SURAT

સુરત ના ભેસ્તાનમાં રખડતા શ્વાનનો આતંક

રમતા બાળક પર હુમલો, 4 વર્ષના માસૂમનો ગાલ ગંભીર રીતે ઘાયલ

સુરત શહેરમાં રખડતા શ્વાનોની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં લોકો અને ખાસ કરીને નાના બાળકો માટે આ સમસ્યા ચિંતાનો વિષય બની છે. તાજેતરમાં ભેસ્તાન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ઘર નજીક રમતા ચાર વર્ષના બાળક પર શ્વાને અચાનક હુમલો કરતા વિસ્તારમાં ભય અને ચિંતા ફેલાઈ ગઈ છે.

ભેસ્તાનના ગણેશનગર વિસ્તારમાં રહેતો ચાર વર્ષનો અંશ કુમાર નામનો બાળક પોતાના ઘર પાસે રમતો હતો. એ દરમિયાન અચાનક એક રખડતો શ્વાન ત્યાં આવી પહોંચ્યો અને બાળક પર હુમલો કરી દીધો. બાળકને કઈ સમજ પડે તે પહેલા જ શ્વાને તેના ચહેરા પર બચકાં ભર્યા. ગાલના ભાગે ગંભીર ઇજા થતાં બાળક રડવા લાગ્યો જે બાદ તેનો અવાજ સાંભળતા જ તેના પરિવારજનો અને આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા. મહા મહેનત બાદ બાળકને શ્વાનના ચંગુલમાંથી મુક્ત કરવવામાં સફળતા મળી હતી. ઘટનાથી પરિવાર અને સ્થાનિક લોકોમાં ભારે દહેશતનો માહોલ સર્જાયો હતો.

બાળકની સ્થિતિ ગંભીર જણાતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ તબીબો દ્વારા બાળકના ચહેરા પર થયેલી ગંભીર ઇજાઓની સારવાર કરવામાં આવી રહી છે.

બાળકના માતા-પિતાએ જણાવ્યું કે તેમના વિસ્તારમાં લગભગ દસથી બાર જેટલા રખડતા શ્વાનો સતત ફરી રહ્યા છે, જેના કારણે બાળકો અને રહેવાસીઓ માટે બહાર નીકળવું પણ જોખમરૂપ બન્યું છે. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે મહાનગરપાલિકા દ્વારા શ્વાનોને પકડવા અને નિયંત્રણમાં લેવા અંગે દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં જમીન પર પરિસ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળતો નથી. વારંવાર આવી ઘટનાઓ બનતા હવે લોકો તંત્ર પાસેથી કડક અને અસરકારક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

Most Popular

To Top