આખરે લોકસભામાં પણ મહિલા અનામત બિલ પાસ થઈ ગયું. બિલની તરફેણમાં 454 અને તેના વિરોધમાં માત્ર 2 જ મત પડ્યા. મહિલા સશક્તિકરણ માટેની દિશામાં આ એક મોટું પગલું હતું. સદીઓથી ચાર દિવાલની વચ્ચે રહેલી મહિલાઓ લોકસભા જેવી બંધારણની સર્વોચ્ચ સભામાં આગળ આવે તે જરૂરી છે. 2024ની લોકસભાની ચૂંટણી બાદ વસતી ગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ સીમાંકન કરીને લોકસભામાં 33 ટકા મહિલા અનામતનો પ્રારંભ કરવામાં આવશે. મહિલા અનામત માટે તમામ રાજકીય પક્ષો તૈયાર હતા.
જેને કારણે આ બિલને પસાર કરવામાં કોઈ જ વાંધો આવ્યો નહીં. બુધવારે લોકસભામાં મહિલા અનામત બિલ પર સાંસદો દ્વારા ચર્ચાઓ કરવામાં આવી. આજે વિશ્વભરમાં વિમાન ઊડાડનારી મહિલાઓની સંખ્યા 5% છે. જ્યારે ભારતમાં આ મહિલાઓની સંખ્યા 15% છે. મહિલા અનામત બિલ ભલે કેન્દ્રની ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારના સમયમાં પાસ થયું પરંતુ આ બંધારણીય સુધારો પ્રથમ વખત કરવામાં આવ્યો નથી. તત્કાલિન વડાપ્રધાન દેવેગૌડાથી લઈને મનમોહન સુધી લોકસભામાં મહિલા અનામત માટે ચાર વખત પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ કોઈકને કોઈક કારણસર આ બિલ પાસ થઈ શક્યું નહોતું.
સૌ પ્રથમ આ અંગે બંધારણીય સુધારો 12 સપ્ટેમ્બર 1996ના રોજ વડાપ્રધાન એચડી દેવગૌડાના સમયમાં થયો હતો. આ સમયે કોંગ્રેસ વિપક્ષમાં હતી. ગૃહમાં બિલ મૂક્યા પછી, તેને ગીતા મુખર્જીની અધ્યક્ષતાવાળી સમિતિને આપવામાં આવ્યું હતું, પરંતુ બિલ ગૃહમાં પહોંચી શક્યું ન હતું. 11મી લોકસભા આવી ત્યારે બિલ લેપ્સ થઈ ચૂક્યું હતું. બાદમાં અટલ બિહારી વાજપેયી વખતે 12મી લોકસભામાં બિલ આવ્યું હતું, પરંતુ તેને તે સમયે હટાવટી દેવામાં આવ્યું હતું.
બાદમાં 13મી લોકસભામાં પણ ફરી અટલજીની સરકારમાં આ બિલ આવ્યું હતું પરંતુ તે સમયે પણ તેને કાઢી નાખવામાં આવ્યું હતું. આ પછી મનમોહન સિંહ બિલ લાવ્યા, પરંતુ બિલ કાઢી નાખવામાં આવ્યું. મહિલા અનામત બિલ પરની ચર્ચામાં કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા એવી માંગ કરવામાં આવી હતી કે મહિલા અનામત બિલમાં ઓબીસીને અલગથી અનામત મળવું જોઈએ. કોંગ્રેસે તો આજથી જ તેનો અમલ કરવાની માંગણી કરી હતી. આ મહિલા અનામતનો લાભ મુસ્લિમ મહિલાઓને પણ આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. જો કે, તેને ખારીજ કરી દેવામાં આવી હતી.
એક તરફ ભાજપ દ્વારા મહિલા અનામત બિલનો યશ પોતે લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તો બીજી તરફ કોંગ્રેસે એવો દાવો કર્યો હતો કે મહિલા અનામત બિલ સૌથી પહેલા રાજીવ ગાંધી લાવ્યા હતા. પરંતુ રાજ્યસભામાં આ બિલ પાસ થઈ શક્યું નહોતું. બાદમાં નરસિંહરાવની સરકારે તેને પાસ કરાવ્યું હતું. જો કે, જ્યારે સરકારે આ બિલનો અમલ બાદમાં કરવાની જાહેરાત કરી ત્યારે એવો વિવાદ પણ ઉઠ્યો હતો કે જ્યારે આ બિલનો અમલ બાદમાં જ કરવાનો હતો તો શા માટે તેના માટે સંસદનું ખાસ સત્ર બોલાવવામાં આવ્યું? ટીએમસીએ એવો આક્ષેપ કર્યો હતો કે, 16 રાજ્યમાં ભાજપની સરકાર છે પરંતુ એકમાં પણ મહિલા મુખ્યમંત્રી નથી. જ્યારે પશ્ચિમ બંગાળમાં ટીએમસીની સરકાર છે અને ત્યાં મહિલા મુખ્યમંત્રી છે.
મહિલા અનામત બિલ પાસ થયા પહેલા હાલમાં લોકસભામાં 83 મહિલા સાંસદ છે. જ્યારે બિલ પાસ થયા બાદ 181 મહિલાઓ સાંસદ બનશે. મહિલાઓને અનામત મળે, તેઓ આગળ આવે અને દેશની શાસનવ્યવસ્થામાં મોટો ભાગ ભજવે તે આવકાર્ય જ છે પરંતુ મોટાભાગે અને ખાસ પંચાયતોમાં તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં એવું અનુભવાયુ છે કે મહિલા સત્તાસ્થાને હોય પરંતુ ખરો વહીવટ તેના પતિ કે પરિવારજનો કરતાં હોય. પતિ કે પરિવારજનો દ્વારા પોતાને ગમતાં નિર્ણયો લેવા માટે પણ મહિલાઓને દબાણ કરવામાં આવે છે. મહિલાઓને અનામત આપવાની સાથે આવી સ્થિતિ નહીં સર્જાય તે માટે મહિલાઓને તૈયાર પણ કરવાની જવાબદારી જે તે રાજકીય પક્ષોની રહેશે. હજુ મહિલા અનામત બિલનો અમલ કરવામાં સમય છે પરંતુ ત્યાં સુધીમાં રાજકીય પક્ષો દ્વારા મહિલાઓને પોતાના મનથી નિર્ણય લેતા પણ કરવી પડશે તે ચોક્કસ છે.