનિવર્સિટીના પ્રો. બ્રયાન ફોર્ડે પોતાના પુસ્તક ‘સિક્રેટ વેપન્સ : ટેકનોલોજી, સાયન્સ એન્ડ ધ રેસ ટુ વિન વર્લ્ડ વોર – 2’ પુસ્તકમાં એવો દાવો કર્યો હતો કે બ્રિટિશ જાસૂસોએ હિટલરના સૂપમાં સ્ત્રી હોર્મોન્સ ઇસ્ટ્રોજન ભેળવી તેને સ્ત્રી સ્વરૂપે વધુ વર્તવા મજબૂર કરવાની યોજના વિચારી હતી. તેમના મનમાં એવું હતું કે શરીરમાં ઇસ્ટ્રોજન જાય તો હિટલર સ્ત્રીની જેમ માયાળુ બને, ઓછો ઘાતક બને અને તેની માયાળુ સેક્રેટરી અને બહેન પૌલાની જેમ વર્તે. પ્રો. ફોર્ડ કહે છે કે આ કાવતરું પૂરેપૂરી રીતે શકય હતું. હિટલર કંઇ કાચો – પોચો સરમુખત્યાર નહોતો. તેને ખબર હતી કે તેના જીવનના દુશ્મન 1 શોધો તો 50 મળે. ખોરાકમાં ઝેર ભેળવી કોઇ મારી ન નાંખે તે માટે તેને પીરસાયેલો ખોરાક ચાખનારા તેના ‘જવાંમર્દ’ કર્મચારીઓ હાજર હતા.
હિટલરના અંગત કર્મચારીગણમાં જર્મન ઓળખ ઊભી કરી ઘુસી ગયેલા બ્રિટિશ – અમેરિકી જાસૂસો હતા. તેમણે મોકલેલા – ગણાયેલા અહેવાલમાં જણાવાયું હતું કે હિટલરને 3 વાર સાઇનાઇડ નામનું ઝેર આપી મારી નાંખવાની કોશિશ કરાઇ હતી. સાઇનાઇડ અત્યંત કાતિલ ઝેર છે અને તે પેટમાં ગયા પછી ખાનાર ગણતરીની સેકંડોનો જ મહેમાન હોય છે. બ્રિટિશ જાસૂસોએ આ વાતની ગંભીર નોંધ લીધી હતી કે હિટલરને કોઇ પણ ઝેર આપવાનું લગભગ અશકય છે એટલે તેમણે ઇસ્ટ્રોજન પર પસંદગી ઉતારી. ઇસ્ટ્રોજનને સ્વાદ કે ગંધ નથી હોતાં અને તેની અસર બહુ ધીમી હોય છે એટલે તે પકડાતી નથી. – પણ બ્રિટિશ જાસૂસો પોતાની આ યોજના અમલમાં મૂકી શકયા નહોતા.
હિટલરને મારવાના વિચિત્ર ઉપાયોમાં જર્મન લશ્કર પસાર થાય ત્યાં તેમના માર્ગ પર ગુંદર પાથરી દેવાની પણ યોજના હતી, તો જર્મનીમાં આયાત થતાં ફળના ડબ્બામાં બોંબ મૂકવાની, જર્મન સૈનિકોને ભેટરૂપે મોકલાતા ખોખાંઓમાં ઝેરી સાપ મૂકવાની અને છેલ્લે નાઝીઓને મારવા નોમોન્ડીના કિનારા પર બોંબ જડેલું 10 ફૂટ ઊંચું પૈડું ધકેલી દેવાની પણ યોજના હતી. આ પૈડાંમાં પાણી ચાલક બળ તરીકે વાપરવાનું હતું અને તેના આરા પર રોકેટ બાંધવાના હતા. શેખચલ્લીના દિમાગમાં પણ આનાથી સારા વિચાર આવી શકયા હોત પણ આ વિચાર પાછળ વિજ્ઞાનીઓએ 10 લાખ પાઉન્ડ ખર્ચી વેલ્શના દરિયાકિનારે પ્રયોગ કર્યા હતા. જરૂરિયાતના સંતાનો તરીકે શોધખોળ થતી હોય છે, પણ આ સંતાનો આમાં તરંગી પણ હોઇ શકે!
– નરેન્દ્ર જોશી