Editorial

વિદેશી વિદ્યાર્થીઓને હડધૂત કરીને અમેરિકા વૈશ્વિક ઉચ્ચ શિક્ષણ હબ તરીકેનું પોતાનું સ્થાન ગુમાવી દેશે

અમેરિકામાં ટ્રમ્પના શાસને જેવો તરખાટ મચાવ્યો છે તેવો અગાઉ કોઇ પ્રમુખના શાસને મચાવ્યો નહીં હોય. ઇમિગ્રેશન અને ટેરિફ જેવા મુદ્દાઓએ વિવાદો અને તનાવ ઉભા કર્યા બાદ હવે  અમેરિકામાં ભણવા આવતા વિદેશી વિદ્યાર્થીઓ પર તવાઇ લાવવામાં આવી છે. એટલું જ નહીં વિદેશી વિદ્યાર્થીઓના મુદ્દે અમેરિકાની વિશ્વ પ્રસિધ્ધ હાર્વર્ડ યુનિવર્સિટીને પણ ભીંસમાં લેવામાં  આવી છે.

હવે એવા અહેવાલ આવ્યા છે કે તાજેતરના સપ્તાહોમાં અમેરિકામાં 1,000 થી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વિઝા અથવા કાનૂની દરજ્જો રદ કરવામાં આવ્યો છે, અને તેમાંના  ઘણાએ ટ્રમ્પ પ્રશાસન સામે મુકદ્દમા દાખલ કર્યા છે, એવી દલીલ કરી છે કે સરકારે તેમને યોગ્ય પ્રક્રિયા પુરી પાડી નથી અને અચાનક અમેરિકામાં રહેવાની તેની પરવાનગી પાછી ખેંચી લીધી  છે. વિદ્યાર્થીઓના કાનૂની દરજ્જાને સમાપ્ત કરવાના ફેડરલ સરકારના પગલાંથી સેંકડો સ્કોલરો અટકાયત અને દેશનિકાલના જોખમમાં મુકાયા છે.

તેમની શાળાઓમાં હાર્વર્ડ અને સ્ટેનફોર્ડ  જેવી ખાનગી યુનિવર્સિટીઓથી લઈને યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ અને ઓહિયો સ્ટેટ યુનિવર્સિટી જેવી મોટી જાહેર સંસ્થાઓ અને કેટલીક નાની લિબરલ આર્ટ કોલેજોનો સમાવેશ થાય છે.  યુનિવર્સિટીઓના નિવેદનો, શાળા અધિકારીઓ સાથેના પત્રવ્યવહાર અને કોર્ટ રેકોર્ડની એસોસિએટેડ પ્રેસ દ્વારા કરાયેલ સમીક્ષા અનુસાર, માર્ચના અંતથી 160 કોલેજો, યુનિવર્સિટીઓ અને  યુનિવર્સિટી સિસ્ટમ્સના ઓછામાં ઓછા 1,024 વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે અથવા તેમનો કાનૂની દરજ્જો સમાપ્ત કરવામાં આવ્યો છે.

આ બધી કાર્યવાહી અમેરિકાનું ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી કરે છે, જે દેશની આંતરિક સુરક્ષાની જવાબદારી સંભાળે છે. તેની સામેના મુકદ્દમામાં, વિદ્યાર્થીઓએ દલીલ કરી છે કે સરકાર પાસે તેમના વિઝા રદ કરવા અથવા તેમની કાનૂની દરજ્જો સમાપ્ત કરવા માટે કોઈ વાજબી કારણ નથી. વિઝા ઘણા કારણોસર રદ થઈ શકે છે, પરંતુ કોલેજો કહે છે કે કેટલાક વિદ્યાર્થીઓને ટ્રાફિક ઉલ્લંઘન જેવા નાના ગુનાઓ માટે નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેમાં ઘણા લાંબા સમય પહેલા બનેલા બનાવનો પણ  સમાવેશ થાય છે.

કેટલાક કિસ્સાઓમાં, વિદ્યાર્થીઓ કહે છે કે તેમને શા માટે નિશાન બનાવવામાં આવ્યા તે જ સ્પષ્ટ નથી. કોલંબિયા યુનિવર્સિટીના કાર્યકર્તા મહમૂદની અટકાયત  સહિતના કેટલાક હાઇ-પ્રોફાઇલ કેસોમાં, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે દલીલ કરી છે કે પેલેસ્ટાઇન તરફી પ્રવૃત્તિમાં સંડોવણી બદલ બિન-નાગરિકોની હકાલપટ્ટી કરવાની મંજૂરી  આપવી જોઈએ. પરંતુ મોટાભાગના વિઝા રદ કરવામાં, કોલેજો કહે છે કે એવા કોઈ સંકેત નથી કે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શનોમાં ભૂમિકા ભજવી રહ્યા હતા. જે વિદ્યાર્થીઓ અમેરિકી કાયદાઓની વિરુદ્ધ જવાનો પ્રયાસ કરશે, તેઓ હકાલપટ્ટી સહિતના સંજોગોનો સામનો કરશે  એમ દેશના વિદેશ વિભાગે  ચેતવણી આપી છે.

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પણ હકાલપટ્ટીના વધતા જતા ભયનો સામનો કરી રહ્યા છે કારણ કે અધિકારીઓએ પેલેસ્ટાઇન તરફી વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેવાથી લઈને  નાના કાનૂની ઉલ્લંઘનો સુધીના વિવિધ મુદ્દાઓ પર F-1 વિઝા રદ કર્યા છે. એટલું જ નહીં ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવતા વિઝાઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. અહેવાલો અનુસાર, ફેબ્રુઆરીમાં , ટ્રમ્પની બીજી સરકાર રચાયાના પહેલા મહિનામાં ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવેલા વિઝાની સંખ્યામાં 30  ટકાનો ઘટાડો થયો હતો.

હાલમાં એક અહેવાલ જણાવે છે કે હાલમાં જે વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ કરાયા છે તેમાંથી અડધો અડધ તો ભારતીય છે.  કોંગ્રેસે પણ શુક્રવારે અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશનના એ દાવા પર ચિંતા વ્યક્ત કરી હતી કે અત્યાર સુધીમાં તેમના દ્વારા એકત્રિત કરવામાં  આવેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના 327 વિઝા રદ કરવાના કેસમાંથી 50% ભારતીય છે. આ અહેવાલોમાં દર્શાવાયેલા વિઝા રદના કેસોમાંથી – 50 ટકા વિદ્યાર્થીઓ ભારતના હતા, ત્યારબાદ 14 ટકા ચીનના હતા.

આ ડેટામાં દર્શાવવામાં  આવેલા અન્ય મહત્વપૂર્ણ દેશોમાં દક્ષિણ કોરિયા, નેપાળ અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે એમ નિવેદનમાં જણાવાયું છે. અમેરિકામાં વિદેશોમાંથી આવતા તમામ વિદ્યાર્થીઓમાં ભારતીય વિદ્યાર્થીઓ કદાચ સૌથી વધુ નિરુપદ્રવી હશે. તેમની સાથે પણ ટ્રમ્પનું અમેરિકા આવું વર્તન કરી રહ્યું છે. અમેરિકાની અનેક વિશ્વ પ્રસિદ્ધ યુનિવર્સિટીઓ ભારત સહિત અનેક દેશોમાંથી મોટા પાયે વિદ્યાર્થીઓને ખેંચી લાવે છે અને પ્રતિષ્ઠાની સાથે આવક પણ રળી આપે છે. વિદેશ વિદ્યાર્થીઓ સાથે આવું વર્તન કરીને અમેરિકા પોતાના જ પગ પર કુહાડો મારી રહ્યું છે.

Most Popular

To Top