સોમવારે મુંબઇ મહાનગરમાં ચોમાસુ શરૂ થઇ ગયું છે. મુંબઇમાં નૈઋત્યનું ચોમાસું આ વખતે તેની રાબેતા મુજબની તારીખ કરતા ૧૬ દિવસ વહેલું આવી શરૂ થઇ ગયું છે, જે આ શહેરમાં ૧૯પ૦ના વર્ષ પછી ચોમાસાનું સૌથી વહેલું આગમન છે એમ ભારતીય હવામાન વિભાગે સોમવારે જણાવ્યું હતું. કેરળમાં ચોમાસુ શરૂ થયાના થોડા જ દિવસમાં મુંબઇમાં પણ નૈઋત્યનું ચોમાસુ શરૂ થઇ ગયું છે, છેલ્લા ૭પ વર્ષમાં ચોમાસાની આ સૌથી વહેલી શરૂઆત છે એમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે મુંબઇમાં ચોમાસુ ૧૯પ૬માં ૨૯ મેના રોજ આવ્યું હતું. મુંબઇમાં ભારે વરસાદ પછી દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં પણ સોમવારે રાત્રે વરસાદ શરૂ થઇ ગયો હતો. દેખીતી રીતે આ વખતે અણધારી રીતે ચોમાસાનું વહેલું આગમન થઇ ગયું છે જેની કોઇ આગાહી હવામાન વિભાગ કરી શક્યું નથી.
વરસાદ ધરાવતી પ્રાયમરી સિસ્ટમ કેરળમાં શનિવારે આવી પહોંચી હતી, જે ભારતીય મુખ્યભૂમિ પર વર્ષ ૨૦૦૯ પછી ચોમાસાનું સૌથી વહેલું આગમન છે. દક્ષિણપશ્ચિમી ચોમાસુ સામાન્ય રીતે 1 જૂન સુધીમાં કેરળમાં પ્રવેશ કરે છે, 11 જૂન સુધીમાં મુંબઈ પહોંચે છે અને 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લે છે. તે 17 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તરપશ્ચિમ ભારતમાંથી પીછેહઠ કરવાનું શરૂ કરે છે અને 15 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણપણે પાછું ખેંચાઇ જાય છે.
IMDના મુંબઈ કાર્યાલય અનુસાર, ૧૯૫૦ પછી ઉપલબ્ધ ડેટા દર્શાવે છે કે શહેરમાં ચોમાસાનું આ સૌથી પહેલું આગમન છે. ગયા વર્ષે, ચોમાસુ ૨૫ જૂને મુંબઈ પહોંચ્યું હતું. ચોમાસાના વહેલા આગમનને કારણે કેટલાક લોકો ખુશ થાય છે. જો કે હવામાનશાસ્ત્રીઓ ભાર મૂકે છે કે ચોમાસાની શરૂઆતની તારીખનો કુલ મોસમી વરસાદ સાથે કોઈ સીધો સંબંધ નથી. કેરળ કે મુંબઈમાં ચોમાસાનું વહેલું કે મોડું આગમન થવાનો અર્થ એ નથી કે તે દેશના અન્ય ભાગોને પણ તે પ્રમાણે આવરી લેશે. તે મોટા પાયે વૈવિધ્યતા અને વૈશ્વિક, પ્રાદેશિક અને સ્થાનિક લાક્ષણિકતાઓ દ્વારા અસર પામે છે.
પણ હવામાન ખાતું કે હવામાનને લગતી અન્ય કોઇ ખાનગી સંસ્થાઓ પણ ભારતમાં ચોમાસુ આટલું વહેલું શરૂ થવાની આગાહી કરી શકી નથી તે નોંધપાત્ર છે.આમ તો હવામાન ખાતાએ મે મહિનામાં ગુજરાતમાં પણ કાળઝાળ ગરમી પડવાની અને હીટવેવના દિવસો વધુ રહેવાની આગાહી કરી હતી પણ તે ખોટી પડેલી જણાય છે. મે મહિનામાં સખત તાપના દિવસો ઓછા રહ્યા છે અને વરસાદના દિવસો નોંધપાત્ર રહ્યા છે. ભારતના અન્ય કેટલાક ભાગોમાં પણ મે મહિનામાં સખત તાપની આગાહી ખોટી પડેલી જણાય છે. હવે સામાન્ય કરતા વધુ વરસાદની તેની આગાહી કેટલી સાચી પડે છે તે જોવાનું રહે છે. હવામાન ખાતું જણાવે છે કે ૫૦ વર્ષના સરેરાશ ૮૭ સેમીના ૯૬ ટકાથી ૧૦૪ ટકા વચ્ચેનો વરસાદ ‘સામાન્ય’ ગણાય છે.
લાંબા ગાળાના સરેરાશના ૯૦ ટકાથી ઓછો વરસાદ ‘અપૂરતો’ ગણાય છે; ૯૦ ટકાથી ૯૫ ટકા વચ્ચેનો વરસાદ ‘સામાન્યથી ઓછો’ ગણાય છે; ૧૦૫ ટકાથી ૧૧૦ ટકા વચ્ચેનો વરસાદ ‘સામાન્યથી વધુ’ ગણાય છે; અને ૧૧૦ ટકાથી વધુ વરસાદ ‘વધારે પડતો’ ગણાય છે. ભારતમાં ૨૦૨૪માં ૯૩૪.૮ મીમી વરસાદ પડ્યો હતો, જે સરેરાશના ૧૦૮ ટકા છે. જો કે વરસાદની વહેંચણી પણ મહત્વની છે. કેટલાક ભાગોમાં ખૂબ વધુ પડતો વરસાદ પડે અને કેટલાક ભાગોમાં ખૂબ ઓછો વરસાદ પડે તે હાલના વર્ષોમાં ઘણું બનતું આવ્યુ છે. ચોમાસાના આગમન અને વિદાયનો સમય પણ અચોક્કસ બની ગયો છે. હવામાન પરિવર્તનની અસર હોય કે ગમે તે, પણ હાલ તો કેટલાક વર્ષોથી ભારતમાં ચોમાસાની ગતિ અકળ બની ગઇ છે.