World

યુક્રેન પર મિસાઈલ હુમલામાં સેંકડોના મોત, અનેક શહેરોમાં પાવર કટ

કિવ: યુક્રેન(Ukraine) અને રશિયા(Russia) વચ્ચે શાંત પડેલું યુદ્ધ(War) ફરી એકવાર ભીષણ બન્યું છે. યુક્રેનની રાજધાની કિવ(Kyiv) સહિત યુક્રેનના ઘણા શહેરો પર રોકેટથી હુમલો(Attack) કરવામાં આવ્યો છે. યુક્રેનની રાજધાની કિવ સહિત અનેક શહેરોમાં મિસાઈલના અવાજ સાથે જોરદાર વિસ્ફોટો સંભળાયા છે. આ વિસ્ફોટમાં સેંકડો લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. જો કે હજુ સુધી મૃતકોનો સત્તાવાર આંકડો જાહેર થયો નથી, પરંતુ ભારે નુકસાનની આશંકા છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર ઘણા શહેરોની ઈમારતોમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયાએ યુક્રેનમાં તબાહી મચાવવા માટે 12 આત્મઘાતી ઈરાની ડ્રોન મોકલ્યા છે.

રાજધાની કિવ પર 75 મિસાઈલ હુમલો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજધાની કિવ પર 75 મિસાઈલ હુમલા કરવામાં આવ્યા છે, જોકે તેમાંથી 41ને યુક્રેનિયન એરફોર્સે ઠાર કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના કાર્યાલય પર પણ મિસાઇલો છોડવામાં આવી છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ હુમલામાં અનેક લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

રશિયા પૃથ્વી પરથી આપણું અસ્તિત્વ દુર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે: ઝેલેન્સકી
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે સમગ્ર યુક્રેનમાં થયેલા વિસ્ફોટોમાં અનેક લોકો માર્યા ગયા અને ઘાયલ થયા. ઝેલેન્સકીએ કહ્યું કે રશિયનો આપણને નષ્ટ કરવા અને પૃથ્વીના ચહેરા પરથી ભૂંસી નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કિવના મેયરે પણ પુષ્ટિ કરી
યુક્રેનની રાજધાની કિવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ જણાવ્યું હતું કે “શેવચેન્સ્કીવસ્કી” જિલ્લામાં અનેક વિસ્ફોટ થયા છે. આ વિસ્તાર રાજધાની કિવની મધ્યમાં છે. એએફપી સમાચાર એજન્સીના અહેવાલ મુજબ વિસ્ફોટ સ્થાનિક સમય અનુસાર સવારે 8.15 વાગ્યે થયો હતો. યુક્રેનની રાજધાનીમાં હવાઈ હુમલાના સાયરન્સનો અવાજ એક કલાકથી વધુ સમય સુધી ચાલ્યો.

ઝેલેન્સકીએ લોકોને અપીલ કરી
રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પોતે એક વીડિયો જાહેર કરીને પોતાના દેશના લોકોને અપીલ કરી છે. તેણે કહ્યું છે કે રશિયા આતંકવાદી હુમલાઓ કરી રહ્યું છે, તેથી ઘરની અંદર જ રહો. ઝેલેન્સકીએ એમ પણ કહ્યું હતું કે તેમની ઓફિસ પાસે હુમલો થયો હતો. તેમણે કહ્યું, રશિયા બે જગ્યાઓને નિશાન બનાવી રહ્યું છે, એક એનર્જી ફેસિલિટી અને બીજી યુક્રેનના લોકો. એક ન્યૂઝ એજન્સીમાં રિપોર્ટ અનુસાર, સેન્ટ્રલ કિવ એક ઐતિહાસિક સ્થળ છે અને અહીં ઘણી સરકારી ઓફિસો છે. રશિયાએ અહીં હુમલો કર્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે કિવમાં નેશનલ યુનિવર્સિટી પાસે પણ મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. હુમલો સવારે 8 વાગ્યાની આસપાસ જ થયો હતો. અહેવાલો અનુસાર હુમલા બાદ ઘણી જગ્યાએ લોકોના મૃતદેહ રસ્તા પર પડેલા જોવા મળ્યા હતા. આ ઉપરાંત લોકોના ઘરોની બારીઓના કાચ તૂટી ગયા હતા અને વાહનોમાં આગ લાગી હતી.

Most Popular

To Top