સુરત: ભાગાતળાવ વિસ્તારમાં આવેલી બે ભાઇઓની દુકાનમાંથી જાણભેદુ ચોર શખ્સો રૂપિયા 4.16 લાખની મત્તાની ચોરી કરી ગયા હતા. અઠવાલાઈન્સ પોલીસે ચોરીના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપી સોહેલ પહેલા જ્વેલર્સમાં કામ કરતો હોવાનું તથા બ્યુટી વર્લ્ડમાંથી રસ્તો હોવાનું જાણતો હતો. બંને આરરોપીઓની આર્થિક સ્થિતિ સારી નહી હોવાથી ચોરી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મુગલીસરા આઇપી મિશન સ્કુલની સામે અલ મદીના એપાર્ટમેન્ટમાં રહેતા મુનવ્વર ઇસ્માઇલ મેમણ હાલ ભાગાતળાવ વિસ્તારમાં એનઆર બ્યુટી વર્લ્ડ અને તેમનો ભાઇ રીઝવાનભાઇ બાજુમાં જ એનઆર જ્વલેર્સના નામે વેપાર કરે છે. બંને ભાઇઓની દુકાનમાં ગત શનિ-રવિની રજામાં કોઇ ચોર શખ્સોએ કોઇ જગ્યાએથી પ્રવેશ કર્યો હતો. ચોરે મુનવ્વરની દુકાનમાંથી રોકડા રૂ. 3.87 લાખ તથા રીઝવાનભાઇની દુકાનમાંથી રોકડા રૂ. 29,400 મળી કુલ રૂપિયા 4,16,400ના મત્તાની ચોરી કરી ગયા હતા. સોમવારે સવારે મુનવ્વર મેમણ તથા ભાઇ રીઝવાનભાઇને જાણ થતા તેઓ દુકાને દોડી આવ્યા હતા. બાદમાં અઠવા પોલીસને જાણ કરતા પોલીસ ઇન્સ્પેકટર ડીએસ કોરાટ સહિતનો પોલીસ કાફલો દોડતો થઇ ગયો હતો. પોલીસે હાલ જાણભેદુ ચોર શખ્સો સામે ચોરીની ફરિયાદની નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
અઠવા પોલીસને બાતમી મળી હતી કે, ચોરી કરનાર સોહેલ તથા મોહમદ ચોરીમાં વપરાયેલી મોટર સાયકલ લઇને સગરામપુરા પુતળી પાસે ઉભેલા છે. બાતમીના આધારે પોલીસે મોહમદ સોહેલ ઐયુબ મીઠાવાલા (ઉ.વ .૨૭ રહે.ઘર નં .૦૨ અમન સોસાયટી વિભાગ -૦૨ જીવનજ્યોત સોસાયટી પાછળ ઉધના) તથા મોહમદ અમીનભાઇ બોદલા (ઉ.વ.૨૬ રહે.ઘર નં .૩૩ અમને સોસાયટી વિભાગ -૦૧ જીવનજ્યોત સોસાયટી પાછળ ઉધના) ને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા ૨,૦૬,૦૦૦ મળી આવતા કબજે લેવાયા હતા. હાલ રમજાન માસમાં તેમની પાસે પૈસા નહી હોવાથી આર્થિક સંકડામણ દૂર કરવા માટે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
- આરોપી દુકાન બંધ થયા બાદ ગોડાઉનમાં સંતાયો : આ રીતે ચોરીને અંજામ આપ્યો
પકડાયેલા આરોપીઓની આર્થિક પરીસ્થિતિ સારી નહી હોવાથી એકબીજા સાથે મળી ચોરી કરવાનું નકકી કર્યું હતું. પકડાયેલો આરોપી સોહેલ પોતે એન.આર.જ્વેલર્સમાં નોકરી કરતો હતો. જે દુકાન બંધ હોય તથા એન.આર.બ્યુટી વર્લ્ડ ખુલ્લુ હોય જેમાંથી પણ એન.આર.જ્વેલર્સમાં જવાનો રસ્તો છે. જેથી એન.આર.બ્યુટી વર્લ્ડમાંથી પ્રવેશ કર્યો હતો. અને તે આ બન્ને દુકાનથી માહીતગાર હોવાથી ગોડાઉનમાં સંતાઇ ગયો હતો. દુકાન બંધ થયા પછી આરોપી મોહમદે બહાર આવી મેઇન સ્વીચ બંધ કરી દીધી હતી. બાદમાં સોહેલને જાણ કરતા સોહેલ એન.આર. બ્યુટી વર્લ્ડના કેશ કાઉન્ટરના ટેબલના ખાનામાં રાખેલા રોકડા ૩,૮૭,૦૦૦ તથા એન.આર.વેલર્સના ડ્રોવરમાં રાખેલા રોકડા ૨૯,૪૦૦ મળી કુલ ૪,૧૬,૪૦૦ ની મત્તા ચોરી કરી દુકાનનો એક બંધ દરવાજો ખોલી તેમાંથી કુદી નાસી ગયા હતા.