Comments

ઈતિહાસે કરવટ બદલતાં સર્જાયું મેલકડી ગામ

૧૫ મી સદીના ઉત્તરાર્ધે મહમદ ગઝનીએ ફરી એક વખત સોમનાથ મહાદેવ ઉપર હુમલો કર્યો અને રાજવી પૃથ્વીરાજ મરાયો. તે સમયે ભગવાન સ્વયંભૂના રક્ષણ કાજે આવેલ ભીલ સમુદાય માટે ગિરનારનાં જંગલોમાં છુપાયા સિવાય કોઈ રસ્તો નહોતો બચ્યો. દક્ષિણ ગુજરાત અને મધ્ય પ્રદેશનાં વનવાસી ભીલો જે વતનમાં પાછાં ફરવા જાય તે મોગલ સલ્તનત બળવાખોર જાણી મોતને ઘાટ ઉતારતાં. આથી સાસણગીરમાં છુપાતાં ગયાં અને સમય જતાં દરિયા રસ્તે સૌરાષ્ટ્રના કિનારાઓ તરફ પ્રસર્યા. ભગવાન શિવની વાહરે ભવ તરી ગયેલાં ભીલો વર્ષ ૧૮૧૩માં ગોહિલવાડના ઘોઘા બંદર સુધી આવી વસ્યાં. કરવાડતર, ધતુરાતાર નામે ભીલ પ્રજા ભાવનગર રાજ્યની સ્થાપના સમયે રાજ્યનાં દરબારગઢ, પ્રવેશદ્વારો, રાજવીઓ માટેનાં આવાસ સ્થાનમાં જરૂરી ચુનો તૈયાર કરવાની મજૂરી સાથે જોડાયાં.

ભાવનગરની દરિયા પટ્ટી ઉપર ડિપોઝીટ બેંટોનાઈટ, ચુનો અને લિગ્નાઈટની ખાણોમાં કામ કરવા સાથે ચુના ભઠ્ઠીના ઉદ્યોગ માટે ભીલોને અરવલ્લી ગિરિમાળાનું ગામ ભંડારિયા વધુ અનુકૂળ લાગ્યું. ધાવડી માતાના શરણે ડુંગરની ગાળીમાં ચરતાં પશુઓનાં છાણ અને પર્વતો ઉપરનાં વૃક્ષોમાંથી આવાસો ઊભા કરી દંગા બનાવી રહેતાં ભીલોની વસાહતો જે મે (વરસાદ)માં ગિરનાર જેવી લાગતી હોઈ ૩૦૦ ઘરોની ભીલ વસાહતનું નામ મે-ગરડી અને પછીથી મેલકડી થયું.

ભાવનગર શહેરથી ૩૦ કિલોમીટર દૂર ભંડારિયા ગ્રામ પંચાયતના પેટા પરામાં વસતાં ભીલ સમુદાયને ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટનાં ઘાસ કલેકશન સેન્ટરમાં પણ કામ મળતું. આસપાસનાં મોટાં ગામડાંઓમાં બળતણનાં લાકડાં અને છાણાં વેચવાની રોજગારી મળતી તો કેટલાક જંગલમાં બોર-ઝાંબુ, કેરડા અને ગોરડ વૃક્ષનો ગુંદર વીણી નેરોગેઈજ રેલવે સ્ટેશને પાનના પડિયામાં બાંધી વહેંચવાનો વ્યવસાય કરતાં.

ડુંગર ગાળીમાં વસેલાં ભીલોને આસપાસનાં ડુંગરોમાં દેશી દારૂ તૈયાર કરવાના ધંધામાં પણ છુટક મજૂરી મળતી પણ તેથી કરી ગામ મેલકડીના પુરુષ દારૂના વ્યસન અને તેથી કરી વધતા પેટના રોગોમાં ટૂંકું આયુષ્ય ધરાવતા થયા. જો કે ભીલ સ્ત્રીઓ જવાબદારીથી ઘર ચલાવતી. એ સમયે ૧૯૮૨માં સૌરાષ્ટ્રના દરિયા કિનારે ત્રાટકેલા વાવાઝોડામાં ગામ મેલકડીનાં તમામ ખોરડાં છપ્પરવિહોણાં થતાં ભાવનગરની જાણીતી સેવા સંસ્થા શિશુવિહારે જિલ્લા પંચાયતના સહયોગથી ગ્રામનિર્માણનું કામ આરંભ્યું.

એકસેલ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન કાન્તિસેન શ્રોફના સહકારથી ગ્રામમાં સોલાર સ્ટ્રીટલાઈટ અને ગામનાં યુવકોએ સ્વ શ્રમથી તૈયાર કરેલા કૂવા ઉપર સોલાર પંપ સાથે ટી.વી. મુકાયો. એ જ સમયે રંભાબહેન શાંતિલાલ પારેખે ગામની બહેનો માટે ગામ ચોરો અને માતાજીના મઢની સુવિધા આપતાં વસાહતમાં ઉમંગ ઉભરાયો. હીરાબહેન ભટ્ટ નામે એક શિક્ષિકા બાળકોને ઝાડ નીચે ભણાવે અને આથી ભાવનગર મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીના સુપુત્ર શિવભદ્રસિંહજીની નિગરાનીમાં અને બજરંગદાસ બાપાના શિષ્ય દયારામ બાપાની સહાયથી મેલકડીમાં શિશુવિહાર નામે ત્રણ રૂમની શાળા બની.

શાળા સમય પછી પાકા રૂમમાં બહેનો માટે ગ્રામવિકાસ એજન્સી દ્વારા અંબર ચરખા અને સીવણના સંચા મુકાયા તો ભાવનગરની મહિલા કોલેજના એન.એસ.એસ. વિભાગે બહેનો માટે ખાસ શિબિર યોજી સ્ત્રી અને બાળકોના આરોગ્યની જાગ્રતિ વિસ્તારી. મેલકડી ગ્રામ વિકાસ ટ્રસ્ટ નામે એક સંસ્થા રચાતાં સંસ્થાના ઉપક્રમે ભડી, ભંડારિયા, માળનાથ, નાગધણીબા જેવા ડુંગરમાળના ગ્રામ આવાસોમાં ૧૦,૦૦૦ નિર્ધૂમ ચૂલા, ૭૦૦થી વધુ ઘરોમાં શૌચાલય તથા ભાવનગર જિલ્લામાં ૬૫ થી વધુ ચેકડેમો તૈયાર થયા.

ડુંગરમાળનાં ભીલો આજે ભાવનગર જિલ્લાની એક માત્ર આદિવાસી વસાહત છે. પરંતુ શિક્ષિત યુવકો સરકારી નોકરી મેળવી બહાર જતાં ગયા. કેટલાક ભાવનગર, મહુવા અને આસપાસના વિકસતા ઉદ્યોગોમાં સ્થિર થતા રહ્યા પરંતુ ગામ મેલકડી હજુ ભંડારિયાના પરગણા તરીકે મજૂરો પૂરાં પાડનાર જ છે. જેને વિકાસ કહેવામાં આવે છે તેવા મેરિગો રાઉન્ડની ઘટમાળમાં મેલકડીને ઉપર આવવા મોકો જ ન મળ્યો. પરંતુ સત્ય સાંઈ સેવા ટ્રસ્ટની માનવ પુણ્યલક્ષી સેવાનો ટેકો મળ્યો છે.

તો બચી ગએલાં વૃદ્ધ ભાઈ-બહેનોના ટેકે આજે પણ અસ્તિત્વ ધરાવે છે અને ભંડારિયામાં વિકસી રહેલ રીસોર્ટ ફાર્મની ભવ્યતાને દૂરથી જોનાર પ્રવાસન સ્થળ તરીકે જીવિત છે. ભારતનું બંધારણ તમામ વયસ્કને એક મત આપવાની સમાનતા આપે છે તે ખરું પણ રાજકીય હિતોની પૂર્તતા માટે તો સંગઠિત મતો ઉમેદવાર માટે રસનો વિષય હોઈ મેલકડી જેવા ઓછા મત ધરાવતા દંગાઓ ૩૦૦ વરસે પણ જેમની તેમ ગરીબી ભોગવતાં જોવા મળે છે. આ પણ લોકશાહીની વાસ્તવિક્તા છે જેને ઈતિહાસ બદલી શક્તો નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top