દરેક વ્યકિતનાં જીવનમાં કશુંક તો એવું ‘ખાનગી’ હોય છે, જે એણે સૌની નજરથી છુપાવીને રાખવું પડતું હોય છે. માણસ ગમે તેટલો સરળ અને નિખાલસ હોય તોય એની લાઇફમાં થોડુંક તો ખાનગી રહેવાનું જ.
આપણું ‘ખાનગી’ બે કારણે હોય છે. પહેલું કારણ એ છે કે દુનિયા જેને ખોટું-ખરાબ, પાપ કે ગુનો માને છે એવું કાંઇક આપણી લાઇફમાં આપણે જાણી જોઇને કે ભૂલથી કરતા હોઇએ તો એને છુપાવી રાખવું પડે છે. બીજું કારણ એ છે કે આપણને જે ખોટું-ખરાબ પાપ કે અનિચ્છનીય લાગતી હોય એ બાબતને પણ આપણે છુપાવી રાખતા હોઇએ છીએ. માનવમનમાં બહુવિધ ખૂણામાં જોનારને એ ખબર છે કે, ખાનગી વાત કહેવાનાં પરિણામ ગંભીર કે અકલ્પ્યાં આવી શકે છે.
એક વેપારીની વાત જોઇએ. વેપારી ધંધાના કામે વિવિધ સ્થળે ફરતો. ત્યાં કોઇ સ્ત્રી જોડે પ્રેમ થઇ ગયો. આ રોમાંચક કહી શકાય એવો બનાવ તેમના જીવનમાં થોડો સમય માટે રહયો અને પછી જતો રહયો. વેપારીને મન આ બનાવ ખાનગી હતો. તેણે માન્યું કે, આ વાત તેની પત્નીને કહેવાથી કંઇ વાંધો આવશે નહીં! તેના સુખી જીવનને ધ્રુજાવી શકશે નહીં, પણ એ માન્યતા ખોટી પડી. વાત સાંભળી જાણે ભૂચાલ આવ્યો. બહારથી સ્વસ્થ લાગતી પત્નીના મનમાં શંકાએ ઘર કર્યું. એની શાંતિ હણાઇ ગઇ. તેના મનમાં એક જ પ્રશ્ન વારંવાર ઊઠતો- ‘શું હું પેલી સ્ત્રી જેટલી આકર્ષક નહીં હોઉં? આ પ્રશ્ને તેના મનમાં અસલામતીની લાગણી પ્રેરી. પત્નીને એમ લાગવા માંડયું કે, પતિ તેને ભલમનસાઇથી ચલાવી લે છે. તેના પતિ જયારે જયારે ધંધાર્થે બહારગામ જતા ત્યારે તેને લાગતું કે મારાથી છૂટવા- દૂર ભાગી રહયા છે.
વાત જાણ્યા પછી પત્નીની મનોદશા ખૂબ ખરાબ થઇ. વેપારીએ પત્નીના પ્રેમમાં અટલ શ્રધ્ધા હોવાથી વાત કહી પણ ખરેખર તો વેપારીએ ખાનગી ગણી શકાય તેવી વાત પત્નીને કહીને તેને દુ:ખી કરવાને બદલે પોતાના મનમાં સમાવી લેવાની જરૂર હતી. પોતાની ભૂલ- ભાર પોતે જ વહન કરવો રહયો. ઘણી વાર ખાનગી વાતને ખાનગી રાખવા અનેક ગપગોળા ચલાવવા પડે છે. એક પત્ની ખૂબ વહેમીલી હતી એનો પતિ ઓફિસેથી મોડો આવતો હોય કે અપ-ટુ-ડેટ તૈયાર થઇને જતો હોય તો શંકા કરે તો બરાબર પણ એનો પતિ તો સાવ સીધો. સાદગીભર્યું જીવન, અને નિયમિત સમયસર ઘેર પહોંચતો. તો ય તેની પત્ની વહેમ કરતી. રોજ તેના ખિસ્સા તપાસે. કેટલા પૈસા કઇ રીતે વપરાયા એનો હિસાબ પૂછે. ઓફિસે પણ વારંવાર ફોન કરીને એ ઓફિસમાં જ બેઠો છે કે નહિ એની તપાસ કરે.
પતિને ઘણી વાર થતું આ મારું ખોટી રીતે ઇન્સલ્ટ કરે છે. એક વાર ખૂબ ગુસ્સો કર્યો પણ પત્નીના વિચારોમાં કંઇ ફેર પડયો નહીં- તે એમ જ વિચારે કે મારો પતિ હેન્ડસમ છે. બોલવામાં ચાલાક છે. તેની પાસે સત્તા પણ છે. આજકાલની યુવતીઓને તો મફતમાં મોજ કરવા જોઇતું હોય છે. આવા સંકુચિત વિચારોથી એનો પતિ ત્રાસી ગયો. મને કોઇ જોડે લફરું નથી તો ય મારી વાઇફ મારા પર સતત શંકા કરે છે તો હવે ખરેખર એકાદ ખાનગી સંબંધ રાખીને મારી પર્સનલ લાઇફને ખુશ્બૂદાર બનાવું! એ પતિને અત્યારે ખરેખર એક પરણેલી યુવતી સાથે અફેર છે. એ યુવતી એના પતિના વહેમીલા સ્વભાવથી કંટાળેલી છે. દાઝેલા બે હૈયાં પરસ્પરને હૂંફ આપીને ખૂબ રાહત અનુભવે છે. આવી ક્ષણે ખાનગીને ખાનગી રાખવા માણસે જે ખોટું બોલવું પડે એ ક્ષમ્ય જ ગણાય.
માણસની લાઇફમાં ઘણી વાર ઘરના માણસોના સ્વભાવને કારણે વાત ખાનગી રાખવી પડે છે. આજનાં છોકરાંઓની રહેણીકરણી એટલી હાઇ-ફાઇ હોય છે. જેથી બધું સરસ, મોંઘુદાટ જોઇએ. તેથી મમ્મી તેની ચોઇસનું મોંઘું હોય તો પણ અપાવે. પણ દીકરા-દીકરીને કહે ઘરમાં બા-બાપુ-પપ્પા આગળ આ કિંમત ન બોલીશ. ખાનગી રાખજે. આવું તો કેટલુંય…. છોકરાંઓને ખુશ રાખવા ખાનગી ખર્ચા કરવા પડે છે. વડીલોના કકળાટથી બચવા. સ્વભાવથી બચવા.
ઘણી વખત સાવ સામાન્ય વાત હોય તો પણ ખાનગી રાખવામાં આવતી હોય છે. એક છોકરી ભણવા સાથે નોકરી કરી પૈસા ભેગા કરતી હતી પરિવારને તેની જાણ કર્યા વગર. એ વાત એણે ખાનગી રાખી હતી. એક બાળક પાડોશીને ઘેર દરરોજ ચોકલેટ ખાતો પણ મમ્મીને ન કહેતો. ચોરીછૂપી ખાતો કારણ મમ્મીએ ચોકલેટ ખાવા પર પ્રતિબંધ મૂકયો હતો. કયારેક તો બીજાને પીડા ન પહોંચે એ માટે આપણે ખાનગીમાં કેટકેટલું સહન કરતા રહીએ છીએ! સાસરામાં દીકરીને દુ:ખ હોય તો ખાનગી રાખે છે. દીકરાઓ સારી રીતે રાખતા ન હોય તો ય સમાજમાં ઇજ્જત રાખવા ઘણાં પેરેન્ટસ ખાનગીમાં કેટકેટલાં દુ:ખો વેઠતાં રહે છે.
જીવનને સફળ રીતે જીવી જવા માટે ઘણા ગુણોની જરૂર પડે છે. જીવનને અસ્તવ્યસ્ત બનતું અસરકાર રીતે અટકાવી દેનાર ગુણ દક્ષતા- એટલે કે ખાનગી વાત ગુપ્ત રાખવાની કળા- સૌએ શીખી લેવી જોઇએ. કોઇ ગુપ્તતાને આપણે અકબંધ જાળવી શકીએ છીએ ખરા? આપણા ભરોસે મુકાયેલી કોઇની ખાનગી વાત. ગુપ્તતાને જાળવી રાખવાનું કામ સાચે જ અઘરું છે. પછી એ ગુપ્તતા આપણા પોતાના વિશે હોય કે અન્ય કોઇ વિશે, આપણને એનો ભાર લાગ્યા કરે છે. આપણા મનમાં એક દ્વિધા ખડી થાય છે. કહી દઉં કે ચૂપ રહું? અને ત્યારે તમારી દક્ષતા કસોટીએ ચઢે છે. તમે કાં તો પાર ઊતરો છો કયાં તો છેલ્લી ઘડીએ, ખોટી પળે મોં ખોલી નાખો છો. આવી પરિસ્થિતિ જીવનમાં અનેક વાર સહુએ અનુભવી હશે, કોઇએ આપણાં પર મૂકેલો ભરોસો તોડવો નહીં- ખાનગી વાતને ખાનગીમાં ધરબી રાખવી એમાં જ સૌનું હિત હોય છે.
સુવર્ણરજ
વિશ્વાસ વિના સલામતી નથી,
જયાં સલામતી નથી ત્યાં મસ્તી નથી.