ગાંધીનગર : ગુજરાત એટીએસ અને બનાસકાંઠા એસઓજીએ એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પાકિસ્તાની ગેંગસ્ટર સહેજાદ ભટ્ટી ગેંગના સક્રિય સભ્ય અને પંજાબના ગ્રેનેડ સ્મગલિંગ કેસમાં વોન્ટેડ આરોપી બિક્રમજીતસિંઘ ઉર્ફે વિક્કીની ડીસા ખાતેથી ધરપકડ કરી છે.
પંજાબ પોલીસ દ્વારા શેર કરવામાં આવેલી બાતમીના આધારે ગુજરાત એટીએસના એસપી કે સિદ્ધાર્થ તથા નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાય અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી બિક્રમજીતસિંઘ અમૃતસરનો રહેવાસી છે અને ધરપકડથી બચવા માટે ડીસાના એક ઢાબામાં છૂટક મજૂરી કામ કરી રહ્યો હતો. એટીએસ અને બનાસકાંઠા એસઓજીની ટીમે વોચ ગોઠવીને તેને ઝડપી પાડ્યો હતો.
આ આરોપી વિરુદ્ધ પંજાબના અમૃતસર ખાતે સ્પેશિયલ ઓપરેશનલ સેલ (SSOC)માં તારીખ ૦૩/૦૪/૨૦૨૬ના રોજ ભારતીય ન્યાય સંહિતા (BNS), વિસ્ફોટક પદાર્થ અધિનિયમ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુજરાત એટીએસ દ્વારા આ ધરપકડ અંગે પંજાબ પોલીસને જાણ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી માટે આરોપીને પંજાબ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી બહાર આવેલી વિગતો
- મુખ્ય ભૂમિકા: આરોપી બિક્રમજીતસિંઘ પાકિસ્તાની ગેંગસ્ટર સહેજાદ ભટ્ટી અને આબિદ જટ્ટ સાથે મળીને ભારતમાં ગ્રેનેડ સપ્લાય કરવાનું અને સુરક્ષા એજન્સીઓના એકમો પર હુમલા કરવાનું કામ કરતો હતો.
- નેટવર્ક: તે પંજાબથી દૂર રહીને સહેજાદ ભટ્ટી માટે સ્થાનિક યુવકોને ગેંગમાં જોડતો અને પોલીસ સ્ટેશન કે સુરક્ષા દળો પર હુમલાના કાવતરાં ઘડતો હતો.
- ISI એજન્ટ: સહેજાદ ભટ્ટી પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી ISI માટે કામ કરતો ગેંગસ્ટર છે, જે ભારતના પંજાબ રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવે છે.