બે અઠવાડિયાં અગાઉ અમદાવાદનું એરપોર્ટ રાત્રીના સમયે પ્રાણીઓની ગર્જનાથી ગૂંજી ઊઠ્યું. ચિત્તા, વાઘ સહિત અનેક વિદેશી પ્રાણીઓને દક્ષિણ આફ્રિકાથી અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યાં હતાં. તેમાં 27 વાઘ હતા, 10 રીંછ, 10 અમેરિકન મોટી જંગલી બિલાડી, 7 દીપડા, 10 શાહુડી, 4 ડેમાનાડોસ અને 3 ઓકલેટ સિવાય પણ કેટલાંક વિદેશી એવાં પ્રાણીઓ હતાં, જેના નામ પ્રથમ વાર સાંભળવામાં આવ્યા હોય. આ બધાં પ્રાણીઓને ખૂબ કાળજીપૂર્વક રશિયન કાર્ગો વિમાનમાં અહીં લાવીને તેમને જામનગરમાં નિર્માણ પામી રહેલાં પ્રાણીસંગ્રહાલયમાં લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી. હજુ પણ આવનારા બે વર્ષ સુધી અમદાવાદ એરપોર્ટ પર વિદેશ અને અન્ય રાજ્યોથી પ્રાણીઓ આવવાનું ચાલુ રહેશે. આ અગાઉ પણ પ્રાણીઓને આ રીતે અમદાવાદ એરપોર્ટ પર ઉતારી જામનગર લઈ જવામાં આવ્યાં હતાં. જામનગર લઈ જવાનું કારણ એ છે કે મુકેશ અંબાણી સંચાલિત રિલાયન્સ કંપની દ્વારા અહીં મસમોટું પ્રાણીસંગ્રહાલય બની રહ્યું છે. અત્યારે એવા દાવાઓ થઈ રહ્યા છે કે જામનગરનું પ્રાણીસંગ્રહાલય દુનિયામાં સૌથી મોટું હશે. તેની જોરશોરથી તૈયારી ચાલી રહી છે અને આયોજન જોતાં એવી વાતો પણ વહેતી થઈ છે કે આવું આયોજન સરકાર પણ ન કરી શકે.
આવનારા સમયમાં જામનગરનું ઝૂ દેશ-દુનિયામાં આકર્ષણનું કેન્દ્ર બનશે. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની મંજૂરી મળી ચૂકી છે અને તે માટે 280 એકર જમીનની ફાળવણી પણ થઈ છે. આ પ્રોજેક્ટ કોરોનાના કારણે અટકી પડ્યો હતો. બે વર્ષમાં જ હવે આ ઝૂ લોકો માટે ખુલ્લું મૂકી દેવાની ગણતરીથી કામકાજ થઈ રહ્યું છે. આ ઝૂનું નામ ‘ગ્રીન્સ ઝૂલોજિકલ રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમ’ એવું આપવામાં આવ્યું છે. અત્યારે તો આ ઝૂને વિશ્વનું સૌથી મોટું ઝૂ બનાવવાની કવાયત ચાલી રહી છે અને તેનો પ્રચાર પણ એ જ રીતે થઈ રહ્યો છે.
આ અંગે જ્યારે રિલાયન્સના કોર્પોરેટ અફેર્સના પરિમલ નથવાણીએ પ્રેસ સમક્ષ વાત કરી ત્યારે તેમાં તેમણે કહ્યું કે, સિંગાપોરના ઝૂ કરતાં પણ આ ઝૂ મોટું હશે અને અહીંયા અનેક જાતના પ્રાણી-પક્ષીઓને રાખવામાં આવશે. સિંગાપોરમાં આ પ્રકારનું મસમોટું ઝૂ ત્યાંની સરકાર દ્વારા બનાવવામાં આવ્યું હતું. અહીં વર્ષે દહાડે લાખો પ્રવાસીઓ આવે છે. સિંગાપોરનું આ ઝૂ 69 એકરમાં પ્રસરેલું છે. જામનગર ઝૂનો આ પૂરો પ્રોજેકટ મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીની દેખરેખ હેઠળ અમલી બની રહ્યો છે.
આ ઝૂનો માસ્ટર પ્લાન પણ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે અને તેમાં ઝૂ કેવી રીતે નિર્માણ પામનાર છે તેની આછીપાતળી વિગત જોવા મળે છે. જો કે આ બધી કવાયત અને દાવાઓ પાછળની એક વિગત એવી પણ છે કે એવું ભલે કહેવાતું હોય કે આ દુનિયાનું સૌથી મોટું ઝૂ બનશે પણ ખરેખર તો આપણા દેશમાં જ તિરૂપતિનું ‘વેંકટેશ્વર ઝૂલોજીકલ પાર્ક’ આ કરતાં ઘણું મોટું છે. વિસ્તારમાં માપીએ તો 3000 એકર, જે જામનગરના ઝૂ કરતાં 12 ગણું મોટું છે. આ સિવાય ચેન્નઈનું ‘અરીગ્નર અન્ના ઝૂલોજિકલ પાર્ક’, ભુવનેશ્વરનું ‘નંદનકાનન બાયોલોજિકલ પાર્ક’, ગુવાહટીનું આસામ ઝૂ, હૈદરાબાદનું ‘નેહરુ ઝૂલોજિકલ પાર્ક’ અને વિશાખાપટ્ટનમનું ‘ઇન્દિરા ગાંધી ઝૂલોજિકલ પાર્ક’ જામનગરમાં બની રહેલા ઝૂ કરતાં અનેક ગણા ખર્ચાળ છે અને તે જે-તે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત છે. ઉપરાંત, વર્ષોથી જે ઝૂ દેશમાં સંચાલિત છે, તે તમામની કોઈ ને કોઈ વિશેષતા બની છે. જેમ કે જુનાગઢનું સક્કરબાગ ઝૂ. 1863માં આ ઝૂ જુનાગઢના નવાબ ખાનજી – 2 દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેનો વિસ્તાર પણ 207 એકર જેટલો રહ્યો છે. હવે આ ઝૂ વિશેષ કરીને એશિયાના સિંહનું બ્રિડીંગ સેન્ટર બન્યું છે. જંગલી ગધેડા ઉપરાંત એશિયાના ચિંકારાનું પણ ઘર છે.
સ્વાભાવિક છે કે આ પૂરા પ્રોજેક્ટમાં રિલાયન્સ કંપનીની જેમ નહીં વર્તતી હોય, તેમાં સર્વોપરી ઉદ્દેશ્ય પ્રાણીઓની સુરક્ષા અને સારસંભાળ છે. તેમ છતાં ખર્ચની રીતે રિલાયન્સને પહોંચી વળવું અન્ય સરકારોને પણ સંભવત: ન પોસાય અને તેનો દાખલો ફેબ્રુઆરી 2021માં બન્યો. રિલાયન્સ ઝૂ દ્વારા આસામના ઝૂમાંથી ચિત્તાની 2 જોડી લેવામાં આવી અને તેની સામે આસામ ઝૂને ઇઝરાયેલથી લાવેલા 4 ઝેબ્રા મોકલી આપવામાં આવ્યા. આ નિર્ણયના વિરોધમાં ‘ચિરખાના સુરક્ષા મંચ’ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. આ મંચ છેલ્લાં 6 વર્ષથી આસામ ઝૂની સુરક્ષાની બાબતોને લઈને ચિંતિત છે અને તે માટે સતત અવાજ ઉઠાવે છે. આસામ ઝૂની સ્થાપના 1957માં કરવામાં આવી હતી. પૂરા દેશમાં ચિત્તાઓનું બ્રિડિંગ સેન્ટર માત્ર અહીંયા જ છે. હવે જ્યાં કોઈ પ્રાણીઓની સારસંભાળ માટે પૂરી વ્યવસ્થા ઊભી થઈ હોય અને તે વર્ષો સુધી મેઇન્ટેન થતી હોય તો પછી એ સ્થિતિને યથાવત્ રાખવી તે પ્રાણીઓ માટે બહેતર છે. રિલાયન્સ ઝૂ સાથે પ્રાણીઓની અદલાબદલીને લઈને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની ગાઇડલાઇનનો પણ ભંગ થયો છે.
આ ગાઇડલાઇન મુજબ કોઈ સરકારી ઝૂ વચ્ચે જ પ્રાણીઓની આપ-લે થઈ શકે. અંબાણીનું આ ઝૂ પ્રાઇવેટ છે. પ્રાણીઓની અદલાબદલીને લઈને કૉંગ્રેસ પક્ષ દ્વારા પણ પ્રશ્ન કરવામાં આવ્યા હતા. સ્વાભાવિક છે કે ઝૂ અને પ્રાણી સંબંધિત અન્ય કાયદા કડક રીતે ઘડવામાં આવ્યા છે પણ આ કાયદાનો ભંગ કરવો પણ એટલો જ સરળ છે કારણ કે રોજબરોજના લોકોના જીવનમાં આ કાયદા ક્યાંય આવતાં નથી. પ્રાણીઓ પ્રત્યેની નિસબત પણ આપણા દેશમાં નીચલી પાયરીએ છે. નહીંતર કોઈ પણ ઝૂના લાંબા ટ્રેક રેકોર્ડ જાણ્યા સિવાય પ્રાણીઓની અદલાબદલી થઈ શકતી નથી. રિલાયન્સના આ ઝૂને તો 2019માં જ મંજૂરી મળી છે, તો પછી તેઓને આ મંજૂરી કેવી રીતે મળી તે સવાલ હજુયે ઊભો છે.
જો કે અત્યારે જામનગરના ઝૂના મામલે સરકાર મંજૂરી આપવામાં ઉદાર દેખાઈ રહી છે. આમ કરવાનું એક કારણ પબ્લિક-પ્રાઇવેટ પહેલથી ઝૂ નિર્માણ કરવાનું હોઈ શકે. સરકાર દ્વારા આઝાદી પછીના કાળમાં જે ઝૂ નિર્માણ કરવામાં આવ્યા, તે સ્કેલ પર આજે ઝૂ નિર્માણ સરકાર કરી શકે કે નહીં તે સવાલ છે. અગાઉના ઝૂમાં ખુલ્લી જગ્યા, પ્રાણીઓ માટેની ખાસ વ્યવસ્થા અને તદ્ઉપરાંત પ્રાણીઓ માટેની નિસબત દેખા દે છે. આ બધું કામ વર્ષોનાં વર્ષોનો સમય માંગી લે અને ત્યાર પછી પણ તેને સતત મેઇન્ટેન રાખવું પડકારભર્યું છે.
આ પડકાર પ્રાણીપ્રેમી હોય તો જ ઝીલી શકાય. આજે અહીંયા પણ એક પ્રોફેશનલિઝમ આવ્યું છે. તેમાં માણસોની કવાયત કરતાં હવે ટેકનોલોજીનો પાર્ટ વધી ગયો છે. રિલાયન્સ ઝૂમાં પણ માણસો દ્વારા પ્રાણીઓની માવજત કરતાં ટેક્નોલોજીનો પાર્ટ વધુ જોવા મળે તો નવાઈ નહીં. સ્વાભાવિક છે આ પૂરા પ્રોજેક્ટમાં જંગી મૂડીરોકાણ છે અને તેમાં જ્યારે વિશેષ પ્રાણીઓને ઝૂમાં સમાવવામાં આવે ત્યારે તો મૂડીરોકાણ વધી જાય અને સાથે સાથે તેની મંજૂરી લેવાની પ્રક્રિયા પણ વધી જાય. જેમ કે, મહારાષ્ટ્રના જંગલ ખાતા દ્વારા જામનગર ઝૂમાં 13 હાથીઓને મોકલવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના ગઢચિરોલી કેમ્પમાં કુલ 16 હાથીઓ હતા અને તે કેમ્પમાં 3 રાખીને અન્ય 13 જામનગર લાવવામાં આવ્યા છે.
રિલાયન્સના આ પ્રોજેક્ટથી કેટલાંક સ્થળે પ્રાણીઓની અદલાબદલીના નિયમોમાં છૂટ લેવાતી હોય પણ કેટલાક તેના લાભેય છે. જેમ કે મદ્રાસની ક્રોકોડાઈલ બેન્કની છેલ્લાં ઘણાં વર્ષોથી મગરોની સુરક્ષા લેવામાં અપૂરતા ભંડોળની ફરિયાદ હતી. આ અંગે સરકારને અનેક રજૂઆતો કરી હોવા છતાં તેના પર કોઈ પગલાં લેવાતાં નહોતાં. હવે તે મગરોને જામનગર લાવવામાં આવ્યા છે. એ રીતે કેટલીક બાબતોમાં જામનગરનું ઝૂ પ્રાણીઓ માટે વરદાનરૂપ પણ સાબિત થશે. જો કે ઝૂનું બંધારણ અને તેનો ઇતિહાસ તપાસતાં એટલું સ્પષ્ટ છે કે, ઝૂ નિર્માણ કરવું કદાચ વધુ મૂડીથી થઈ શકે પણ તેની સાચવણી પ્રાણીપ્રેમ વિના થઈ શકતી નથી.