નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે(Supreme Court) ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા(Vijay malya)ને અવગણનાના કેસમાં 4 મહિનાની સજા(sentence) સંભળાવી છે. કોર્ટે માલ્યા પર 2000 રૂપિયાનો દંડ(Fine) પણ લગાવ્યો છે. જો વિજય માલ્યા દંડ ભરવામાં નિષ્ફળ રહેશે તો સજામાં બે મહિનાનો વધારો કરાશે. એટલું જ નહીં, કોર્ટે વિજય માલ્યા પાસેથી વિદેશ(Abroad)માં ટ્રાન્સફર કરાયેલા 40 મિલિયન ડોલર 4 અઠવાડિયામાં ચૂકવવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ યુ યુ લલિત, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બનેલી 3 જજોની બેન્ચે આ નિર્ણય આપ્યો હતો.
- 10 માર્ચે કોર્ટે માલ્યાની સજા પર નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો
- અવગણનાના કેસમાં ત્રણ જજોની બેન્ચે ચુકાદો આપ્યો
- કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને તેના બાળકોને 40 મિલિયન ડોલર ટ્રાન્સફર કર્યા હતા
કોર્ટના આદેશ છતાં બાકી રકમ ન ચૂકવવા બદલ વિજય માલ્યા વિરુદ્ધ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ અરજી દાખલ કરી હતી. કોર્ટે 10 માર્ચે માલ્યાની સજા પર ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે પાંચ વર્ષ પહેલા 9 મે, 2017ના રોજ વિજય માલ્યા સામે કોર્ટના આદેશની અવગણનાના માટે દોષિત ઠેરવતા અવગણનાના કેસની કાર્યવાહી શરૂ કરી હતી. વિજય માલ્યાએ તેમની સંપત્તિની સંપૂર્ણ વિગતો બેંકો અને સંબંધિત અધિકારીઓને આપી ન હતી, જેમની પાસેથી તેણે કરોડો અબજોની લોન લીધી હતી. આ મામલે બેંકો અને સત્તાવાળાઓની બાજુનો પક્ષ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે 10 જુલાઈ 2017ના રોજ આદેશ આપ્યો હતો કે વિજય માલ્યા પોતાનો કેસ રજૂ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં હાજર રહે. કોર્ટે કહ્યું હતું કે માલ્યા બ્રિટનમાં એક આઝાદ માણસની જેમ રહે છે, પરંતુ તે ત્યાં શું કરી રહ્યો છે તેની કોઈ માહિતી બહાર નથી આવી રહી.
વિજય માલ્યા બે કેસમાં દોષિત જાહેર
સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલા વરિષ્ઠ વકીલ જયદીપ ગુપ્તાએ બેંચને જણાવ્યું હતું કે માલ્યાને બે કેસમાં કોર્ટે દોષિત ઠેરવ્યા છે. પ્રથમ, સંપત્તિ જાહેર ન કરવી અને બીજું, કર્ણાટક હાઈકોર્ટના આદેશોનું ઉલ્લંઘન. સુપ્રીમ કોર્ટે માલ્યાને કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને અઘોષિત વ્યક્તિગત સંપત્તિમાંથી 40 મિલિયન ડોલરની રકમ તેમના બાળકોને ટ્રાન્સફર કરવા બદલ દોષી ઠેરવ્યા હતા. તેમજ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે માલ્યાની ગેરહાજરીમાં જ સજાનો મુદ્દો આગળ વધારવામાં આવશે.