Editorial

યુ.કે. સાથેનો વેપાર કરાર લાંબા ગાળા માટે ખૂબ લાભદાયક પુરવાર થઇ શકે

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ હાલ મોકૂફ રાખ્યા છે અને આ મોકૂફીના સમયગાળા દરમ્યાન અમેરિકા સાથે ભારતનો એક વચગાળાનો વેપાર કરાર થઇ શકે છે તેવી ચર્ચાઓ વચ્ચે  આંતરરાષ્ટ્રીય વેપારને લગતી એક મહત્વની ઘટના બની ગઇ છે અને તે એ કે લાંબા સમયથી જે ઘોંચમાં પડ્યા કરતો હતો તે બ્રિટન અને ભારત વચ્ચેનો વેપાર કરાર થઇ ગયો છે. બંને દેશો  વચ્ચેનો વેપાર ૨૦૩૦ સુધીમાં બમણો કરીને ૧૨૦ અબજ ડોલરનો કરવાનો આ કરારનો હેતુ છે.

ભારત અને યુકે વચ્ચે આ જે  સીમાચિન્હરૂપ વેપાર કરાર થયો છે તે શ્રમને પોત્સાહન આપે  તેવી વસ્તુઓ જેમ કે લેધર, પગરખા અને વસ્ત્રોની નિકાસ પરના વેરાઓ દૂર કરશે, જ્યારે બ્રિટનથી આયાત થતી વ્હીસ્કી અને મોટરકારો સસ્તી  થશે. આ વેપાર કરારથી બંને દેશો વચ્ચેનો  દ્વિપક્ષી વેપાર ખૂબ વધવાની આશા છે, સાથે જ જે વસ્તુઓ બંને દેશોમાં બને છે તે વસ્તુઓની બાબતમાં ખાસ કરીને ભારતે પોતાની વસ્તુઓની સ્પર્ધાક્ષમ બનાવવી પડશે તે પણ એક  વાસ્તવિકતા છે, અને જો ભારતીય ઉત્પાદકો આમાં સફળ રહેશે તો લાંબા ગાળા માટે તેમાં ઘણો ફાયદો જ છે.

આ કરાર અંગે ત્રણ વર્ષ સુધી વાટાઘાટો શરૂ અને બંધ થતી રહી તે પછી વિશ્વના આ પાંચમા અને છઠ્ઠા ક્રમના અર્થતંત્રો વચ્ચે વેપાર કરાર સંપન્ન થયો છે. આ કરાર યુકે બજારમાં ૯૯ ટકા  ભારતીય માલ પરના ટેરિફને શૂન્ય કરે છે, જ્યારે ભારતીય કામદારોને બ્રિટનની પોઈન્ટ-આધારિત ઇમિગ્રેશન સિસ્ટમમાં ફેરફાર કર્યા વિના કામ માટે યુકે જવાની મંજૂરી આપે છે. યુકેમાંથી વ્હિસ્કી અને જિનની આયાત પર આ સંધિ દ્વારા શરૂઆતમાં ટેરિફ અડધો  કરીને ૭૫ ટકા અને ૧૦મા વર્ષ સુધીમાં ૪૦ ટકા કરવામાં આવશે. ઓટો વાહનો પરની આયાત પરના ટેરિફ બંને બાજુના ક્વોટા હેઠળ ૧૦૦ ટકાથી વધુ પરથી ઘટીને ૧૦ ટકા થશે, જેનો  ફાયદો ટાટા-જેએલઆર જેવી કંપનીઓને થશે. ભારતીય સસ્તા વાહનો બ્રિટનમાં વધુ વેચાઇ શકે તેવી આશા છે.

યુકેના વડા પ્રધાન કીર સ્ટાર્મરે આ કરારને સીમાચિહ્નરૂપ ગણાવ્યો જે બંને દેશોમાં કામ કરતા લોકો અને વ્યવસાયોને વધુ સારી સ્થિતિમાં મૂકશે. આ કરારને એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ  ગણાવતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મહત્વાકાંક્ષી અને પરસ્પર ફાયદાકારક મુક્ત વેપાર કરાર આપણી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે. બંને દેશોના વડાપ્રધાનો આ  વેપાર કરારને વખાણે તે સ્વાભાવિક છે પરંતુ નિષ્ણાત અભિપ્રાય પણ છે કે આ વેપાર કરાર બંને દેશો માટે લાભદાયી પુરવાર  થઇ શકે છે.

આ વેપાર કરાર ઉપરાંત ભારત અને યુકે વચ્ચે ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન થયું છે. આ સંધિની જોગવાઇ મુજબ હવે જે ભારતીય કામદારો હંગામી ધોરણે યુકે જાય છે તેમણે ત્યાંની સામાજીક સુરક્ષાની યોજનાઓમાં  ફાળો નહીં આપવો  પડે, તેમના નોકરીદાતાઓએ પણ તેમના વતી પોતાનો હિસ્સો નહીં આપવો પડે તેથી નોકરીદાતાઓના નાણા પણ બચી શકશે અને હંગામી ધોરણે ગયેલા કામદારોના  હાથમાં વધુ રકમ આવશે. માત્ર ત્રણેક વર્ષના કોન્ટ્રાક્ટ પર કામ કરવા ગયેલા કામદાર કે વ્યવસાયિકનો હેતુ સ્વભાવિક રીતે આ બે વર્ષમાં ત્યાંના હિસાબે ચુકવાતા સારા પગારની કમાણી કરી લઇને પાછા ફરવાનો હોય છે.

આટલા ટૂંકા ગાળા માટે પીએફ જેવી યોજનાઓ માટે નાણા કપાવવાનો કોઇ ખાસ અર્થ રહેતો નથી આથી આવા ટૂંકા ગાળાના કામદારો માટે આ સંધિ ખૂબ મહત્વની પુરવાર થઇ શકે છે. જો કે આ વેપાર કરાર અને બેવડા ફાળાના નિવારણની સંધિ ઉપરાંત દ્વિપક્ષી રોકાણ સંધિ પણ બંને દેશો વચ્ચે થનાર હતી પણ તે થઇ શકી નથી. વિચારણા એવી હતી કે વેપાર કરાર, ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન અને એકબીજાના દેશમાં રોકાણ કરવાને લગતી દ્વિપક્ષી રોકાણ સંધિ એકસાથે કરવા. પણ આમાંથી પ્રથમ બે સંધિ થઇ શકી છે પરંતુ દ્વિપક્ષી રોકાણ સંધિ પર હજી  મંત્રણાઓ ચાલુ છે. આશા રાખીએ કે તે પણ ટૂંક સમયમાં થઇ જાય. અમેરિકાના ટ્રમ્પના માથાભારે વર્તનથી ભારત અને યુકે સહિત અનેક દેશો પરેશાન થયા છે. હવે અમેરિકા વચગાળાના વેપાર કરારની વાત કરે છે. આ કરાર તો જ્યારે થાય ત્યારે ખરો, પણ હાલ તો યુકે સાથે લાંબા સમયથી અટકેલો આ વેપાર કરાર થઇ ગયો તે આનંદની વાત છે.

Most Popular

To Top