પારડી(Pardi): પારડીમાં છેલ્લા કેટલાક દિવસથી તસ્કરો બેફામ બન્યા હોય હવે નાના ગરીબ લારીવાળાઓને ટાર્ગેટ (Target) બનાવી રહ્યા છે. ગતરોજ રાત્રી દરમિયાન નૂતન નગરના સર્વિસ માર્ગ (Service Road) પર બે દુકાનના તાળાં તોડી રૂ 2000 ની મતાની ચોરી કરી તસ્કરો પલાયમ થઈ ગયા હતા. નૂતન નગરના મુખ્ય માર્ગે પર લારી ચલાવતા રમેશભાઈની ચાની લારીનું અજાણ્યા તસ્કરોએ તાળા તોડી લારીની અંદર મુકેલા ચા, ખાંડ, બિસ્કિટ, વિમલ, ગુટકા વગેરે કિંમત રૂ 2000 ની ચીજ વસ્તુઓ ચોરી ગયા હતા. જ્યારે બાજુમાં આવેલી નાસ્તાની દુકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ રહ્યો હતો.
રાત્રી કર્ફયુ છતાં નવસારીમાં તસ્કરોએ કરી મોબાઈલની દુકાનમાં ચોરી
નવસારીના રેલવે સ્ટેશન પાસે મુખ્ય રસ્તા પર આવેલી મોબાઇલની દુકાનમાં ચોરટાઓએ 5 થી 6 લાખના મોબાઇલની ચોરી કરી ફરાર થઇ ગયા છે. ત્યારે કરફ્યુ સમય દરમિયાન ચોરટાઓએ ચોરી કરી નવસારી પોલીસની કામગીરીના ધજાગરા ઉડાડી દીધા છે.
નવસારી જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો થતાં નવસારી અને વિજલપોર શહેરમાં રાજ્ય સરકારે રાત્રે 10 વાગ્યેથી સવારે 6 વાગ્યે સુધી કરફ્યુ અમલમાં મૂક્યું હતું. જેથી નવસારી પોલીસ દ્વારા કરફ્યુનો અમલ થાય તે માટે વ્યવસ્થિત બંદોબસ્ત ગોઠવી કામગીરી કરવાની હોય છે. પરંતુ કરફ્યુ સમયમાં નવસારી ટાઉન પોલીસની કામગીરીના લીરેલીરા ઉડી ગયા છે. નવસારીના રેલવે સ્ટેશન પાસેના મુખ્ય રસ્તા પાસે શૌર્ય મોબાઈલ નામની મોબાઇલની દુકાન આવી છે. જે દુકાન ગત રાત્રે બંધ કરી દુકાન મલિક તેમના ઘરે જતા રહ્યા હતા. ત્યારબાદ મોડી રાત્રે કોઈ અજાણ્યા ચોરે તેમની દુકાનનું શટર કોઈ સાધન વડે તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તે ચોરે દુકાનમાંથી 5 થી 6 લાખના મોબાઈલ, ડીવીઆર અને રોકડા રૂપિયાની ચોરી કરી નાસી ગયો હતો. આજે સવારે દુકાન માલિક તેમની દુકાન પાસે આવ્યા ત્યારે દુકાનનું શટર તૂટેલું જણાતા દુકાનની અંદર તપાસ કરી હતી. જ્યાં ચોરી થઈ હોવાનું જણાતા નવસારી ટાઉન પોલીસ મથકે જાણ કરી હતી. જેથી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
સીસીટીવી ફુટેજના આધારે પોલીસની તપાસ
એક તરફ પોલીસ દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવનારાઓ સામે કાર્યવાહી કરી રહી છે. તો કરફ્યુ સમય દરમિયાન પણ કામ વગર ફરતા લોકો સામે ગુનો નોંધાતા છે. ત્યારે રેલવે સ્ટેશન જેવા વિસ્તારમાં ચોરી કરવા આવેલા ચોર પોલીસની નજરે પડ્યા ન હતા. જેથી નવસારી ટાઉન પોલીસની કામગીરીના ધજાગરા ઉડી ગયા હતા. બીજી તરફ રેલવે સ્ટેશન વિસ્તારમાં સીસીટીવી કેમરાઓ પણ લગાવવામાં આવ્યા છે. જે સીસીટીવી ફુટેજોના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.