Editorial

અમેરિકાએ તો ઓફર કરી દીધી પરંતુ ભારતે નક્કી કરવાનું છે કે રાફેલ ખરીદવા કે F-35

તાજેતરમાં જ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વન ટુ વન બેઠક યોજાઇ ગઇ. આ બેઠકમાં ભારતના અનેક મુદ્દા હતાં. જેમાં સૌથી મહત્વનો મુદ્દો ટેરિફનો હતો. ત્યારબાદ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચાર, ચીન સાથેનો સરહદી વિવાદ. અમેરિકામાં ગેરકાયદે રહેતા અપ્રવાસી ભારતીય અને અદાણી. જો કે આ તમામ મુદ્દાને કોરાણે કરીને રક્ષા બાબતે જે મુદ્દા ચર્ચાયા તે ખૂબ જ મહત્વના છે. તેમાં પણ ખાસ કરીને F-35 ફાઇટર જેટ ભારતને આપવાની અમેરિકાએ ઓફર કરી તે સૌથી મહત્વનો મુદ્દો ગણી શકાય તેમ છે. આ ફાયટર પ્લેનની વાત કરીએ તો ‘યુનાઇટેડ સ્ટેટ્સ ગવર્મેન્ટ અકાઉન્ટેબિલિટી ઑફિસ’ (GAO) ના અહેવાલ પ્રમાણે અમેરિકાએ અત્યાર સુધીમાં 2700 F-35 ફાઇટર જેટનો ઑર્ડર આપેલો છે જેમાંથી તેને 900 વિમાનો મળી ચૂક્યાં છે.

આ રિપોર્ટ અનુસાર અમેરિકાને આ એક ફાઇટર જેટ 82.5 મિલિયન ડૉલર એટલે કે અંદાજે 7.16 અબજ રૂપિયામાં પડ્યું છે. એ સિવાય તેની પ્રતિકલાક ફ્લાઇટ કોસ્ટ 40 હજાર અમેરિકી ડૉલર એટલે કે 34 લાખ કરતાં વધુ રૂપિયા છે. ભારતને અમેરિકા આ વિમાનો કેટલા રૂપિયામાં વેચશે એ હજુ સ્પષ્ટ નથી. પરંતુ એ વાત સ્પષ્ટ છે કે આ વિમાનોને હાલમાં પૃથ્વી પરનાં સૌથી મોંઘાંમાં મોંઘાં ફાઇટર જેટ ગણાવાઈ રહ્યાં છે.

દર વર્ષે તેના પાછળનો ખર્ચ સતત વધતો જઈ રહ્યો છે. આ ઍરક્રાફ્ટનું અંદાજિત આયુષ્ય 66 વર્ષ છે. આટલા સમયગાળા સુધીમાં તેની જાળવણી પાછળ થનારા અંદાજિત ખર્ચને કારણે, ઉત્પાદન ખર્ચને કારણે અને સતત તેના ઉત્પાદનમાં લાગી રહેલા સમયને કારણે તેનો ખર્ચ વધી રહ્યો છે. જેના કારણે સુરક્ષા ક્ષેત્રના નિષ્ણાતોએ પણ તેના પર સવાલો ઉઠાવ્યા છે. 2022માં ઇઝરાયલને મળેલા આ વિમાનોના જથ્થામાં તેની પાઇલટ ઇજેક્શન સિસ્ટમમાં ખામી હોવાની વાત સામે આવી હતી.

ભૂતકાળમાં આ જ અમેરિકી વિમાનોને હાલમાં અમેરિકાની સરકારમાં સામેલ ઉદ્યોગપતિ ઇલોન મસ્ક જ ‘ભંગાર’ ગણાવી ચૂક્યા છે. તેમણે આ વિમાન બનાવનારાઓને મૂર્ખ કહીને પણ સંબોધ્યા હતા.છેલ્લા કેટલાક સમયથી આ ફાઇટર જેટની ઑપરેશન ક્ષમતા સામે પણ સવાલો ઊઠતા રહ્યા છે. આ વિમાનની લાક્ષણિકતાની વાત કરીએ તો F-35A શ્રેણીના વિમાનો સામાન્ય રન-વે પરથી પણ આસાનીથી ઊડાણ ભરી શકે છે. અમેરિકાની વાયુસેના આ વિમાનો સૌથી વધુ પ્રમાણમાં વાપરે છે. F-35B કક્ષાના વિમાનો હૅલિકૉપ્ટરની જેમ સીધા જ લૅન્ડ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. જેના કારણે ઓછી જગ્યામાં તે ઊતરાણ કરી શકે છે.

તેની આ ક્ષમતાને કારણે તે યુદ્ધજહાજો પર પણ લૅન્ડ થઈ શકે છે. અમેરિકાની મરીન કૉર્પ્સ, ઇટાલીની ઍરફૉર્સ અને યુનાઇટેડ કિંગ્ડમ આ વિમાનોનો ઉપયોગ કરે છે.  F-35Cની વાત કરીએ તો આ શ્રેણીના તૈયાર થયેલા વિમાનો અમેરિકન નેવીનું પહેલું સ્ટીલ્થ ફાઇટર જેટ અને વિશ્વનું એકમાત્ર ફિફ્થ જનરેશન ફાઇટર વિમાન છે. ઍરક્રાફ્ટ કેરિયર ઑપરેશન માટે જ ખાસ તેમને તૈયાર કરવામાં આવ્યા છે. વિમાનમાં 25 એમએમની તોપ, હવામાંથી હવામાં પ્રહાર કરી શકતી મિસાઇલ, 907 કિલોના ગાઇડેડ બૉમ્બ વહન શકાય છે. F35 એ 1.6 મૅક એટલે કે 1975.68 કિલોમીટરની ઝડપે ઊડી શકે છે, કારણ કે તેનું ઍન્જિન ખૂબ જ શક્તિશાળી છે.

પોતાની ફુલ કૅપેસિટીમાં શસ્ત્રો અને બળતણ સાથે પણ આ વિમાનો આટલી ઝ઼ડપ હાંસલ કરી શકે છે. આ ફાઈટર જેટમાં ઍક્ટિવ ઇલેક્ટ્રોનિકલી સ્કેનડ ઍરે રડાર, ઇલેક્ટ્રો ઑપ્ટિકલ ટાર્ગેટિંગ સિસ્ટમ અને હૅલ્મેટ માઉન્ટેડ ડિસપ્લે સિસ્ટમ જેવા ફીચર્સ છે. તેની ઇલેક્ટ્રોનિક વૉરફેર સિસ્ટમ માત્ર દુશ્મનોના સ્થાનને લોકેટ કે ટ્રેક કરી શકે છે એટલું જ નહીં, પરંતુ રડાર પણ જામ કરી શકે છે હુમલાઓને ખાળી પણ શકે છે.તેની સ્ટીલ્થ ટેકનૉલૉજીને કારણે, એટલે કે સ્પેશિયલ રડાર કૉટિંગને કારણે તે દુશ્મનોના રડારમાં પણ પકડાતું નથી.

જો કે ભારત પાસે હાલમાં ફ્રાન્સના રાફેલ છે એટલે અત્યારે ભારતે રશિયાના એસયુ 57, કે પછી અમેરિકાના એફ35 કે રાફેલ એમ ત્રણ વિકલ્પ છે. રાફેલની વાત કરીએ તો રાફેલ ની વહનક્ષમતા સારી છે અને તેમાં અત્યાધુનિક સિસ્ટમ છે. તે એક જ સમયે હવામાંથી જમીન પર હુમલા કરવાની અને અન્ય યુદ્ધ વિમાનોને આંતરવાની ક્ષમતા ધરાવે છે. તે ઓછી ઊંચાઈ પરથી પણ ઍર-ટુ-ઍર મિસાઇલ છોડી શકે છે. આ રાફેલ વિમાનોનો અત્યાર સુધી અફઘાનિસ્તાન, લીબિયા, માલી, ઇરાક અને સીરિયા જેવા દેશોમાં થયેલાં યુદ્ધમાં ઉપયોગ થયો છે. રાફેલ પરમાણુ મિસાઇલનું વહન કરવામાં સક્ષમ છે. ખૂબ જ ઠંડા વિસ્તારમાં એન્જિન સ્ટાર્ટ થઈ શકે.

વિશ્વનાં સૌથી આધુનિક હથિયારોથી સજ્જ છે. ‘હેમર’ મિસાઇલ જે 60-70 કિમીના ટાર્ગેટમાં આવતાં નિશાનને ભેદી શકે છે. બે મિસાઇલ લગાવેલી હોય છે.  એકની રેંજ 150 કિમી અને બીજી મિસાઇલની રેંજ 300 કિમી છે. દાસૉ ઍવિએશન અનુસાર રાફેલની સ્પીડ મૅક 1.8 એટલે કે 2000 કિમી/પ્રતિ કલાક છે. તેની ઊંચાઈ 5.30 મીટર, લંબાઈ 15.30 મીટર છે. રાફેલ હવામાં ઊડતું હોય તે દરમિયાન પણ તેમાં ઈંધણ ભરી શકાય છે. જોકે, અમેરિકાની ઓફર બાદ આ સંભવિત સોદાથી પાકિસ્તાનમાં ગભરાટ ફેલાયો છે, જેણે આ પગલાને દક્ષિણ એશિયામાં શાંતિ માટે ખતરો ગણાવ્યો છે અને પોતાનું ટેન્શન વધી ગયું હોવાનું જણાવ્યું છે.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પાકિસ્તાને આ પ્રકારના પગલાને પ્રાદેશિક સૈન્ય સંતુલનને ખલેલ પહોંચાડનારું અને વ્યૂહાત્મક સ્થિરતાને નબળી પાડનારું ગણાવ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘ભારતમાં એડવાન્સ મિલિટરી ટેક્નોલોજીના આયોજિત આગમનથી અમારા તણાવમાં વધારો થયો છે.’ પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, “અમે અમારા આંતરરાષ્ટ્રીય ભાગીદારોને દક્ષિણ એશિયામાં શાંતિ અને સુરક્ષાના મુદ્દાઓ પર સર્વગ્રાહી અને ઉદ્દેશ્યપૂર્ણ અભિગમ અપનાવવા વિનંતી કરીએ છીએ.” 

તેમણે ઉમેર્યું કે, ‘અમારા તમામ ભાગીદારોએ એકતરફી અને જમીની વાસ્તવિકતાથી ભટકતી બાબતોને સમર્થન આપવાનું ટાળવું જોઈએ.’ પાકિસ્તાનનો આડકતરો સંકેત અમેરિકા અને અન્ય દેશોને ભારત સાથેના વધતા સંરક્ષણ સંબંધો પર પુનર્વિચાર કરવા તરફ હતો. બેઠક બાદ પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચે 10 વર્ષની સંરક્ષણ ભાગીદારી અને મોટા હથિયારોના સહ-ઉત્પાદન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.

આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પે F-35 સ્ટીલ્થ ફાઇટર જેટની સંભવિત સપ્લાય સહિત ભારતને સૈન્ય હાર્ડવેરનું વેચાણ વધારવાનું વચન આપ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમેરિકા ટૂંક સમયમાં તેની સંરક્ષણ જરૂરિયાતો અનુસાર આ વર્ષે ભારતને એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ જેવલિન અને આર્મર્ડ વ્હીકલ સ્ટ્રાઈકરના વેચાણ અને ઉત્પાદન પર આગળ વધશે. ભારત અમેરિકા પાસેથી F-35 ફાઈટર જેટ ખરીદવાની યોજના બનાવી રહ્યું છે કે કેમ તે અંગેના સવાલ પર વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે તે હાલમાં પ્રસ્તાવના તબક્કામાં છે. જો કે, અમેરિકા તરફથી મળેલી ઓફર અને ત્યારબાદ પાકિસ્તાનની પ્રતિક્રિયાએ આ ક્ષેત્રમાં નવા ભૂ-રાજકીય સમીકરણોના સંકેત આપ્યા છે.

Most Popular

To Top