વિશ્વમાં જો કોઈ સૌથી વધુ ઝડપે વધી રહ્યા હોય તો તે સાયબર ક્રાઈમ છે. ઓટીપી મોકલીને છેતરપિંડી, ડિજિટલ એરેસ્ટ કરીને છેતરપિંડી, બારોબાર ખાતામાંથી નાણાં ઉપાડી લેવા,સિમ ક્લોન કરી લેવા સહિતના પેંતરાઓ ગુનેગારો અપનાવે છે અને સામાન્ય નાગરિક છેતરાય છે. આ તમામ છેતરપિંડી માટે જો કોઈ જવાબદાર હોય તો તે સિમકાર્ડ છે. ટેલિકોમ કંપનીઓ દ્વારા કોઈપણ પ્રકારના વેરિફિકેશન વિના જ સિમકાર્ડ વેચવામાં આવે છે અને આ સિમકાર્ડનો ગુનેગારો ઉપયોગ કરે છે. આ ગુનાખોરીમાં ક્યાંક બેંકની બેદરકારી હોય છે અને ક્યાંક ખુદ બેંકના કર્મચારીઓ પણ સામેલ હોય છે. પહેલાના સમયમાં જ્યારે સ્માર્ટ ફોન જ નહોતા ત્યારે આવી રીતે છેતરપિંડીઓ થતી નહોતી. ખરેખર આ પ્રકારની છેતરપિંડી માટે જે તે બેંક અને જે તે ટેલિકોમ કંપનીને જવાબદાર ઠેરવવી જોઈએ. આ વાતને કેન્દ્ર સરકારે પણ અનુમોદન આપ્યું છે.
તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે જો બેંકો અથવા ટેલિકોમ કંપનીઓની બેદરકારીને કારણે નુકસાન થયું હોય તો તેઓ જવાબદાર હોવા જોઈએ. સુપ્રીમ કોર્ટના આદેશ પર રચાયેલી મંત્રાલયની આંતરિક ઉચ્ચ-સ્તરીય સમિતીની બેઠકમાં તેઓ આ નિષ્કર્ષ પર આવ્યા હતા. ડિજિટલ એરેસ્ટ સહિતના સાયબર ગુનાઓ અટકાવવા માટે સિમકાર્ડના નિયમો કડક કરવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ પર ગૃહમંત્રાલય દ્વારા એક સ્ટેટ્સ રિપોર્ટ રજૂ કરાયો છે અને તેમાં કહેવાયું છે કે આ સમિતી ગૃહમંત્રાલયમાં વિશેષ સચિવ (આંતરિક) સુરક્ષાની અધ્યક્ષતામાં કામ કરશે. આ બેઠકમાં સમિતીએ પીડિત વળતર અંગે એમિક્સની ભલામણો પર પણ વિચારણા કરી હતી. જેમાં નોંધવામાં આવ્યું કે સિસ્ટમ નિષ્ફળતા અથવા અન્ય કારણોસર પીડિતોને નુકસાન થવું જોઈએ નહીં. હાલની વળતર પદ્ધતિની સમિક્ષા થવી જોઈએ અને સુધારા અને ફેરફારો પણ કરવા જોઈએ.
કોર્ટને એ જાણ કરવામાં આવી હતી કે સમિતી દ્વારા દર બે અઠવાડિયે મીટિંગ કરવામાં આવશે. બેઠકમાં સીબીઆઈએ ડિજિટલ ધરપકડના કેસ માટે નાણાંકીય મર્યાદા નક્કી કરવાનું પણ સૂચન કરાયું હતું. આ મર્યાદાથી ઉપરના કેસોની તપાસ સીબીઆઈ દ્વારા કરાવી શકાય. જ્યારે તેનાથી નીચેની રકમના કેસોની તપાસ રાજ્યની એજન્સીઓએ કરવાની રહે છે. બેઠકમાં આરબીઆઈએ જણાવ્યું હતું કે, છેતરપિંડી શોધવા માટે એઆઈ આધારીત સાધનોનો બેંકોએ ઉપયોગ કરવો જોઈએ. શંકાસ્પદ વ્યવહારોમાં સામેલ ખાતાઓ ફ્રીઝ કરવા માટેની એસઓપીને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. એકવાર સૂચિત થયા બાદ સિમકાર્ડ જારી કરવામાં બેદરકારી અને એક જ વ્યક્તિને બહુવિધ સિમકાર્ડ જારી કરવા જેવા મુદ્દાઓને પણ ધ્યાને લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં આગામી તા.20મીના રોજ સુનાવણી પણ રાખવામાં આવી છે.
કોર્ટમાં આ સુનાવણી થતી રહેશે પરંતુ ખરેખર કેન્દ્ર સરકારે હાલમાં જે રીતે સાયબર ક્રાઈમો વધી રહ્યા છે તેને અટકાવવા માટેના ઉપાયો કરવા જ પડશે. કેન્દ્ર સરકાર મોડી જાગી છે અને તે પણ સુપ્રીમ કોર્ટના આદેશને પગલે જાગી છે. ખરેખર સરકારે પહેલેથી જ આ માટે પગલાઓ લેવાની જરૂરીયાત છે. જે રીતે બારોબાર વેરિફિકેશન કર્યા વિના હજારો સિમકાર્ડ ટેલિકોમ કંપનીઓ દ્વારા વેચવામાં આવી રહ્યા છે તેની પર બ્રેક લાગવી જોઈએ. ટેલિકોમ કંપની અને બેંકોને જો જવાબદાર ઠેરવવાની શરૂઆત કરવામાં આવશે તો સાયબર ક્રાઈમમાં મોટો ઘટાડો થાય તેમ છે. કેન્દ્ર સરકારે આ મામલે ઝડપથી જાગવાની અને પગલાઓ લેવાની શરૂઆત કરવાની જરૂરીયાત છે. જો તેમ થશે તો જ સરેરાશ નાગરિક સાયબર ક્રાઈમથી બચશે તે નક્કી છે.