Editorial

૨૩મા કાયદા પંચ માટે સમાન નાગરિક ધારા અંગે અહેવાલ તૈયાર કરવાનું કામ પડકારરૂપ હશે

હાલમાં સરકારે ૨૩મા કાયદા પંચની રચનાની જાહેરાત કરી છે, આ નવા કાયદા પંચની મુદ્દત ત્રણ વર્ષના સમયગાળાની રહેશે જેમાં તેના અધ્યક્ષ અને સભ્યો તરીકે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટોના સેવારત જજોની નિમણૂક કરવાની જોગવાઇ રાખવામાં આવી છે. કાયદા પંચનું કાર્ય સરકારને કાયદાકીય બાબતોમાં, ખાસ કરીને ગુંચવાડાભર્યા કાનૂની મુદ્દાઓમાં સલાહ આપવાનું હોય છે. તે કાનૂની બાબતોમાં તેને સોંપવામાં આવેલ મુદ્દાઓ પર અહેવાલ તૈયાર કરીને સરકારને સુપ્રત કરે છે.

આમ તો આજ પહેલા બાવીસ કાયદા પંચો રચાઇ ગયા છે પણ હાલમાં રચાયેલ નવા કાયદા પંચ સમક્ષ કેટલીક મહત્વની જવાબદારીઓ ઉભી છે. આ પંચે સમાન નાગરિક ધારો, ગરીબોને અસર કરતા કાયદાઓ પર વિચારણા કરવાની અને લૈંગીક સમાનતાને વેગ આપવા માટે વર્તમાન કાનૂની જોગવાઇઓ તપાસવાની છે. આ ઉપરાંત તેણે ૨૨મા કાયદા પંચે તૈયાર કરેલ દેશમાં એક સાથે ચૂંટણીઓ યોજવા અંગેનો અહેવાલ પણ કાયદા મંત્રાલયને રજૂ કરવાનો છે. ૨૩મા કાયદા પંચ સમક્ષ સમાન નાગરિક ધારા અંગેનો અહેવાલ તૈયાર કરવાની કામગીરી સૌથી પડકારરૂપ બની રહેશે કારણ કે આપણા વિવિધ ધર્મો અને સમુદાયો ધરાવતા દેશમાં આ એક અત્યંત સંવેદનશીલ મુદ્દો છે.

દેશમાં એક સાથે ચૂંટણીઓ યોજવાનો મુદ્દો પણ ઠીક ઠીક વિવાદી છે. અનેક રાજકીય પક્ષોનો તેની સામે વિરોધ છે. જો કે આમાં સામાન્ય પ્રજાને બહુ રસ જણાતો નથી પરંતુ રાજકીય પક્ષો માટે આ મહત્વનો મુદ્દો છે. સરકારે આ મુદ્દા પર વિચારણા કરવા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદના વડપણ હેઠળ એક સમિતિની પણ રચના કરી હતી અને કાયદા પંચને પણ આ મુદ્દો તપાસવા માટે સોંપ્યો હતો. બાવીસમા કાયદા પંચે આ બાબતે પોતાનો અહેવાલ તો તૈયાર કરી નાખ્યો હતો પરંતુ હજી તે સરકારને રજૂ કરવામાં આવ્યો નથી. હવે નવા કાયદા પંચે જ આ અહેવાલ સરકારને રજૂ કરવાની કામગીરી બજાવવી પડશે.

આપણે અગાઉ જોયું તેમ કાયદા પંચ એ સરકારને ગુંચવાડાભર્યા કાનૂની મુદ્દાઓમાં સલાહ આપે છે. એકવાર તેની રચના થઇ જાય, તે પછી સરકાર તેના વડા અને સભ્યોની નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ કરે છે. બાવીસમા કાયદા પંચની ટર્મ ૩૧ ઓગસ્ટના રોજ સમાપ્ત થઇ હતી અને નવા પંચની રચના ૧ સપ્ટેમ્બરથી અસરમાં આવે તે રીતે કરવામાં આવી છે એ મુજબ કાયદા મંત્રાલયે સોમવારે મોડેથી જાહેર કર્યું હતું. ૨૧મા અને ૨૨મા કાયદા પંચોની રચના માટેની જાહેરાત અનુક્રમે સપ્ટેમ્બર ૨૦૧પ અને ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ કરવામાં આવી હતી.

તેમાં પણ સુપ્રીમ અને હાઇકોર્ટોના સર્વિંગ જજોની નિમણૂક અધ્યક્ષ અને સભ્યો તરીકે કરવાની જોગવાઇ હતી પણ તાજેતરના ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટના નિવૃત જજો અને હાઇકોર્ટોના ભૂતપૂર્વ જજોએ જ આ પંચનું વડપણ સંભાળ્યું છે. હવે નવા કાયદા પંચમાં સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટોના સર્વિંગ જજોની નિમણૂક કરવામાં આવે કે નહીં તે જોવાનું રહે છે. દેશમાં એકસાથે ચૂંટણી યોજવા અંગે ૨૨મા કાયદા પંચનો અહેવાલ તૈયાર છે પરંતુ કાયદા મંત્રાલયને રજૂ કરવામાં આવ્યો નથી તે બાબતે પ્રક્રિયા અંગે વાકેફ સૂત્રોના જણાવ્યા પ્રમાણે અધ્યક્ષની ગેરહાજરીમાં પંચ કોઇ અહેવાલ રજૂ કરી શકતું નથી. બાવીસમા કાયદા પંચના અધ્યક્ષ જસ્ટિસ(નિવૃત) રીતુ રાજ અવસ્થીની નિમણૂક કેટલાક મહિના પહેલા લોકપાલમાં થઇ જતા આ કાયદા પંચ ત્યારથી અધ્યક્ષ વગરનું જ હતુ઼ં.

હવે નવા પંચમાં અધ્યક્ષની નિમણૂક બાદ આ અહેવાલ રજૂ કરવામાં આવશે. હાલના આદેશ મુજબ કાયદા પંચમાં એક પૂર્ણ સમયના અધ્યક્ષ અને મેમ્બર સેક્રેટરી સહિત ચાર પૂર્ણ સમયના સભ્યો હશે. ઓર્ડરમાં જણાવ્યા મુજબ જેઓ સુપ્રીમ કોર્ટ/ હાઇકોર્ટોના સર્વિંગ જજો હોય તેઓ સુપ્રીમ કોર્ટ/ હાઇકોર્ટોમાંથી તેમની નિવૃતીની તારીખ સુધી કે પંચની મુદ્દત પુરી થવા સુધી, જે વહેલુ હોય ત્યાં સુધી પંચમાં પૂર્ણ સમયની કામગીરી કરી શકશે. પંચમાં તેમણે કરેલી કામગીરીને ખરેખરી સેવા તરીકે જ ગણવામાં આવશે. કાયદા વિભાગના સચિવ અને ધારાકીય વિભાગના સચિવ તેમના હોદ્દાની રૂએ આ પંચના સભ્ય હશે એમ આદેશમાં જણાવાયું છે.

૨૩મા કાયદા પંચે તેના ત્રણ વર્ષના કાર્યકાળમાં કદાચ અનેક મુદ્દે અહેવાલો તૈયાર કરવા પડી શકે છે પરંતુ અગાઉ ચર્ચા થઇ તે મુજબ સમાન નાગરિક ધારા કે યુનિફોર્મ સિવિલ કોડ અંગે અહેવાલ તૈયાર કરવાની કામગીરી તેના માટે પડકારરૂપ હશે. આપણા દેશમાં જુદા જુદા સમુદાયો માટે મોટે ભાગે તેમના ધર્મના આધારે નાગરિક ધારાઓ છે. સમાન નાગરિક ધારા સામે અનેક સમાજોનો વિરોધ છે, તેમાં દેશની સૌથી મોટી લઘુમતિ એવા મુસ્લિક સમાજનો સૌથી ઉગ્ર વિરોધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં સ્વાતંત્ર્ય દિનના સંબોધનમાં યુનિફોર્મ સિવિલ કોડને બદલે સેક્યુલર સિવિલ કોડ શબ્દનો ઉપયોગ કર્યો છે. જો કે આ બાબત સાથે તમામ સમુદાયો સહમત થશે કે કેમ? તે એક વિકટ પ્રશ્ન જ છે. અને તેથી જ સમાન નાગરિક ધારા અંગે અહેવાલ તૈયાર કરવાનું કામ કાયદા પંચ માટે કંઇક કઠણ બની રહેશે.

Most Popular

To Top