Editorial

ઇરાની પ્રમુખ રઇસીના અકાળ અવસાનથી મધ્ય-પૂર્વમાં કોઇ મોટા વમળો નહીં સર્જાય

રવિવારે રાત્રે એવા અહેવાલ ઇન્ટરનેટ પર તથા અન્ય માધ્યમો પર વહેતા થયા કે ઇરાનના પ્રમુખ ઇબ્રાહીમ રઇસીના હેલિકોપ્ટરે કોઇક સ્થળે હાર્ડ લેન્ડિંગ કર્યું છે એટલે કે હેલિકોપ્ટર સંભવિત ઉતરાણ કરતી વખતે સખત રીતે પછડાયું છે. બાદમાં મોડી રાતે અહેવાલ આવ્યા કે હેલિકોપ્ટર એક દુર્ગમ પહાડી વિસ્તારમાં તૂટી પડ્યું છે. ઇરાનના પ્રમુખ તથા તેમની સાથેના કેટલાક લોકો ઇરાનના સરહદી વિસ્તારમાં બંધાયેલ એક બંધનું ઉદઘાટન કરીને પાછા ફરી રહ્યા હતા ત્યારે આ હેલિકોપ્ટર ખરાબ હવામાનમાં પહાડી વિસ્તારમાં તૂટી પડ્યું હતું.

બનાવની ખબર મળતા જ બચાવ ટુકડીઓ તે વિસ્તારમાં ધસી ગઇ અને છેવટે સોમવારે વહેલી સવારે ઇરાનના પ્રમુખ ઇબ્રાહીમ રઇસી, દેશના વિદેશ મંત્રી તથા અન્ય ઘણા અધિકારીઓ દેશના ઉત્તર પશ્ચિમના પહાડી પ્રદેશમાંથી મૃત અવસ્થામાં મળી આવ્યા હતા જયાં તેમનું હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું. આ દુર્ઘટના એવા સમયે બની છે કે જ્યારે મધ્યપૂર્વમાં ઇઝરાયેલ-હમાસ યુદ્ધના કારણે અસ્થિરતાનો માહોલ છે, અને આ માહોલમાં પ્રમુખ રઇસીએ ઇરાનના સર્વોચ્ચ નેતા ખામેનીની આગેવાની હેઠળ ગયા મહિને જ ઇઝરાયેલ પર ડ્રોન અને મિસાઇલ હુમલો કર્યો હતો. જો કે કેટલાક નિરીક્ષકો કહે છે કે ઇરાનમાં પ્રમુખનો હોદ્દો બહુ શક્તિશાળી નથી, ભલે તેઓ દેશના વડા હોય. શિયા ધાર્મિક રાજકીય વ્યવસ્થા હેઠળ ધાર્મિક સર્વોચ્ચ વડા જ ત્યાં શક્તિશાળી ગણાય છે.

પ્રમુખ રઇસી ૬૩ વર્ષના હતા. આ અકસ્માતમાં અવસાન પામેલા અન્ય લોકોમાં ઇરાનના વિદેશ મંત્રી હુસેન અમીરનો પણ સમાવેશ થાય છે. તેઓ ૬૦ વર્ષના હતા. હેલિકોપ્ટરમાં ઇરાનના પૂર્વ આઝારાબૈજાન પ્રાંતના ગવર્નર, અન્ય અધિકારીઓ તથા અંગરક્ષકો પણ હતા. પ્રમુખના અવસાનની જાહેરાત થયાના કલાકો પછી ઇરાનના આ સુપ્રીમ લીડર ખામેનીએ ઇરાનના પ્રથમ ઉપપ્રમુખ મોહમ્મદ મોખબીરની નિમણૂક દેશના કાર્યકારી પ્રમુખ તરીકે કરી હતી.

જ્યાં સુધી ચૂંટણી નહીં થઇ જાય ત્યાં સુધી તેઓ પ્રમુખ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે આઝારબૈજાનના સરહદી વિસ્તારમાં એક બંધનું ઉદઘાટન કરીને ઇરાની પ્રમુખ તેમના સાથીદારો સાથે પાછા ફરી રહ્યા હતા ત્યારે પર્વતીય વિસ્તારમાં તેમનું હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું. શરૂઆતમાં હાર્ડ લેન્ડિંગના અહેવાલ હતા પણ બાદમાં જાણવા મળ્યું હતું કે હેલિકોપ્ટર તૂટી પડ્યું છે અને બચાવ ટુકડીઓ શોધખોળ માટે સ્થળ પર ધસી ગઇ હતી. ઇરાનના પ્રમુખના અવસાન સાથે જ દુનિયાભરમાંથી ઇરાનના સાથી અને મિત્ર દેશો તરફથી શ્રદ્ધાંજલિના સંદેશાઓ શરૂ થઇ ગયા હતા.

ભારતના વડાપ્રધાન મોદીએ એક્સ પ્લેટફોર્મ પર મૂકેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે આ દુ:ખના સમયે ભારત ઇરાનની સાથે છે. ઇરાન સાથે ભારતને ચાબહાર બંદર માટેનો કરાર થયો છે અને ખનિજ તેલ સહિતની બાબતો માટે ઇરાન એ ભારતનું એક વ્યુહાત્મક સાથીદાર છે એ અહીં નોંધપાત્ર છે. પાકિસ્તાને ઇરાની પ્રમુખના માનમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. થોડા સમય પહેલા જ બંને દેશો વચ્ચે સરહદે તનાવ ઉભો થઇ ગયો હતો પરંતુ તેમની વચ્ચે સમાધાન થઇ ગયું છે. રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિને રઇસીને રશિયાના એક સાચા મિત્ર ગણાવ્યા હતા.

દુનિયાના બીજા પણ અનેક દેશોના નેતાઓએ શોક અને શ્રદ્ધાંજલિના સંદેશાઓ પાઠવ્યા હતા. તો બીજી બાજુ અમેરિકા સહિતના પશ્ચિમી દેશોએ મોટે ભાગે મૌન રહેવાનું પસંદ કર્યું છે. પ્રમુખ ઇબ્રાહીમનું અવસાન થયા બાદ ઇરાનના પ્રથમ ઉપપ્રમુખ મોહમ્મદ મોખબીરની નિમણૂક હાલ દેશના કાર્યકારી પ્રમુખ તરીકે કરવામાં આવી છે. ચૂંટણી વડે નવા પ્રમુખની નિમણૂક નહીં થાય ત્યાં સુધી તેઓ આ હોદ્દા પર રહેશે.

ઇરાનના શિયા ધર્મવાદી રાજકારણમાં અન્ય ટોચના રાજકારણીઓની સરખામણીમાં ૬૮ વર્ષીય મોખબીર બહુ જાણીતા નથી અને બહુ ચર્ચામાં આવતા ન હતા. તેઓ ઓછા જાણીતા નેતા હોવા છતાં તેમણે દેશના સત્તાના રાજકારણમાં અનેક મહત્વના સ્થાન સંભાળ્યા છે. ખાસ કરીને તેમણે ઇરાનમાં ૧૯૭૯ની ઇસ્લામી ક્રાંતિ પછી તે સમયે ઉથલાવી પાડવામાં આવેલા અમેરિકાના ખાસ માનીતા રાજા રેઝાશાહ પહેલવી અને તેમના સાથીદારોની જે મિલકતો ઇમામ ખોમૈનીના આદેશથી કબજે કરવામાં આવી હતી તેની દેખરેખ રાખવાનું કામ સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. બીજી પણ અનેક મહત્વની કામગીરીઓ તેઓ કરી ચુક્યા છે. ઇરાનમાં પ૦ દિવસમાં નવા પ્રમુખ ચૂંટાય ત્યાં સુધી રખેવાળ પ્રમુખ તરીકે તેઓ કામગીરી સંભાળે તેવી શક્યતા છે.

આ અકસ્માત માટે ઇરાની સરકારે ટેકનીકલ ખામીને જવાબદાર ગણાવી છે. તો કેટલાક આને માટે ઇઝરાયેલને જવાબદાર ગણાવ્યું છે. જો કે ઇઝરાયેલ સરકારે સ્પષ્ટતા કરી છે કે પોતાને આ અકસ્માત સાથે કંઇ લેવા દેવા નથી અને ઇઝરાયેલ સરકારે ઇરાનના પ્રમુખની હત્યા કરાવી નથી. ઇરાનના પ્રમુખના અકસ્માતે અવસાનથી મધ્ય પૂર્વમાં હાલ કોઇ મોટો તનાવ કે વમળો સર્જાવાના સંકેતો જણાતા નથી કે ત્યાંની સ્થિતિ પણ બહુ બદલાય તેવા સંજોગો નથી.

પ્રમુખ રઇસીના મોત છતાં ઇરાનને ઇઝરાયેલ એક ખતરા તરીકે જ જોવાનું ચાલુ રાખશે એમ વિશ્લેષકો કહે છે કારણ કે ઇરાનમાં રઇસીની જગ્યાએ જે કોઇ પણ પ્રમુખ તરીકે આવશે તે ઇઝરાયેલ પ્રત્યેની તે જ જૂની દુશ્મનાવટ ચાલુ રાખશે. બીજી બાજુ, મધ્ય પૂર્વના સુન્ની આરબ દેશો પણ શિયા ઇરાન પ્રત્યે સાવધાની રાખવાનો પોતાનો અભિગમ ચાલુ રાખશે. ટૂંકમાં ઇરાની પ્રમુખ રઇસીના અકાળ અવસાનથી મધ્ય પૂર્વમાં કોઇ મોટા વમળો સર્જાય તેવા સંકેતો નથી.

Most Popular

To Top