National

સુપ્રીમ કોર્ટે AAPને 15 જૂન સુધીમાં હેડક્વાર્ટર ખાલી કરવાનો આદેશ આપ્યો, આ છે કારણ

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીની (Aam Aadmi Party) મુશ્કેલીઓ ઘટવાના કોઇ સંકેત દેખાઈ રહ્યા નથી. ઘણા નેતાઓ જેલમાં ગયા બાદ હવે પાર્ટીએ પોતાનું કેન્દ્રીય કાર્યાલય (Central Office) ખાલી કરવું પડશે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) એક અરજી પર સુનાવણી કરતા પક્ષને તેની ઓફિસ ખાલી કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 15 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે.

આદેશ સંભળાવતા કોર્ટે કહ્યું કે આમઆદમી પાર્ટીનું હેડક્વાર્ટર દિલ્હી હાઈકોર્ટને આપવામાં આવેલી જમીન ઉપર અતિક્રમણ (દબાણ) છે. આ જમીન રાઉઝ એવન્યુ કોર્ટ માટે વધારાનો કોર્ટરૂમ બાંધવા માટે ફાળવવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી વતી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આ જમીન 2015 દરમિયાન AAPને આપવામાં આવી હતી. આ પક્ષ દેશના છ રાષ્ટ્રીય પક્ષોમાંનો એક છે અને તેને પ્લોટની જરૂર છે.

AAP નવી ઓફિસ માટે સરકારને અરજી કરી શકે છે
જ્યારે આમ આદમી પાર્ટીના પક્ષ તરફથી ઉપસ્થિત વકીલે કોર્ટ સમક્ષ દાવો કર્યો અને જમીનની જરૂરિયાત અંગે વાત કરી. ત્યારે આ વિષય ઉપર સુપ્રીમ કોર્ટે કહ્યું કે AAP નવી ઓફિસ માટે સરકારને અરજી કરી શકે છે. કોર્ટે એમ પણ કહ્યું કે નવી જમીનની ફાળવણી અંગે સંબંધિત વિભાગે AAPની અરજી પર 4 અઠવાડિયામાં નિર્ણય લેવો જોઈએ. જણાવી દઈએ કે આ મામલે 14મી ફેબ્રુઆરીએ પણ સુનાવણી પણ થઈ હતી. આ દરમિયાન ચીફ જસ્ટિસે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આમાં કાયદાનો ભંગ થઈ રહ્યો છે અને તે કોઈને પણ આની મંજૂરી આપી શકે નહીં.

કેન્દ્ર સરકારે કોર્ટને ગેરમાર્ગે દોરી – AAP
ઉલ્લેખનીય છે કે કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે દિલ્હી હાઈકોર્ટને ફાળવવામાં આવેલા રાઉઝ એવન્યુના પ્લોટ પર AAPની ઓફિસ ચાલી રહી છે. પહેલા અહીં દિલ્હીના પરિવહન મંત્રીનું નિવાસસ્થાન હતું. પરંતુ બાદમાં AAPએ અહીં પોતાનું કાર્યાલય બનાવ્યું. આ મામલે આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે કેન્દ્ર સરકારે કોર્ટને ગેરમાર્ગે દોરી છે. અહીં કોઈ અતિક્રમણ (દબાણ) થયું નથી. આ જમીન તેમને દિલ્હી સરકારે આપી છે.

Most Popular

To Top