કોઇને રસ્તા ઉપર ઉતરવાનો શોખ થતો નથી અલબત કોઇની પાસે એટલો સમય પણ નથી હોતો. પરંતુ જ્યારે પેટની મજબૂરીની વાત આવે ત્યારે ભલભલા સહનશીલોની કમાન છટકી જાય છે. આજ કારણ છે કે, કારીગરોએ રસ્તા ઉપર ઉતરવું પડ્યું છે. વાત માત્ર પગારની હોય ત્યાં સુધી તો ઠીક છે પરંતુ કેટલાક કારખાનાઓમાં તો કારીગરોએ રોજે રોજ અપમાનના ઘૂંટડા પીવા પડે છે. કોઇ માને કે નહીં માને, સ્વિકારે કે નહીં સ્વિકારે પરંતુ સત્ય હકીકત એ છે કે, આજની તારીખે પણ કેટલાક શેઠિયાઓ કારીગરોને ચોર જ સમજે છે.સુરતમાં એક જમાનો હતો જ્યારે કારખાનાઓ તેમની બુલંદી ઉપર હતાં. તે સમયે એક રેડિયો વાગતો હોય, ખીંટીઓ પર શર્ટ અને પેન્ટ ડીંગાળેલા જોવા મળતા હોય અને લૂંગીમાં કારીગર તેનું કામ કરતો હોય. હવે આ વાતારવણમાં ગરમીની વચ્ચે કામ કરી કરીને પરસેવો પાડીને જે કારીગરોએ શેઠિયાઓને કરોડો રૂપિયામાં રળતાં કરી દીધા છે તે જ આજે તેમના દુશ્મન બનીને બેઠા છે.
અત્યારે જે લોકો મોટા મોટા કારખાના ખોલીને બેસી ગયા છે અને સુફિયાણી વાતો કરીને સમાજસેવકનો ડોળ કરી રહ્યાં છે જો આ શેઠિયાઓ ખરેખર જ સત્યને વરેલા હોય તો જાહેરમાં આવીને કબૂલાત કરે કે અત્યાર સુધી કારીગરોના પ્રોવિડન્ડ ફંડના કેટલા રૂપિયા ગજવે ઘાલી દીધા છે. અલબત કારખાનાઓ કેટલા વર્ષથી ચાલે છે અને કારીગરોને પીએફ આપવાનું ક્યારથી શરૂ કર્યું તેના પર પણ ચિંતન થવું જોઇએ. અત્યારે જ્યારે કારીગરોએ આત્મહત્યા કરવી પડી રહી છે તેવી સ્થિતિમાં તો શેઠિયાઓએ તેમની મદદ માટે ઝોળી ખોલી નાંખવી જોઇએ.
જો શેઠિયાઓ કારીગરો માટે કંઇ ન કરી શકે તેનો વાંધો નથી પરંતુ તેઓ ચોર જ છે તેવું સમજવું જોઇએ નહીં. આ બાબત દરેક કારીગર જાણે જ છે કે કેટલાક શેઠિયાઓ તેમની સાથે કયા પ્રકારનું અમાનવીય વર્તન કરે છે. શેઠિયાઓ આર્થિક, સામાજિક અને રાજકીય રીતે ખૂબ મજબૂત છે તે બધા જાણે જ છે પરંતુ તેઓ તેમને ભગવાન સમજવાની ભૂલ કરી રહ્યાં છે કોઇકાળે ચલાવી લેવાઇ નહીં. આ તો એક માત્ર શરૂઆત છે. જો કારીગરો આક્રમક થઇ જશે તો કબ્રસ્તાનમાંથી કેટલા મુડદા બહાર નીકળશે તેની ગણતરી કરવી મુશ્કેલ થઇ પડશે.
