Sports

ભારતીય હોકી ટીમનું સ્વદેશમાં આગમન, બ્રોન્સ વિજેતાઓનું ‘હટકે’ સ્વાગત થયું

નવી દિલ્હી: પેરિસ ઓલિમ્પિક 2024માં (Paris Olympics 2024) ભારતીય હોકી ટીમે સ્પેનને હરાવીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરી લીધો છે. ત્યારે આ પહેલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક 2020માં પણ બ્રોન્ઝ મેડલ (Bronze medal) જીત્યો હતો. આ સાથે જ વર્તમાન ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેમજ ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને 52 વર્ષ બાદ ઓલિમ્પિકમાં હરાવ્યું હતું.

ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશની આ છેલ્લી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ હતી અને હોકી ટીમે તેના શ્રેષ્ઠ ખેલાડીને શ્રેષ્ઠ વિદાય આપી હતી. ત્યારે સતત બે ઓલિમ્પિકમાં હોકી ટીમની સફળતાથી દરેક ભારતીય ખુશ છે. હવે હોકી ટીમ ભારત પરત ફરી છે ત્યારે તેમનું સ્વદેશમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે. ત્યારે વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને અન્ય ખેલાડીઓ દિલ્હી એરપોર્ટથી બહાર આવી રહ્યા છે અને તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ બેકગ્રાઉન્ડમાં ડ્રમનો અવાજ સંભળાઈ રહ્યો છે. ત્યારે દરેક ટીમ મેમ્બર ખૂબ ખુશ દેખાય રહ્યા છે અને ખુશીથી ઝૂમી પણ રહ્યા છે.

ભારતીય હોકી ખેલાડીઓએ એરપોર્ટની બહાર અવતા જ પોતાના બ્રોન્ઝ મેડલ સાથે ફોટા પણ પડાવ્યા હતા, તો ઘણા ખેલાડીઓ ડ્રમના અવાજ પર ડાન્સ કરતા પણ જોવા મળ્યા હતા. ત્યારે કહી શકાય કે ખેલાડીઓની ખુશીનો કોઇ પાર જ ન હતો જેથી તેમણે ડાન્સ મૂવ્સ દ્વારા ઓલિમ્પિકમાં તેમનીસફળતાની ઉજવણી કરી હતી.

ઉજવણી દરમિયાન હોકી ઈન્ડિયાના સચિવ ભોલાનાથ સિંહે કહ્યું હતું કે તેઓ (પીઆર શ્રીજેશ) ઓલિમ્પિકના સમાપન સમારોહમાં ભારતના ધ્વજને ધારણ કરવા માટે લાયક હતા. જો ભારત સરકાર અને ભારતીય ઓલિમ્પિક સમિતિએ તેમને આ તક આપી છે, તો હોકી ઈન્ડિયા તેમનો આભાર માને છે. સતત મેડલ જીતવું એ મોટી સિદ્ધિ છે, પરંતુ અમારું લક્ષ્ય ફાઈનલ રમવાનું હતું. અમિત રોહિદાસને બહાર બેસવાની રેફરીની ભૂલ અમને મોંઘી પડી અને તેથી જ અમે બ્રોન્ઝ સાથે અહીં આવ્યા છીએ. નહીંતર મેડલનો રંગ અલગ હોત.

ભારતે સ્પેનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો
બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં ભારતીય હોકી ટીમે સ્પેનિશ ટીમને 2-1થી હરાવ્યું હતું. ત્યારે ભારતે 32 વર્ષ બાદ ઓલિમ્પિકમાં સતત બે મેડલ જીત્યા છે. આ પહેલા ટીમ ઈન્ડિયા 1968 મેક્સિકો સિટી ઓલિમ્પિક અને 1972 મ્યુનિક ઓલિમ્પિકમાં સતત બે બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે. હવે ભારતીય ટીમના સુપરસ્ટાર ગોલકીપર પીઆર શ્રીજેશ પેરિસ ઓલિમ્પિક 2024ના સમાપન સમારોહ માટે ભારતના ધ્વજ વાહકની ભૂમિકા ભજવશે.

Most Popular

To Top