Columns

પ્રેમના વાયરા જ્યારે વેરનાં વળામણાંમાં પલટાઈ જાય…

આપણે ત્યાં વાદ-વિવાદ અને વિખવાદ જગાડનારા મંદિર- મસ્જિદના વિવિધ કોર્ટ કેસને વિસારે પાડો…. એ બધાનેય ટક્કર મારે એવા એક કોર્ટ કેસ પર જગતભરના લોકોનું ધ્યાન ચોંટેલું છે. એ કેસના વાદી-પ્રતિવાદી જૉની ડેપ અને અંબર હર્ડ એ બન્ને હૉલીવુડના સુપરસ્ટાર છે. ઘણા જેને જહોની ડીપ તરીકે પણ ઓળખાવે છે એ જૉની ડેપની કરિયરની શરૂઆત TV સીરિયલ ‘21 જ્મ્પ સ્ટ્રીટ’થી થઈ હતી. પછી તો એની સંખ્યાબંધ ફિલ્મો-ખાસ કરીને- ‘પાઈરેટ્સ ઓફ ધ કેરિબિયન’ તથા ‘પબ્લિક એનિમિસ’ ઈત્યાદિ ફિલ્મોથી એને નામ-દામ મળ્યાં.

બીજી તરફ , ‘એક્વામેન’- ‘નેવર બ્રેકડાઉન’-‘ધ ઈન્ફોર્મર’ જેવી ફિલ્મોથી જાણીતી થયેલી અભિનેત્રી અંબર હર્ડની પહેલી મુલાકાત જૉની ડેપ સાથે‘ધ રમ ડાયરી’ નામની ફિલ્મના સેટ પર થઈ હતી. એ ફિલ્મમાં અંબર હીરોઈન હતી. એ દરમિયાન એમનો પરિચય વધ્યો. પછી પ્રેમમાં પડ્યા.શરૂઆતમાં થોડાં અઠવાડિયાં ઉત્કટ પ્રેમી રહ્યાં અને પછી રાતોરાત લગ્નજીવનથી જોડાઈ તો ગયાં પણ માંડ 15 મહિનાની મેરેજ લાઈફ પછી બન્નેના આરોપ-પ્રતિ આક્ષેપોની ધાંધલધમાલ એવી વધી ગઈ કે 2016માં છૂટાં પડ્યાં.… આપણે ત્યાં અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરીને સાત સાત જન્મ સાથે રહેવાનાં વચન અપાય છે .

વિદેશોમાં એવું નથી-એમાંય હૉલિવૂડના સુપર કપલ્સ તો સહજ એવા સહવાસ પછી મેરેજના સબંધથી જોડાય ને પછી એવાય કિસ્સા છે, જેમાં જસ્ટ ઓળખ- ફટ વેડિંગ ને 8-9 કલાકમાં જ ફટાક ડિવોર્સ…. આ જ કારણે ત્યાંની મોટાભાગની સેલિબ્રિટિસ મેરેજ પહેલાં કરાર ( પ્રીન્યૂપશિયલ એગ્રીમેન્ટ ) કરી લે કે જો લગ્ન નિષ્ફળ નીવડે તો મિલકતના ભાગ કઈ રીતે પાડવા ને કોને કેટલું વળતર ચૂકવવું ઈત્યાદિ.. જૉની ડેપ- અંબર હર્ડના ડિવોર્સ થયા ત્યારે આવા જ કરાર હેઠળ જૉનીએ 7 મિલિયન ડોલરની તગડી રકમ અંબરને ચૂકવી હતી. 

આમેય, હૉલિવૂડની કે પછી આપણી બૉલિવૂડની કોઈ પણ સેલિબ્રિટી હોય – એમના અંગત જીવનમાં – ખાસ કરીને મેરેજ લાઈફ વિશે જાણવાનું બધાયને કુતૂહલ રહે એ સહજ છે. બન્નેના લગ્નવિચ્છેદના આજે 6 વર્ષ પછી જૉની ડેપ અને અંબર હર્ડનાં નામ ફરી વાદ-વિવાદના વંટોળે ચઢ્યાં કારણ કે અમેરિકાના વિખ્યાત અખબાર ‘વૉશિંગ્ટન પોસ્ટ’માં પ્રગટ થયેલા એક લેખમાં લગ્નજીવનમાં પત્ની પર થતાં હિંસક અત્યાચાર (ફેમિલી વાયોલન્સ)ની વાત હતી અને એ લેખ જૉનીની ભૂતપૂર્વ પત્ની અંબરે લખ્યો હતો. અલબત્ત, એ લેખમાં એણે પોતાના ઍકસ હસબંડ જૉની ડેપના નામનો ઉલ્લેખ ટાળ્યો હતો.

આમ છતાં, ગામ આખું જાણતું હતું કે અંબરના નિશાનામાં કોણ હતું કે છે.… ‘વૉશિંગ્ટન પોસ્ટ’નો એ લેખ એની બધી જ આવૃત્તિ ઉપરાંત એની ડિજિટલ ઍડિસનમાં પ્રગટ થતાં ‘જૉની ડેપ કેવો ક્રૂર અને અત્યાચારી પતિ હતો,ઈત્યાદિ’ એવી ચર્ચા શરૂ થઈ ગઈ પછી તો ‘આ લેખથી પોતાની માનહાનિ થઈ છે – માનસિક સંતાપ થયો છે- કરિયર પર આર્થિક આડ-અસર પણ થઈ છે..’ વગેરે, વગેરે કારણો દર્શાવીને જૉની ડેપે બદનક્ષીનો કેસ અંબર હર્ડ પર ઠોકી દીધો અને સાથોસાથ આવી માનહાનિના વળતરરૂપે એણે માગ્યા 50 મિલિયન ડોલર (આશરે રૂપિયા 3 અબજ 88 કરોડ!) આ દરમિયાન, જૉની ડેપના એક વકીલે અંબરના આક્ષેપોને હંબગ અને મનઘડંત ગણાવ્યા એટલે ધૂંધવાયેલી અંબરે વળતો માનહાનિનો દાવો કર્યો જૉની પર 100 મિલિયન ડોલરનો…! એ પછી તો એ બન્ને વચ્ચે જાહેરમાં આરોપ- આક્ષેપોની આતશબાજી થઈ ને જગતને જોણું થયું. 

બન્નેના દાવા પછી સતત 6 અઠવાડિયા સુધી વર્જિનિયા સ્ટેટની કોર્ટમાં 7 સભ્યોની જૂરી સમક્ષ આ કેસની સુનાવણી થઈ ત્યારે જૉની ડેપ અને અંબર હર્ડ તરફથી એકમેક સામે થયેલા આક્ષેપોમાં તો કેટલાક ખરેખર ચોંકાવનારા હતા અને આ વિવાદાસ્પદ કેસ લોકોમાં વધુ એટલા માટે ચગ્યો કારણ કે આ સમગ્ર કેસનું વિશ્વભરમાં લાઈવ -જીવંત પ્રસારણ થતું હતું, જેને લાખો લોકો નિહાળતાં. અમેરિકામાં ‘લૉ એન્ડ ક્રાઈમ્સ’ નામની એક નેટવર્ક ચેનલ છે. આ ચેનલ અને એની એપ ઘણી લોકપ્રિય છે કારણ કે આના પરથી રોજ કોઈ ને કોઈ સનસનાટીભર્યા ક્રાઈમ કેસોના કોર્ટ હિયરિંગનું લાઈવ ટેલિકાસ્ટ થાય છે. આવા પ્રસારણ માટે આ વેબ ચેનલ-એપને કોર્ટની સત્તાવાર પરવાનગી મળી છે. ‘કોર્ટ TV -ટુ’ તરીકે પણ જાણીતું આ નેટવર્ક TV જૉની તથા અંબર જેવા હૉલિવૂડ સ્ટાર્સના જાહેરથી લઈને બેડરૂમ સુદ્ધાંના સિક્રેટ્સનું જીવંત પ્રસારણ કરતું હોવાથી આ કેસ દરમિયાન એની રોજિંદી વ્યૂઅરશીપ 2 મિલિયન(1 મિલિયન = 10 લાખ)થી વધીને છેલ્લે છેલ્લે તો 8 મિલિયન-80 લાખ સુધી પહોંચી ગઈ હતી!

આ કેસ દરમિયાન જૉની ડેપની ભૂતપૂર્વ પત્ની અંબર હર્ડ દ્વારા થયેલા આક્ષેપ કોઈને પણ દિગ્મૂઢ કરી દે એવા હતા. ઉદાહરણ તરીકે, અંબરનો એક આક્ષેપ એવો હતો કે દારૂ અને ડ્રગ્સના નશામાં જૉની એના તરફ ઘણી વાર વ્હીસ્કીની બૉટલ્સ સહિત કાચની વસ્તુઓ ફંગોળીને ઈજા પહોંચાડતો. …કયારેક એના પર ત્રાટકીને વસ્ત્રો ફાડી નાખતો. …એક-બે વાર તો એનું ગળું ભીંસીને એને ગુંગળાવી મારવાનો ય પ્રયાસ કર્યો હતો.… આવા ડોમેસ્ટિક વાયોલન્સ- ઘરેલુ અત્યાચારના દાખલા આપતી વખતે અંબર હર્ડે ધ્રુજાવી નાખે એવો એક આક્ષેપ એ કર્યો હતો કે કોકેન ડ્રગની પડીકી જૉનીને મળતી નહોતી.

એને શંકા હતી કે અંબરે એ કયાંક સંતાડી દીધી છે. રોષે ભરાયેલા જૉનીએ એ વખતે અંબરનો નાઈટ ગાઉન ફાડી નાખીને અંબરના ગુપ્તાંગમાં ડ્રગની પેલી પડીકી શોધવાની ચેષ્ટા સુદ્ધાં કરી હતી તો એક વાર દારૂની બોટલ એના ગુપ્તાંગમાં જોરપૂર્વક ઘૂસાડવાનો પ્રયાસ પણ કર્યો હતો!  બીજી તરફ, જૉની ડેપે પણ સણસણતા આરોપ કર્યા હતા કે અંબર હરહંમેશ એને ગાળો દેતી-ધુત્કારતી રહેતી. અંબરે ખુદ એના પર અનેક વાર હિંસક હુમલા કર્યા છે…. એના ચહેરાને ઈજા પહોંચાડી છે …એટલું જ નહીં એક વાર તો વોડકાની બૉટલથી એવો હુમલો કર્યો કે જોનીના જમણા હાથની એક આંગળીનું ટેરવું સાવ કપાઈને દૂર ઊડી ગયું હતું….

જૉની ડેપનો એક આરોપ એવો પણ હતો કે એની ગેરહાજરીમાં અંબર એના બેડ પર મળત્યાગ કરતી હતી…( આ વાત અંબરે પાછળથી સ્વીકારી પણ ખરી!) સતત છ અઠવાડિયા સુધી ચાલેલી આ સુનાવણી દરમિયાન એકમેકના વકીલો દ્વારા થતી તપાસ-ઊલટતપાસ વખતે આક્ષેપ કરતી કે જવાબ દેતી અંબર હર્ડનો આક્રોશ-રૂદન કે તરડાયેલું સ્મિત કે પછી જૉની ડીપનું અર્થપૂર્ણ મૌન કે સહજ હાસ્ય જેવાં એ બે કસાયેલાં ક્લાકારના પલટાતાં હાવભાવને કોર્ટના કેમેરા આબેહૂબ ઝીલી લેતા હતા.

એ લાઈવ-જીવંત દૃશ્યો સાથે જરૂર હોય ત્યાં વાત અનુરૂપ CC TVની વીડિયો ક્લિપ્સ પણ દર્શકોના દીવાનખંડના TV સ્ક્રીન પર જે રીતે પહોંચતી હતી એ જોઈને આપણને લાગે કે એક ચુસ્ત ફિલ્મ સ્ક્રીપ્ટને જાણે કોઈ ઘડાયેલો દિગ્દર્શક પેશ કરી રહ્યો છે.…  આ કેસની પરાકાષ્ઠા વખતે જે રીતે અંબર હર્ડના વિવિધ આક્ષેપોને ફગાવી દઈ જૂરીના સાત સભ્ય એમનો ચુકાદો સંભળાવે છે એ ખરેખર કોઈ થ્રિલર મૂવીથી કમ નથી. કોર્ટના ફરમાન અનુસાર જૉની ડેપ આ કેસમાં વિજેતા ઠરે છે એટલે અંબર હર્ડે એના ભૂતપૂર્વ પતિ જૉની ડેપને 15 મિલિયન ડોલર ચૂકવવાના રહેશે.

હકીકતમાં કોર્ટને લગતાં અન્ય ખર્ચને બાદ કરતાં એના હાથમાં 10.35 મિલિયન આવશે. બીજી તરફ, અંબરના માત્ર એક આક્ષેપને કોર્ટે માન્ય રાખ્યો છે એટલે અંબરને 2 મિલિયન ડોલરનું વળતર મળશે….(જસ્ટ જાણ ખાતર: 1 મિલિયન = 10 લાખ અને 1 ડોલર = આપણા આશરે 78 રૂપિયા). ‘જો કે અંબર હર્ડ પાસે ચૂકવવાના 15 મિલિયન ડોલર નથી’ એવું એના વકીલે સ્વીકારીને ઉમેર્યું છે કે અમે કદાચ આ ચુકાદા વિરુદ્ધ ઉપલી કોર્ટમાં અપીલ કરીશું.… ખેર, જે થાય તે ખરું પણ મેં ખુદ આ કેસના પરાકાષ્ઠા સહિતના અમુક તબક્કા લાઈવ જોયા છે એના પરથી કહી શકાય કે આ કેસ ખરા અર્થમાં ‘રિયાલિટી શો ’બન્યો છે, જેની સામે આપણા ‘બીગબૉસ’ જેવા શો તો વામણા લાગે…!

Most Popular

To Top