SURAT

પછી ઇન્જેક્શન ઘટે જ ને ! નવી સિવિલમાં દાખલ ન હતા તેમના નામે ઇન્જેક્શન ફાળવી દેવાયા

સુરત : કોરોના(CORONA)માં સંજીવની સમાન ગણાતા રેમડેસિવિર ઇન્જેકશન (REMDESIVIR INJECTION) માટે લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે. રેમડેસિવિર ઇન્જેકશન નહીં મળવાના કારણે અનેક લોકોના મોત થયાના સમાચારો પણ બહાર આવ્યા છે ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિ.માં જે દર્દીઓ દાખલ જ નથી કે જેમની કોઈ હિસ્ટ્રી (HOSPITAL HISTORY) જ નથી તેવા દર્દીઓ(PATIENT)ના નામે ઇન્જેકશનનો જથ્થો આપી દઈ કૌભાંડ (SCAM) આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે. આ કૌભાંડમાં સુપ્રિટેન્ડન્ટએ માત્ર તપાસના આદેશો કરીને ઠંડુ પાણી રેડી દીધું હોવાનું પણ મનાઈ રહ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, હાલમાં સુરતની કોવિડ હોસ્પિટલ(COVID HOSPITAL)માં 1200 દર્ધીઓ સારવાર લઇ રહ્યા છે. જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલો પણ ફૂલ થઇ ગઇ છે. કોરોનાના જીવલેણ રોગમાં ફેંફસાને જીવંત રાખવા માટે ડોક્ટરો રેમડેસિવિર ઇન્જેકશન લખી આપે છે. સુરતની સિવિલ અને સ્મીમેરમાં જે દર્દીઓ દાખલ છે તેઓને સહેલાઇથી ઇન્જેકશન મળી રહે તે માટે સરકાર દ્વારા મોટી માત્રામાં ઇન્જેકશનો અપાયા હતા. આ ઉપરાંત પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે પણ ઇન્જેકશન મોકલવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા ચાર-પાંચ દિવસથી રેમડેસિવિર ઇન્જેકશનની એટલી માંગ વધી કે એક ઇન્જેકશનના 7000 સુધીની રકમ વસૂલવામાં આવી હતી.

બીજી તરફ સુરતની સિવિલ હોસ્પિટલમાં ઇન્જેકશનનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે, ડોક્ટર હોય કે પછી અધિકારી કે પછી નોડલ ઓફિસરો તમામના આંખમિચામણા સાથે 150થી વધુ રેમડેસિવિર ઇન્જેકશન બારોબાર સગેવગે કરી દેવામાં આવ્યા છે. જે ઇન્જેકશન બારોબાર આપી દેવાયા છે તેમાં માત્ર ઓપીડી બેઇઝના કેસ પેપર ઉપર જ કેસ રજીસ્ટર કરી દેવાયા હતાં. જે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ જ નથી તેઓના નામે પણ ઇન્જેકશન આપી દેવામાં આવ્યા છે. રેમડેસિવિર ઇન્જેકશન આપવા માટે ડોક્ટરો લાંબુ વિચારે છે અને દર્દીની સ્થિતિ પ્રમાણે ઇન્જેકશન આપવાના હોય છે તેમ છતાં 150 જેટલા ઇન્જેકશનનો કોઇ હિસાબ જ નથી.

કોના નામે ઈન્જેકશનો આપી દેવામાં આવ્યાં તેની ઉચ્ચસ્તરીય તપાસ કરાશે તો મોટું કૌભાંડ બહાર આવશે

જે રીતે નવી સિવિલ હોસ્પિ.માં જે દાખલ જ થયા નથી તેવા દર્દીના નામે રેમડેસિવિર ઈન્જેકશન બારોબાર વગે કરી દેવામાં આવ્યાં છે તે અંગે ઉચ્ચસ્તરીય તપાસ જરૂરી છે. આ મામલે સરકાર દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ કરવામાં આવે અને તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે. માત્ર 150 જ નહીં પરંતુ 1500 જેટલા ઈન્જેકશનો મોટી રકમ લઈને કાળાબજારમાં વેચી દેવામાં આવ્યા હોવાની આશંકા છે. જો સઘન તપાસ થશે તો મોટું કૌભાંડ બહાર આવવાની સંભાવના નકારી શકાતી નથી.

કેટલાક દર્દીઓને ડાયરેક્ટ ઓપીડીમાંથી પ્રાઇવેટમાં શિફ્ટ કરાયા છે, તેઓના નામે ઇન્જેકશન છે અને જરૂર પડ્યે તેઓને ઇન્જેકશન અપાશે

આ મામલે સુપ્રિટેન્ડન્ટ ડો. રાગીની વર્માએ કહ્યું હતું કે, મે ઓપીડી વિભાગમાં તમામ ડોક્ટરો સાથે વાત કરી હતી. જે ઇન્જેકશનને લઇને વિવાદ થયો છે તેમાં કેટલાક દર્દીઓ ઓછા ઓક્સિજનવાળા હતા. જેઓ ઓપીડીમાં આવીને ડાયરેક્ટર એસએમસી ક્વોટામાં પ્રાઇવેટ હોસ્પિટલમાં શિફ્ટ થયા છે. આ દર્દીઓને રેમડેસિવિર ઇન્જેકશનનો ડોઝ ચાલુ કરાયો નથી. જેથી આ સંપૂર્ણ વાત બહાર આવી છે, પરંતુ આવા દર્દીઓને જરૂર પડ્યે રેમડેસિવિર ઇન્જેકશન અપાશે. આ બાબતે ડોક્ટરો તેમજ રજીસ્ટ્રરમાં ક્રોસ ચેકિંગ પણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top