જો કોઈપણ દેશએ પ્રગતિ કરવી હોય તો તે દેશના શાસકોએ પ્રજાને શિક્ષિત બનાવવી જરૂરી છે. ભૂતકાળમાં જે જે પ્રદેશોમાં સાક્ષરતાનું પ્રમાણ વધારે હતું તે પ્રદેશો દ્વારા પ્રગતિ કરવામાં આવી જ છે. સાક્ષરતા વધારવા માટે જે તે દેશમાં શાળાઓ ઊભી કરવાથી માંડીને બાળકો યોગ્ય રીતે ભણી શકે તે માટે તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરવી જોઈએ. અનેક રાજ્યો દ્વારા આ માટે દેશમાં પ્રયત્નો કરવામાં આવ્યા છે.
કેજરીવાલે પણ મોડેલ સ્કૂલો અને શિક્ષણ વ્યવસ્થા બનાવીને જ પોતાની લોકપ્રિયતા ઊભી કરી છે. જેને અન્ય રાજકીય પક્ષો અનેક પ્રયાસો છતાં પણ ઓછી કરી શકતા નથી. એક તરફ સરકારો દ્વારા શિક્ષણ વ્યવસ્થા સુધારવાની વાતો થાય છે પરંતુ વાસ્તવિકતા તેનાથી કંઈક અલગ જ છે. ભૂતકાળમાં સમગ્ર દેશમાં એક સરખી શિક્ષણ વ્યવસ્થા રાખવા માટે પ્રયાસો થયા હતા પરંતુ ઉચ્ચ શિક્ષણ સિવાય નીચલા સ્તરે દરેક રાજ્ય પ્રમાણે શિક્ષણ વ્યવસ્થા અલગ જ છે.
તાજેતરમાં લોકસભામાં જ્યારે સાંસદો દ્વારા પ્રશ્નો કરવામાં આવ્યા ત્યારે ખૂદ દેશના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્વીકાર કર્યો હતો કે દેશમાં 2.80 લાખ સરકારી શાળાઓમાં બાળકોના રમવા માટેનું મેદાન પણ નથી. જ્યારે 1.13 લાખ શાળામાં વીજળી પણ પહોંચી શકી નથી. ખૂદ દેશના કેન્દ્રીય મંત્રીના જ એકરારને પગલે દશમાં ‘ખેલેગા ઈન્ડિયા તભી તો બઢેગા ઈન્ડિયા’ના નારાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે.
કેન્દ્ર સરકારે ભૂતકાળમાં આરટીઈએ એટલે રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો બનાવ્યો હતો. 2009માં બનાવાયેલા આ કાયદામાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે પ્રત્યેક શાળા પાસે માળખાકીય સુવિધાવાળી ઈમારત અને સાથે સાથે રમવાનું મેદાન પણ હોવું જોઈએ પરંતુ દેશણાં 28 ટકા સ્કૂલો એવી છે કે જેમાં વિદ્યાર્થીઓને રમવાના મેદાનો નથી.
આમ તો શિક્ષણનો વિષય જે તે રાજ્ય સરકાર અને સંધપ્રદેશના પ્રદેશના અધિકારોમાં આવે છે. શાળાઓમાં સુવિધાઓ ઊભી કરવાની જવાબદારી રાજ્ય સરકારોની છે પરંતુ રાજ્ય સરકારો પણ આ માટે ગંભીર નથી. આખી દુનિયા આજે કોમ્પ્યુટર પર કામ કરી રહી છે અને દેશમાં વાસ્તવિકતા એ છે કે 90 ટકા સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર જ નથી.
જ્યાં કોમ્પ્યુટર જ નથી ત્યાં ઈન્ટરનેટની તો વાત જ શી કરવી? જે શાળાઓમાં કોમ્પ્યુટર છે તેવી શાળાઓ પૈકી 66 ટકા શાળાઓ એવી છે કે જેમાં ઈન્ટરનેટ પણ નથી. શાળાઓમાં સમગ્ર શિક્ષા સહાય યોજના હેઠળ 4509 કરોડ રૂપિયા અને શાળામાં વીજ કનેકશન માટે સરકાર દ્વારા 60 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને પત્ર લખીને શાળાઓમાં વીજ કનેકશન આપવા માટે સૂચના આપી હતી પરંતુ તેનો અમલ હજુ પણ થયો નથી. આ તો વાત થઈ, મેદાન અને વીજ કનેકશનની, પરંતુ અનેક શાળાઓ એવી છે કે જેમાં પીવાનું પાણીની સુવિધા નથી.
હાથ ધોવા માટેની જગ્યાઓ પણ નથી. યુવક અને યુવતી માટે અલગ અલગ શૌચાલયો પણ નથી. શિક્ષણના મામલે સૌથી ખરાબ હાલત પશ્ચિમ બંગાળની છે. જ્યારે 83 હજારથી વધૂ સ્કૂલ છે અને તેમાં 28 હજાર સ્કૂલમાં મેદાન અને 1613 વીજળી નથી. આજ રીતે મધ્યપ્રદેશમાં 92 હજાર સ્કૂલ પૈકી 21 હજાર સ્કૂલમાં મેદાન નથી અને 25 હજાર સ્કૂલોમાં તો વીજળી કનેકશન જ નથી. આવી જ રીતે રાજસ્થાનમાં 68 હજાર શાળાઓ પૈકી 16 હજારમાં મેદાન અને 11 હજારમાં વીજ કનેકશન નથી. છત્તીસગઢમાં 48 હજાર શાળા પૈકી 11 હજાર શાળામાં મેદાન અને 2 હજાર શાળામાં વીજ કનેકશન નથી. ગુજરાતની આ મામલે સ્થિતિ થોડી સારી છે. ગુજરાતમાં 34 હજાર શાળાઓ પૈકી 5 હજારમાં મેદાન અને માત્ર 21 જ શાળા એવી છે કે જેમાં વીજ કનેકશન નથી.
તમિલનાડુની હાલત ગુજરાત કરતાં પણ સારી છે. તમિનલનાડુમાં 37 હજાર સ્કૂલ પૈકી 6 હજાર શાળામાં મેદાન નથી. જ્યારે તમામ શાળાઓમાં વીજકનેકશન છે. કર્ણાટકમાં પણ 49 હજાર શાળા પૈકી 11 હજારમાં મેદાન નથી અને 436 શાળા એવી છે કે જેમાં વીજકનેકશન નથી. દેશમાં રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર દ્વારા લાખો રૂપિયાના બજેટ બનાવવામાં આવે છે. સ્વાભાવિક રીતે શિક્ષણ પાછળ પણ લાખો કરોડો રૂપિયાની બજેટમાં જોગવાઈ કરવામાં આવે છે પરંતુ આ જોગવાઈ કરેલા નાણાં યોગ્ય રીતે ખર્ચવામાં આવે છે કે કેમ? તે જોવામાં આવતું જ નથી. ભ્રષ્ટાચારને કારણે આ રૂપિયા વેડફાઈ જાય છે અને બાળકો શિક્ષણ વંચિત રહી જાય છે. શિક્ષણ પાયાની જરૂરીયાત હોવા છતાં પણ સરકારો તેના પ્રત્યે ગંભીર નથી. જો ખરેખર દેશને પ્રગતિના પંથે લઈ જવાનો હોય તો સરકારોએ શિક્ષણના મામલે ગંભીર થવાની જરૂરીયાત છે અન્યથા આપણો દેશ પછાત જ રહેશે તે નક્કી છે.