રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તેને એક મહિનો થવા આવ્યો છે. આ યુદ્ધ શરૂ થયું ત્યારે એવો ભય વ્યક્ત કરવામાં આવતો હતો કે આ યુદ્ધના કારણે વિશ્વભરમાં અને ભારતમાં પણ મોંઘવારી ખૂબ વધશે, દુનિયાના અર્થ તંત્રને તેની ગંભીર અસર થશે વગેરે. જો કે આજે યુદ્ધના આટલા સપ્તાહો પછી આપણે જોઇ શકીએ છીએ કે ધાર્યા કરતા ઘણી જ ઓછી અસર દુનિયાના અને ખાસ કરીને ભારતના અર્થતંત્ર પર થઇ છે. યુદ્ધ શરૂ થયું ત્યારે શરૂઆતમાં થોડા દિવસો સુધી તો દુનિયાભરના શેરબજારો ગગડતા રહ્યા, ક્રૂડના ભાવ ખૂબ વધ્યા પણ બાદમાં ક્રૂડના ભાવ નોંધપાત્ર ઘટ્યા, શેરબજારોની સ્થિતિ પણ કંઇક સુધરી. પરંતુ સૌથી નોંધપાત્ર બાબત એ રહી કે મોંઘવારીમાં કોઇ મોટો ઉછાળો હજી સુધી આવ્યો નથી અને હવે યુદ્ધ શમી જવાની આશાઓ જન્મી રહી છે.
ભારતમાં યુદ્ધની અસરને કારણે હોય કે બીજા કારણોસર, પરંતુ હાલ વિવિધ ચીજવસ્તુઓની કિંમતો થોડી વધી હતી ખરી, કેટલીક વસ્તુઓમાં કિંમતો કૃત્રિમ રીતે વધારવામાં આવી હોય તેમ પણ જણાતું હતું, પરંતુ રિઝર્વ બેન્કના ગવર્નરે હાલમાં એવો સધિયારો આપ્યો છે કે કિંમતો ઘટવાની તૈયારીમાં છે. અર્થતંત્ર મુદ્રાસ્ફીતીજનિત મંદી – કે જેમાં કિંમતો ખૂબ ઉંચે જાય અને વિકાસ નીચો જાય – તે સ્થિતિ સર્જાવાનો ભય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે નકારતા કહ્યું હતું કે કિંમતો ઘટવાની તૈયારીમાં છે કારણ કે ચાલી રહેલ યુક્રેન યુદ્ધની ભારત પર અસર નહીંવત જણાય છે. અલબત્ત, ગવર્નરે ઝડપથી કબૂલ્યું હતું કે ઉભી થઇ રહેલી સ્થિતિ હવે કલ્પના નહીં કરી શકાય તેવી અચોકક્સ છે અને એક વર્ષ માટેના વિકાસ અથવા ફુગાવાની આગાહી કરવાનું કોઇના પણ માટે સહેલું કાર્ય નહીં હોય.
જ્યાં સુધી હું જોઇ શકું છું અને જયાં સુધી રિઝર્વ બેન્કમાં અમે જોઇએ છીએ, તો ફુગાવા અને નીચા વિકાસવાળી મંદીની શકયતાઓ આપણા માટે ઉભી થતી નથી. અમારા મૂલ્યાંકન પ્રમાણે, આવી તકો આપણા માટે ઉભી થતી નથી, હું માનું છું કે આપણે આવી ગંભીર શક્યતાથી ઘણા દૂર છીએ. એ મુજબ તેમણે કહ્યું હતું. જો કે ગંભીર સ્થિતિને પણ પહોંચી વળવા માટે આપણા દેશનું અર્થતંત્ર પુરતું સજ્જ અને મજબૂત છે તેવો સધિયારો તેમણે આપ્યો છે. આરબીઆઇના ગવર્નરે એમ પણ જણાવ્યું છે કે દેશની વિદેશી હુંડીયામણની અનામતો ૬૭૭ અજબ ડોલર છે, અને તે કોઇ પણ વિપરીત અસર સાથે કામ પાર પાડવા માટે અનુકૂળ છે અને દેશની હાલની ચાલુ ખાતાની ખાધને નાણા પુરા પાડવા માટે પુરતી છે.
છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન દેશની વિદેશી હુંડીયામણની અનામતોમાં ૨૭૦ અબજ ડોલરનો વધારો થયો છે. છેલ્લામાં છેલ્લા આંકડા મુજબ દેશની વિદેશી હુંડીયામણની અનામતો ૬૨૨ અબજ ડોલર છે. આ ઉપરાંત, ઘણુ બધુ વિદેશી હુંડિયામણ, જે પપ અબજ ડોલર જેટલું થાય છે તે આપણી ફોરવર્ડ મિલકતોમાં રખાયું છે, જે દર મહિને સમયે સમયે પાકશે. વિદેશી હુંડીયામણની અનામતો દેશના અર્થતંત્રને ઘણી બધી સ્થિરતા અને વિશ્વાસ આપે છે, ખાસ કરીને યુદ્ધ જેવા વિપરીત આંતરરાષ્ટ્રીય સંજોગોમાં જે દેશ પાસે વિદેશી હુંડિયામણ ભંડોળ મજબુત હોય તે દેશનું અર્થતંત્ર મક્કમ રીતે ઉભું રહી શકે છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ભારતીય રૂપિયાની સ્થિરતા પણ જળવાઇ રહેવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે અને તે આજના યુદ્ધના સંજોગોમાં ખૂબ સારી બાબત છે. પહેલી એપ્રિલ, ૨૦૨૧થી ૧૭ માર્ચ ૨૦૨૨ સુધીમાં ભારતીય રૂપિયો માત્ર ૦.૪ ટકા જ ઘસાયો છે એમ એક આકલન કહે છે અને આ સમયગાળામાં યુદ્ધ શરૂ થયા પછીનો પણ એક લાંબો સમય આવી જાય છે. ભારત પાસે સુવર્ણ અનામત ભંડોળ પણ ઘણુ સારુ છે અને તે પણ અર્થતંત્રને મજબૂતી પુરી પાડનાર બાબત છે.
રશિયા-યુક્રેન યુદ્ધ કેટલું લાંબુ ચાલશે અને તેના લાંબા ગાળાના રાજકીય અને આર્થિક પરિણામો કેવા આવશે તે હાલ ચોક્કસ કહી શકાય તેમ નથી પરંતુ હાલના સંજોગોમાં ભારતનું અર્થતંત્ર આ યુદ્ધના સંજોગોમાં પણ એકંદરે અડીખમ ઉભું છે. ભારતના બજારોને આ યુદ્ધની બહુ અસર થઇ નથી અને મોંઘવારી બહુ વધી નથી તેનું એક કારણ એ પણ છે કે ભારતના બજારો રશિયા કે યુક્રેન પર બહુ ઓછા આધારિત છે. રશિયાથી અને યુક્રેનથી આપણે બહુ ઓછી વસ્તુઓ આયાત કરીએ છીએ. આપણી ક્રૂડની કુલ આયાતમાં પણ રશિયન ક્રૂડની આયાતનું પ્રમાણ ખૂબ ઓછું છે. જો કે હવે રશિયાએ આપણે સસ્તા ક્રૂડ, ગેસ અને યુરિયા વગેરેની ઓફર કરી છે અને તે પણ એક લાભની જ બાબત છે. યુક્રેનમાં આપણા ઘણા બધા નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ ફસાઇ ગયા હતા તેણે ઘણા કુટુંબો માટે અને છેવટે તો દેશ માટે ચિંતાની સ્થિતિ સર્જી, પણ અર્થતંત્રની બાબતમાં આ યુદ્ધને કારણે ચિંતાની કોઇ મોટી સ્થિતિ સર્જાઇ નથી તે રાહતની વાત છે.