Editorial

દેશમાં સુપ્રીમ કોણ તે સુપ્રીમ કોર્ટે નક્કી કરવું જોઈએ

ચૂંટણી પંચમાં નિમણૂકને લઈને કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ સામસામે આવી ગયાં છે! તાજેતરમાં ચૂંટણી પંચમાં પૂર્વ સરકારી બાબુ અરુણ ગોયલની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક સામે સવાલ ઉભા થયા છે. સુપ્રીમ કોર્ટે એવી ટીપ્પણી કરી છે કે – દરેક સરકાર એવી વ્યક્તિની નિયુક્તિ મુખ્ય ચૂંટણી કમિશનરના પદ પર કેમ કરે છે, જે માત્ર કહ્યાગરી હોય!? ચૂંટણી પંચની કામગીરીમાં પારદર્શિતાને લઈને વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓમાં માગ કરવામાં આવી હતી કે ચૂંટણી કમિશનર (EC) અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC)ની નિમણૂક માટે કોલેજિયમ જેવી સિસ્ટમ અપનાવવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ તમામ અરજીઓને ક્લબ કરી અને તેને પાંચ જજની બંધારણીય બેંચને મોકલી હતી. આ અરજી પર હાલ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એવું પણ કહી દીધું હતું કે – દેશને અત્યારે ટીએન શેષન જેવા મુખ્ય ચૂંટણી કમિશનરની જરૂર છે.

તાજેતરમાં અરુણ ગોયલની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવાના કેન્દ્રના નિર્ણય સામે વાંધો ઉઠાવતા સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે એવું પૂછ્યું છે કે – તેમણે સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધાના ત્રણ દિવસ પછી જ ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કેમ કરવામાં આવી? ખંડપીઠે સરકારને ગોયલની નિમણૂક સંબંધિત ફાઇલો રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. જસ્ટિસ કેએમ જોસેફની આગેવાની હેઠળની બંધારણીય બેંચે બુધવારે કહ્યું હતું કે સરકારે એવા સમયે નિમણૂકો ન કરવી વધુ સારું રહેશે, જ્યારે ત્રણ સભ્યોના ચૂંટણી પંચ માટે સ્વતંત્ર નિમણૂક તંત્રની માગ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે – 21 નવેમ્બરે નવા ચૂંટણી કમિશનર તરીકે કાર્યભાર સંભાળતા પહેલા અરુણ ગોયલ સરકારના ભારે ઉદ્યોગ મંત્રાલયના સચિવ હતા. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જોસેફે એવી પણ ટિપ્પણી કરી હતી કે – સામાન્ય રીતે કર્મચારીને સ્વૈચ્છિક નિવૃત્તિ માટે ત્રણ મહિનાની નોટિસ આપવી પડે છે.

આ અરજીઓ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને લઈને સરકાર સમક્ષ ગંભીર સવાલો ઉઠાવ્યાં છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચમાં જસ્ટિસ અજય રસ્તોગી, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ, જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ સીટી રવિકુમારનો સમાવેશ થાય છે, જ્યારે જસ્ટિસ કેએમ જોસેફ આ બેંચની અધ્યક્ષતા કરી રહ્યા છે. બુધવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની બેન્ચે નવા ચૂંટણી કમિશનર અરુણ ગોયલની નિમણૂક પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કેન્દ્ર સરકાર પાસે તેમની નિમણૂકની ફાઇલ માગી હતી. કોર્ટે એવું કહ્યું, સુનાવણી શરૂ થયાના ત્રણ દિવસની અંદર, નિમણૂક કરવામાં આવી હતી. અમે જાણવા માગીએ છીએ કે નિમણૂકના મામલામાં શું પ્રક્રિયા અનુસરવામાં આવે છે. જો તે નિયમો અનુસાર કરવામાં આવી હોય તો પછી ફાઈલ આપવામાં વાંધો શું છે? કોર્ટે કહ્યું કે, જ્યારે સુનાવણી ચાલી રહી હતી ત્યારે નિમણૂક ન થઈ હોત તો સારું થાત.

ભારતીય વહીવટી સેવાના ભૂતપૂર્વ અધિકારી અરુણ ગોયલે સોમવારે ચૂંટણી કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પહેલા તેઓ શનિવારે ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત થયા હતા. ગોયલ આ વર્ષે 31 ડિસેમ્બરે 60 વર્ષની વયે નિવૃત્ત થવાના હતા. એ પહેલા તેમની ચૂંટણી કમિશનર તરીકે નિયુક્તિના ત્રણ દિવસ પૂર્વે જ સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ લીધી હતી. પરિણામે સરકારના આ નિર્ણય સામે શંકાના વાદળો ઘેરાયાં છે.

બુધવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ આકરાં પાણીએ હતી અને ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે સરકારને ઉદાહરણ સાથે એવું પૂછ્યું હતું કે – શું ક્યારેય કોઈ પીએમ સામે આરોપ લાગ્યા હતા ત્યારે કોઈ સીઈસીએ કાર્યવાહી કરી હતી? જસ્ટિસ કેએમ જોસેફે કહ્યું, માની લો કે પ્રધાનમંત્રી સામે આરોપ લાગ્યા છે અને સીઈસીએ કાર્યવાહી કરવાની છે, પણ સીઈસી કમજોર ઘૂંટણવાળા છે અને કાર્યવાહી નથી કરી શકતા, તો શું આ સિસ્ટમનું પૂર્ણ રીતે ‘બ્રેકડાઉન’ નથી? સીઈસી રાજકીય પ્રભાવથી અળગા હોવાનું માનવામાં આવે છે અને તે સ્વતંત્ર હોવા જોઈએ. સુપ્રીમ કોર્ટે સરકારને ચેતવીને કહ્યું, આ એવા પાસાઓ છે, જેના પર તમારે (સરકારે) કાળજી લેવી જોઈએ. ખંડપીઠે સરકારને કહ્યું, તમે અમને ચૂંટણી કમિશનરની નિમણૂકની સમગ્ર પ્રક્રિયા સમજાવો. તાજેતરમાં તમે કમિશનરની નિમણૂક કરી છે. તમે તેને કઈ પ્રક્રિયા દ્વારા નિયુક્ત કર્યા છે?

અલબત્ત, અરજીઓની સુનાવણી દરમિયાન પણ સુપ્રીમ કોર્ટનું વલણ ખૂબ જ કડક હતું. સુપ્રીમ કોર્ટે એક સમયે તો એવું કહી દીધું હતું કે – દેશને આ સમયે ટીએન શેષન જેવા મુખ્ય ચૂંટણી કમિશનરની જરૂર છે. કોર્ટે એવું પણ નોંધ્યું કે – જમીનની સ્થિતિ અત્યારે એકદમ જુદી છે. અત્યાર સુધી ઘણા સીઈસી બની ચૂક્યા છે, પરંતુ ટીએન શેષન જેવા ભાગ્યે જ બને છે. અમે નથી ઈચ્છતા કે કોઈ આ સિસ્ટમને ઘ્વસ્ત કરે. ત્રણ લોકો (CEC અને બે ચૂંટણી કમિશનર)ના નાજુક ખભા પર મહાન શક્તિ રહેલી છે. આપણે સીઈસીના પદ માટે શ્રેષ્ઠ વ્યક્તિ શોધવાની છે.

સુપ્રીમ કોર્ટે જે ટીએન શેષનનો ઉલ્લેખ કર્યો એને કદાચ આજનું નવું જનરેશન નહીં ઓળખતું હોય. ટીએન શેષન પણ કેબિનેટ સચિવ હતા અને ડિસેમ્બર 1990માં મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા હતા. તે સમયે તેઓ આયોજન પંચના સભ્ય હતા, જેને હવે નીતિ આયોગ કહેવામાં આવે છે. વડાપ્રધાન ચંદ્રશેખરે તેમને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવ્યા હતા. શેષન 1990 થી 1996 સુધી સમગ્ર છ વર્ષ માટે મુખ્ય ચૂંટણી કમિશનર હતા. શેષનને એટલે યાદ કરવામાં આવે છે કારણ કે તેઓ ચૂંટણી પંચમાં ઘણા ઐતિહાસિક સુધારા માટે જાણીતા છે.

Most Popular

To Top