આજે ભારત માટે ખૂબ સારો દિવસ કહી શકાય તેમ છે કારણ કે, આજે એક એવા વિરલ પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી રહી છે. જે કદાચ સફળ થાય તો આવનારી પેઢીઓ મધ્યપ્રદેશના નેશનલ પાર્કમાં ચિત્તાઓને વિચરતા જોઇ શકશે. તેમના આગમનની સાથે જ 74 વર્ષ બાદ ભારતમાં ચિત્તાનો અવાજ સંભળાશે. આ ચિત્તાને ખાસ વિમાન દ્વારા ગ્વાલિયર એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતાં. અહીંથી ચિનૂક હેલિકોપ્ટરથી તેમને કૂનો નેશનલ પાર્ક લઈ જવામાં આવ્યા હતા. પીએમ મોદીએ જ તેમને પીંજરામાંથી ખુલ્લામાં છોડ્યા હતાં.
આ અચંબિત ઘટના માટે પીએમ મોદીએ દેશને સંબોધિત કર્યો. ચિત્તાઓને જોવા માટે દેશવાસીઓએ અમુક મહિના ધીરજ રાખવી પડશે. પીએમ મોદીએ દેશને સંબોધિત કરતા કહ્યું કે કૂનો નેશનલ પાર્કમાં છોડવામાં આવેલા ચિત્તાઓને જોવા માટે દેશવાસીઓએ અમુક મહિના ધીરજ રાખવી પડશે, રાહ જોવી પડશે. આજે આ ચિત્તા મહેમાન બનીને આવ્યા છે. તેઓ આ વિસ્તારથી અજાણ છે. કૂનો નેશનલ પાર્કને આ ચિત્તા પોતાનુ ઘર બનાવી શકે તે માટે આપણે આ ચિત્તાઓને અમુક મહિનાઓનો સમય આપવો પડશે. આ દરમિયાન તેમણે કહ્યુ કે દાયકાઓ પહેલા જૈવ-વિવિધતાની જે સદીઓ જૂની કડી તૂટી ગઈ હતી, વિલુપ્ત થઈ ગઈ હતી. આજે અમે તેને ફરીથી જોડવાની તક મળી છે.
પીએમ મોદીએ કહ્યું કે આજે ભારતની ધરતી પર ચિત્તા પાછા આવ્યા છે અને હું એ પણ કહીશ કે આ ચિત્તાઓની સાથે જ ભારતની પ્રકૃતિપ્રેમી ચેતના પણ પૂરી શક્તિથી જાગૃત થઈ ઉઠી છે. હું આપણા મિત્ર દેશ નામિબિયા અને ત્યાંની સરકારનો આભાર માનુ છુ. જો કે, આ તો ચિત્તા લાવવાની વાત છે પરંતુ મહત્વની વાત તો એ છે કે, દેશમાં ચિત્તાની પ્રજાતિ લુપ્ત કેમ થઇ ગઇ? ભારતમાં છેલ્લો ચિત્તો વર્ષ 1948માં થોડા વર્ષ અગાઉ મધ્યપ્રદેશમાંથી છૂટા પડેલા છત્તીસગઢ રાજ્યમાં દેખાયો હતો. સરકારે ચિત્તાની શોધ કરી આપનાર માટે 5 લાખનું ઇનામ પણ જાહેર કર્યું હતું. પરંતુ કોઇને ચિત્તા દેખાયાો નહોતા. કહેવાય છે કે મુગલ રાજા અકબરે તેના શાસન કાળમાં લગભગ 1000 ચિત્તા સાચવી રાખ્યા હતા.એ સમયે દેશમાં ચિત્તાઓની સંખ્યા ખુબ જ વધારે હતી.
ચિત્તા લુપ્ત થવાનું સૌથી મોટું કારણ તેનો શિકાર હતો, અંગ્રેજોના સમયમાં અને તે પહેલાના રાજા મહારાજાઓ ચિત્તા જેવા પ્રાણીઓના શિકાર માટે રીતસરના કેમ્પ રાખતા હતા અને જંગલમાં જ મહિનાઓ વિતાવી દેતા હતા. ત્યાર પછી તેમનો શિકાર થાય તો તેની સાથેના ફોટા પાડીને વાહવાહી મેળવતા હતા આવા અનેક રાજાઓના શિકારના શોખે ચિત્તાની પ્રજાતિનો ભોગ લઇ લીધો હતો. આવા રાજાઓને ચિત્તાના શિકારનો જ નહીં પરંતુ તેમને પાળવાનો પણ શોખ હતો. તેમને સાંકળથી બાંધી રાખવામાં આવતા હતા અને તેમને કૂતરાની જેમ ફેરવવામાં આવતા હતાં. આમ આવા રાજા રજવાડાઓના શોખે દેશના ચિત્તા ખતમ કરી નાંખ્યા અને બીજા દેશમાંથી તેને લાવવાની જરૂર પડી.