Comments

જાપાની પરિવારોનું ‘થાલીનોમિક્સ’હાલ પૂરતું તો ડખે ચઢ્યું લાગે છે

જાપાનમાં આ વખતે ડાંગરનો મબલખ પાક થયો છે અને આમ છતાંય ચોખાના બજારભાવ ઐતિહાસિક રીતે ઊંચી સપાટીએ પહોંચ્યા છે કારણ કે જાપાનીઓ ઘરવપરાશ માટે વધુ ને વધુ ચોખા ખરીદી રહ્યા છે. વપરાશકારોનું એવું માનવું છે કે, ચોખાની કિંમતમાં વધારો હજુ પણ આગળ વધશે અને એટલે આટલા ઊંચા ભાવે પણ જાપાનીઝ કુટુંબો એમના ખોરાક માટે વપરાતું આ મુખ્ય ધાન મન મૂકીને ખરીદી રહ્યાં છે. આને કારણે અગાઉના વર્ષની સરખામણીમાં જાન્યુઆરી, ૨૦૨૫માં ચોખાના ભાવમાં ૭૦.૯ ટકા જેટલો વધારો થવા પામ્યો છે એવું જાપાનની આંતરિક બાબતો અંગેના મંત્રાલય દ્વારા ગ્રાહક ભાવાંકના જે આંકડા બહાર મૂકવામાં આવ્યા છે તેના પરથી ફલિત થાય છે.

જાપાનની આંતરિક બાબતોનું મંત્રાલય આ પ્રકારના આંકડા ૧૯૭૧થી બહાર પાડે છે, તેમાં અત્યાર સુધી ચોખાના ભાવમાં થયેલો આ વધારો ઊંચામાં ઊંચો છે. જૂન, ૨૦૨૪ બાદ ચોખાના ભાવની ટકાવારીમાં બે આંકડાનો વધારો થયો છે. નવો પાક બજારમાં આવ્યો ત્યારે પણ એટલે કે ઑક્ટોબર, ૨૦૨૪ બાદ પણ આ ભાવવધારો સાતત્યપૂર્ણ રીતે ચાલુ રહ્યો છે. ઉપલબ્ધ વિગતો એવું દર્શાવે છે કે, બે અથવા વધુ વ્યક્તિઓ ધરાવતાં કુટુંબે જાન્યુઆરી મહિનામાં સરેરાશ ૩.૮ કિ.ગ્રા. ચોખા ખરીદ્યા હતા. જાપાનના આંતરિક બાબતોના મંત્રાલય દ્વારા હાથ ધરાયેલ એક સર્વે મુજબ આ ખરીદી ગયા વર્ષે કુટુંબ દીઠ ૩.૫ કિ.ગ્રા. કરતાં ૭ ટકા વધારે હતી.

દરેક કુટુંબને ૨૦૮૩ યેન (૧૬ અમેરિકન ડૉલર)નો સરેરાશ ખર્ચ ચોખા ખરીદવા માટે થયો હતો, જે જાન્યુઆરી ૨૦૨૪ કરતાં ૭૦ ટકા વધારે હતો. જાપાનમાં ચોખાની નવી ફસલ સપ્ટેમ્બર મહિનામાં બજારમાં આવે છે. નવી ફસલ આવી અને તેના ચોખા બજા૨માં વેચાણ માટે આવ્યા બાદ જાપાની કુટુંબોએ દરેક મહિને અગાઉના વર્ષની સરખામણીમાં વધારે ચોખા ખરીદ્યા હતા. સપ્ટેમ્બર, ૨૦૨૪ અને જાન્યુઆરી, ૨૦૨૫ વચ્ચે જાપાનીઝ કુટુંબની ચોખાની સરેરાશ ખરીદી ૫.૬ કિ.ગ્રા. હતી જે અગાઉના વર્ષે આ જ સમયગાળા દરમિયાન ૫.૨ કિ.ગ્રામ. જેટલી હતી.

જાપાનમાં મોટો ભૂકંપ આવશે એવી ચેતવણી ઑગસ્ટ, ૨૦૨૪માં જારી કરવામાં આવી હતી. જાપાન દ્વારા આ પ્રકારની આગોતરી ચેતવણી જારી કરાયાનો આ પહેલો દાખલો હતો. બરાબર ત્યારથી જ ચોખાની માંગમાં એકદમ વધારો થયો અને દુકાનોમાં ચોખાનો સ્ટોક ખલાસ થવા માંડ્યો. સાથોસાથ કિંમત વધવા માંડી. આપણે જો એવું માનીએ કે વપરાશકારો ચોખાની ખરીદી અને અમુક જથ્થામાં એનો સંગ્રહ ઉનાળા દરમિયાન કરતા હતા તો પછી પાનખર સમયે એટલે કે, સપ્ટેમ્બરમાં જ્યારે ચોખાનો નવો પાક બજારમાં આવે ત્યારે બજારોમાં ચોખાની ખરીદીમાં ઘટાડો નોંધાય પણ જાપાનીઝ કુટુંબોએ ઑક્ટોબર, ૨૦૨૪માં અગાઉના વર્ષના આ જ સમયગાળા દરમિયાન ખરીદી કરતાં ૧૩ ટકા વધારે ચોખા ખરીદ્યા હતા એવું જાપાનના આંતરિક બાબતોના મંત્રાલયના સર્વેનું તારણ છે.

જાપાન ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા જાન્યુઆરી, ૨૦૨૫માં કરવામાં આવેલ એક સર્વેનું મહત્ત્વનું તારણ એ હતું કે, ૬૪.૭ ટકા લોકોએ નવા ચોખાનો પાક બજારમાં આવ્યા બાદ પણ ચોખાની ખરીદી ઘટાડી નહોતી. આ સર્વે દરમિયાન આવરી લેવાયેલ સેમ્પલમાંથી ૧૧.૩ ટકા લોકોએ જણાવ્યું હતું કે, ચોખાની કિંમતમાં આવેલ આ ઉછાળો અસામાન્ય છે અને એને સ્વીકારી શકાય નહીં. દરમિયાનમાં સર્વેમાં ભાગ લેનાર ૪૬.૧ ટકા લોકોનું કહેવું હતું કે, ચોખાના ભાવમાં આ પ્રકારનો આકરો વધારો તેમને સ્વીકાર્ય નથી અને આમ છતાંય તેમની પાસે ઊંચા ભાવે ચોખા ખરીદવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. બીજા ૨૮.૧ ટકાનું કહેવું એવું હતું કે, ચોખાની કિંમતમાં વધારો આકરો હોવા છતાં યોગ્ય છે.

જાપાનની યુત્સે સિક્યોરિટીઝના ચીફ ઇકોનોમિસ્ટ કેન્તારો કોયામા કહે છે કે, ‘લોકો એટલા માટે ચોખા ખરીદી રહ્યા છે, કેમ કે, એમને આશંકા છે કે ભવિષ્યમાં ચોખાના ભાવ આથી પણ વધુ ઉપર જશે.’ ગયા ઉનાળા દરમિયાન ચોખાની જે તંગી ઊભી થઈ તે પણ હાલની ઊંચા ભાવે ચોખાની ખરીદી કરી સ્ટોક કરવા પાછળનું એક કારણ છે. જાન્યુઆરી, ૨૦૨૫માં જાપાનમાં સરેરાશ ફુગાવો ૪ ટકા વધ્યો તેમાં પણ ખાધાખોરાકીની ચીજવસ્તુઓમાં ભાવવધારો ૭.૮ ટકા હતો, જેને કારણે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્ષ ૨.૨ જેટલો ઊંચો જવા પામ્યો હતો. જો કે ચોખાના ભાવવધારા સાથોસાથ બ્રેડ અને નુડલ્સના ભાવમાં કોઈ વધારો થયો નથી એ જાપાનીઝ કુટુંબો માટે રાહતની વાત છે.

આ સામે જાપાન દ્વારા ખાદ્યપદાર્થોની કરવામાં આવતી આયાતની કિંમત ૨૦૧૦ની સરખામણીમાં બમણી થઈ ગઈ છે જેનું એક કારણ જાપાનીઝ ચલણ યેન નબળો પડ્યો છે તેમજ અન્ય દેશોની સ્પર્ધાને કારણે ખાદ્ય પદાર્થોના ભાવ વધ્યા છે. જાપાન છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન સતત ૬૭ અબજ ડૉલર જેટલા ખાદ્ય પદાર્થોની આયાત કરી રહ્યું છે, જેમાં માંસ સમેત ખેત ઉત્પાદનોની આયાતમાં અગાઉના વર્ષની સરખામણીમાં પાંચ ટકા વધારો થયો છે, જ્યારે સી ફુડની આયાત બે ટકા વધી છે એવું જાપાનનું કૃષિ, વન તેમજ મત્સ્યોદ્યોગ વિભાગ જણાવે છે.

આમ જાપાનમાં ૨૦૧૦ની સરખામણીમાં આજે ૧૫ વર્ષ બાદ આયાતનું સ્તર કિંમતની દૃષ્ટિએ બમણું થયું છે. જાપાનની જેમ ભારતમાં પણ ફુગાવાજન્ય પરિસ્થિતિ ઊભી થાય તેવા સંયોગોનું નિર્માણ થઈ ચૂક્યું છે, ત્યારે ગરીબ તેમજ મધ્યમ વર્ગના કુલ ખર્ચમાં ખાધાખોરાકી અને દવાઓનો ખર્ચ લગભગ ૬૦ ટકા જેટલો થવા જાય છે. હજુ સુધી ભારતમાં કૃષિ ઉત્પાદનોના ભાવ એટલે કે, ઘઉં, ચોખા, બાજરી, મકાઈના ભાવ જાપાનની માફક સતત વધી રહ્યા નથી એટલે ફુગાવાનો માર હજુ સુધી પાયાની જરૂરિયાત એટલે કે ખાદ્ય પદાર્થો અને દવાઓના કિસ્સામાં ગરીબ અને મધ્યમ વર્ગને વેઠવાનો આવ્યો નથી. આ ઉપરાંત પાંચ કિલો મફત અનાજનાં લાભાર્થીઓ કુલ વસતિના લગભગ ૬૦ ટકા જેટલા છે તે પણ ઓછી આવક ધરાવતા વર્ગ માટે એક મોટી રાહત છે.

જાપાનમાં મહાધરતીકંપ આવવાની આગાહીને પગલે બફર સ્ટોક ઊભો કરવા માટે પણ જાપાનીઝ કુટુંબો દ્વારા ચોખાની ખરીદી વધારાઈ હોય એ શક્યતાઓ નકારી શકાય નહીં. જાપાનની આયાતો મુખ્યત્વે ફળો, માંસ, સી ફુડ અને બીટ, એટલે કે લાંબો સમય સંગ્રહી ન શકાય એ પ્રકારના માલસામાન હોઈ એની ખરીદી સ્ટોપ કરાઈ હોવાનું જણાતું નથી પણ યેન નબળો પડે છે એટલે આયાતી માલ પણ મોંઘો પડવાનો. આમ એક બાજુ ચોખાનો નવો પાક બજારમાં આવ્યો છે છતાં પણ એના ભાવ દબાયા નથી અને બીજી બાજુ આયાતી ખાદ્યપદાર્થોના ભાવ વૈશ્વિક સ્પર્ધા તેમજ નબળા યેનને કારણે ઊંચા રહેશે એ જોતાં જાપાની પરિવારોનું ‘થાલીનોમિક્સ’ હાલ પૂરતું તો ડખે ચઢ્યું હોય તેવું લાગે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top