National

સુપ્રીમ કોર્ટે કેજરીવાલની જામીન અરજીની તત્કાલ સુનાવણી કરવાની ના પાડી, કહ્યું આવુ

નવી દિલ્હી: દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) આજે મંગળવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court) તરફથી મોટો ઝટકો લાગ્યો હતો. જસ્ટિસ એએસ ઓકની આગેવાની હેઠળની બેન્ચે કેજરીવાલના સ્વાસ્થ્યની તપાસ માટે વચગાળાના જામીન (Bail) 7 દિવસ સુધી વધારવાની માંગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. તેમજ ખંડપીઠે અરજી મોડી ફાઇલ કરવા પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

આ મામલે સુનાવણી કરતા જસ્ટિસ એએસ ઓકની બેન્ચે કહ્યું કે, મુખ્ય મામલામાં આદેશ 17 મેના રોજ અનામત રાખવામાં આવ્યો હતો. તે બેંચના સભ્ય જજ ગયા અઠવાડિયે વેકેશન બેન્ચમાં હતા. ત્યારે તમે આ માંગણી કેમ ન કરી? વેકેશન બેન્ચે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીને ચીફ જસ્ટિસને સુનાવણી માટે વિનંતી કરવા કહ્યું હતું.

કેજરીવાલ 1 જૂન સુધી વચગાળાના જામીન પર છે.
દિલ્હીના કથિત દારૂ નીતિ કૌભાંડમાં મની લોન્ડરિંગના આરોપમાં 21 માર્ચે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલે પોતાની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. ત્યારે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે 10 મેથી 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા. આ સાથે જ કોર્ટે સૂચવ્યું હતું કે, 2 જૂને કેજરીવાલે આત્મસમર્પણ કરવું પડશે.

કેજરીવાલે પોતાની અરજીમાં શું કહ્યું?
કેજરીવાલે પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે ધરપકડ બાદ તેમણે 7 કિલો વજન ઘટ્યુ હતું. આ સાથે જ તેમનું કીટોન લેવલ પણ વધી ગયું હતું. કેજરીવાલની સુગરની સ્થિતિમાં આ લક્ષણો ગંભીર હોઈ શકે છે. મેક્સના ડોક્ટરોએ તેમની તપાસ કરી હતી. તેમજ હવે તેમને PET-CT સ્કેન અને ઘણા ટેસ્ટ કરાવવાની જરૂર છે. આવી સ્થિતિમાં સીએમ કેજરીવાલે આ તપાસ કરવા માટે 7 દિવસનો સમય માંગ્યો હતો.

17 મેના રોજ, સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ સમય દરમિયાન કોર્ટે તેમને નિયમિત જામીન માટે નીચલી કોર્ટમાં જવાની મંજૂરી આપી હતી, આ સાથે જ તપાસ એજન્સીએ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મનીષ સિસોદિયાની પણ ધરપકડ કરી હતી. તેઓ હાલમાં જેલમાં જ છે. આ કેસમાં AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી. જોકે તેમને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.

Most Popular

To Top