Columns

જીવનનો ખરો આનંદ શેમાં છે?

સમ્રાટ સિકંદરે તુર્કસ્તાન પર ચડાઇ કરી, સિકંદરનું સૈન્ય ધસમસતું આગળ વધી રહ્યું હતું. એ જાણી તુર્કસ્તાનના બાદશાહ સમજી ગયા કે, સિકંદર પાસે સૈન્ય મોટું છે. એની સામે ટકરાઇને વિનાશ નોંતરવા સમાન છે એટલે બાદશાહે સંધિ કરવા એક દૂતને મોકલ્યો અને શરણું સ્વીકારી લેવાની જાહેરાત કરી. આથી સિકંદર ખુશ થયો કે લોહી રેડયા વિના જ વિજય મળી ગયો અને તુર્કસ્તાનના નગરમાં પ્રવેશ કર્યો ત્યારે બાદશાહે ભવ્ય સ્વાગત કર્યું. તોપોથી સિકંદરને સલામી આપી. સિકંદરે રાજમહેલમાં પ્રવેશ કર્યો. ત્યાર બાદ તુર્કસ્તાનના મોટા મોટા માણસોને બાદશાહે બોલાવ્યા અને સમ્રાટ સિકંદરનું સ્વાગત કરવાનું આયોજન કરાયું. સિકંદરનો રસાલો મોટો હતો, બધાંને ભોજન પિરસવાનું શરૂ કર્યું. બાદશાહ અલગ ખંડમાં જમવા બેઠા. થાળી મુકાઇ, પીરસનારા આવવા લાગ્યા, એમના પાત્રોમાં હીરા-મોતી-માણેક તો કોઇ પાત્રમાં સોનું, ચાંદી હતાં.

સિકંદરના થાળમાં પીરસનારાઓ ચમચા વડે હીરા-મોતી પીરસવા લાગ્યા. આ જોઇ સિકંદર ગુસ્સે થવા માંડયો, એને લાગ્યું કે આ મારું અપમાન થઇ રહ્યું છે. હીરા-માણેક તો કંઇ ખવાતા હશે? સિકંદર થાળી પરથી ઊભો થઇ ગયો, બાદશાહને કહ્યું: આ શું છે? જમવાનું કયાં? તુર્કી બાદશાહે કહ્યું: નામદાર! આપને જેની ભૂખ છે એ જ તો પીરસાયું છે. આપ ખોરાકી રસોઇ માટે તો આટલે દૂર સુધી પધારો જ નહીં.

આપને તો હીરા-મોતી – માણેક જ જોઇએ છે એટલે અમે આપને પીરસ્યા છે. સિકંદર આ સાંભળી સ્તબ્ધ થઇ ગયો. શું જવાબ આપે? એ જગત જીતવા નીકળ્યો હતો, જયાં જીતે ત્યાં હીરા – મોતી – ઝવેરાતની લૂંટ ચલાવી પોતાનો ભંડાર ભરતો હતો. સિકંદરને આ ઘટનાથી સાચી ભૂખનું જ્ઞાન થયું. એ શરમ અનુભવવા લાગ્યો. તુર્કસ્તાનના બાદશાહને એનું રાજ પરત કરી પોતાના દેશ ચાલવા લાગ્યો. આમ માણસની તૃષ્ણા કયારેય મરતી નથી. આખી જિંદગી એ ધન મેળવવા દોડધામ કરે અને બધું ભેગું કરે પણ પછી શું?

એ ધન કંઇ ખવાતું નથી. ખાવા તો રોટી જ જોઇએ, ધાન્ય જોઇએ. ધન અને ધાન્યમાં આટલો ફેર છે. પેટની તૃપ્તિ માટે અનાજનો ખોરાક જ જોઇએ. એ ભૂખ પૈસાથી સંતોષાતી નથી. છતાં લોકો પૈસાની ભૂખ અનુભવે છે. કેવી વરવી વિચિત્રતા છે. પૈસો જોઇએ, પણ જરૂરિયાત પૂરતો મળે ત્યાં બસ છે. પછી જરૂર વગરનો પૈસો ભેગો કરવો કે લૂંટ ચલાવવી એ જ જીવન ન હોવું જોઇએ. જીવનની સાચી ભૂખ તૃપ્તિના અનુભવમાં છે. જીવનનો ખરો આનંદ સંતોષમાં સમાયેલો છે. એ ભૂલવું ન જોઇએ.

Most Popular

To Top