Editorial

યુએનએસસીમાં વ્યાપક ફેરફારો અને સુધારાઓની જરૂર છે

જેને અગાઉ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન(યુનો) તરીકે ઓળખવામાં આવતી હતી તે વૈશ્વિક સંસ્થા યુનાઇટેડ નેશન્સ(યુએન)ની સ્થાપનાને દાયકાઓ થઇ ગયા પણ બદલાતા વૈશ્વિક સંજોગો વચ્ચે પણ તેના માળખામાં કોઇ ફેરફાર થયો નથી તે બાબતે ભારત અને તેના સાથી દેશો વારંવાર અવાજ ઉઠાવતા રહે છે પરંતુ હજી સુધી તો તેની કોઇ અસર જણાતી નથી. આ એટલું ખરું કે આ અવાજને હવે વધુને વધુ ટેકો મળવા માંડ્યો છે. ભારતની ખાસ માગ એ છે કે જેને યુએનએસસીના ટૂંકા નામે ઓળખવામાં આવે છે તે યુએન સિકયુરિટી કાઉન્સિલ એટલે કે યુએનની સુરક્ષા પરિષદના માળખામાં ફેરફારની જરૂર છે અને તેમાં વિકાસશીલ દેશોને પણ પોતાનો અવાજ રજૂ કરવાની તક મળવી જોઇએ.

ભારત આ યુએનએસસીમાં પોતાને કાયમી સભ્યપદ મળે તે માટે માગણી કરતું રહ્યું છે. હાલમાં દિલ્હીમાં વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ યોજાઇ, તે પ્રસંગે પણ ભારતે યુએનમાં આ જ બાબત બુલંદ સ્વરે ઉપાડી કે વિશ્વના ગરીબ અને વિકાસશીલ દેશોને પણ યુએનની સુરક્ષા પરિષદમાં પોતાનો અવાજ રજૂ કરવાની તક મળવી જોઇએ. યુએનની સુરક્ષા પરિષદમાં દસ દેશોને ફરતુ સભ્યપદ બે-બે વર્ષ માટે મળે છે ખરું પરંતુ તેમ છતાં તેમના અવાજનુ મૂલ્ય બહુ રહેતું નથી કારણ કે જે પાંચ કાયમી સભ્ય દેશો છે તેમાંથી કોઇ એક દેશ પણ પોતાનો વીટો પાવર વાપરીને કોઇ પણ ઠરાવ ઉડાવી દઇ શકે છે.

હાલમાં દિલ્હીમાં વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ યોજાઇ તે પ્રસંગે ભારતે જણાવ્યું છે કે તે ગ્લોબલ સાઉથના દેશોની સામૂહિક વ્યાકુળતા વ્યક્ત કરી રહ્યું છે કે યુએન સુરક્ષા પરિષદના ઉચ્ચ મંચ પર તેમનો કોઇ અવાજ નથી, જયારે તે વૈશ્વિક કટોકટીઓના વિસ્તરવાની બાબતને હાથ ધરવા માટે યુએનએસસીમાં તેમના જરૂરી પ્રતિનિધિત્વ માટે માગણી કરવા માટે આ દેશો સાથે જોડાયું હતું.

દુનિયાના વિકસીત દેશો મોટે ભાગે ઉત્તરના ભાગમાં છે જયારે ગરીબ કે વિકાસશીલ દેશો દક્ષિણ ગોળાર્ધમાં નહીં તો પણ કંઇક દક્ષિણના ભાગે છે તે ખયાલના આધારે હવે આ ગ્લોબલ સાઉથ નામ અસ્તિત્વમાં આવ્યું છે. આ ગ્લોબલ સાઉથના દેશોને યુએનએસસીમાં વધુ અવાજ મળવો જોઇએ એવી માગ ભારતે ઉઠાવી છે તે યોગ્ય જ છે. યુનાઇટેડ નેશન્સની સિસ્ટમના ઘણા પાસાઓ તાકીદે સુધારા માગે છે. આમાંથી યુએન સિક્યુરિટી કાઉન્સિલના સુધારાઓને ખૂબ અગત્યની અને તત્કાળ પ્રાથમિકતા તરીકે જુદા તારવવામાં આવ્યા છે એમ યુએન ખાતેના ભારતના કાયમી પ્રતિનિધિ રૂચિરા કંબોજે કહ્યું હતું.

આ સામૂહિક હાકલો છતાં અત્યાર સુધી આપણી પાસે પરિણામ નથી, શા માટે? એમ તેમણે પૂછ્યું હતું. યુએનના સામાન્ય સભાના પ્લેનરી સેસનને સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે ગ્લોબલ સાઉથના એક સભ્ય તરીકે, અમે સાઉથની(દક્ષિણના દેશોની) સામૂહિક વ્યાકુળતા વ્યકત કરીએ છીએ, આ ઉચ્ચ મંચ પર અમારો કોઇ અવાજ નથી. તેમણે કહ્યું હતું કે યુએનના ૧૬૪ સભ્ય દેશોએ યુએનએસસીમાં સુધારા માટેની વાટાઘાટોના પાયા તરીકે કામ કરી શકે તેવો નક્કર મુસદ્દો તૈયાર કરવા માટે હાકલ
કરી છે.

હાલમાં સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદ(યુએનએસસી)માં પાંચ કાયમી સભ્યો અને દસ બિન-કાયમી સભ્ય દેશો છે. આ બિન-કાયમી સભ્યોને યુએનની સામાન્ય સભા દ્વારા બે વર્ષની ટર્મ માટે ચૂંટવામાં આવે છે. આ પાંચ કાયમી સભ્યો રશિયા, યુકે, ચીન, ફ્રાન્સ અને અમેરિકા છે. આ કાયમી સભ્ય દેશો કોઇ પણ ઠરાવને વીટો વાપરીને ઉડાવી દઇ શકે છે. જર્મનીએ ચાર દેશો – બ્રાઝિલ, ભારત, જાપાન અને પોતાના વતી કહ્યું હતું કે સુધારાની તાકીદની જરૂરીયાતને અવગણી શકાય નહીં. જયારે ફ્રાન્સે પણ એક સુધારેલ યુએનએસસીમાં આ જી-ફોર દેશોને કાયમી સભ્યપદ આપવાને ટેકો આપ્યો હતો.

ભારત હવે દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે તેથી સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુએનની સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટેની તેની માગણી વાજબી છે. બીજી મહત્વની વાત એ છે કે યુએનએસસીના કાયમી સભ્ય દેશો વીટો પાવર વાપરીને કોઇ પણ ઠરાવ ઉડાવી દઇ શકે તે જોગવાઇ દૂર થવી જોઇએ. આમાં કોઇ સભ્ય દેશ અવળચંડાઇ કરી શકે છે. મસૂદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવા માટેની ભારતની દરખાસ્તને ચીન અનેક વખત વીટો પાવર વાપરીને ઉડાવી ચુક્યું છે તે આનું ઉદાહરણ છે. યુએન અને યુએનએસસી વ્યાપક ફેરફારો માગે છે તે સ્પષ્ટ છે.

Most Popular

To Top