Gujarat

ગુજસીટોક કાયદામાંથી આતંકવાદ શબ્દ દૂર કરવામાં આવશે

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૫ના ‘ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ’ (GUJCTOC) માં મહત્વપૂર્ણ સુધારો કરવા માટે ‘ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ (સુધારા) વિધેયક, ૨૦૨૬’ વિધાનસભઙામાં રજૂ કરવામાં આવ્યું છે.આગામી સપ્તાહે આ વિધેયક વિધાનસભામાં ચર્ચા માટે હાથ પર લેવાશે. ડે સીએમ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા વિધાનસભામાં રજૂ કરવામાં આવેલું આ વિધેયક રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સ્પષ્ટ અને કાર્યક્ષમ બનાવશે.

આતંકવાદની જોગવાઈઓ કેમ દૂર કરાઈ ?
કેન્દ્ર સરકાર દ્વારા જૂના ભારતીય ફોજદારી અધિનિયમ, ૧૮૬૦ને રદ કરીને ‘ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩’ અમલમાં મૂકવામાં આવી છે. આ નવી સંહિતામાં આતંકવાદી કૃત્યો અંગેની કડક જોગવાઈઓનો સમાવેશ પહેલેથી જ કરી લેવામાં આવ્યો છે. આથી, એક જ પ્રકારના ગુનાની તપાસ બે અલગ-અલગ કાયદા હેઠળ ન થાય અને તપાસમાં બેવડાપણું ન આવે તે હેતુથી રાજ્ય સરકારે ગુજરાતના આ કાયદામાંથી આતંકવાદ સંબંધિત શબ્દો અને જોગવાઈઓ કમી કરવાનો નિર્ણય લીધો છે.
મુખ્ય સુધારાઓ

  • નામમાં ફેરફાર: કાયદાના નામમાંથી “આતંકવાદ અને” શબ્દો દૂર કરવામાં આવશે, જેથી હવે આ કાયદો મુખ્યત્વે સંગઠિત ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
  • નવી સંહિતાનો અમલ: કાયદામાં જૂની ફોજદારી કાર્યરીતિ અધિનિયમ (CrPC) ના બદલે ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩’ અને પુરાવા અધિનિયમના બદલે ‘ભારતીય સાક્ષ્ય અધિનિયમ, ૨૦૨૩’ નો સંદર્ભ લેવામાં આવશે.
  • આતંકવાદી કૃત્યની વ્યાખ્યા રદ: મુખ્ય અધિનિયમની કલમ ૨ માંથી ‘આતંકવાદી કૃત્ય’ ની વ્યાખ્યા અને તેને લગતી અન્ય જોગવાઈઓ દૂર કરવામાં આવશે.
  • શિક્ષામાં ફેરફાર: કલમ ૩ હેઠળ જે શિક્ષા આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના બંને માટે હતી, તે હવે માત્ર સંગઠિત ગુનાઓ પૂરતી મર્યાદિત રહેશે.

Most Popular

To Top