ભાગ્યે જ કોઈ એવો પરિવાર હશે કે જેને વીજળીની જરૂર નથી. આજના જમાનામાં વીજળી ના હોય તો ચાલી શકે તેમ નથી પરંતુ વીજળીના બિલ એવા તોતિંગ આવે છે કે સામાન્ય નાગરિકને ચક્કર આવી જાય. આખા દેશમાં વીજળી પહોંચાડવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ સાથે સાથે વીજળીના બિલ પણ વધી રહ્યા છે. સરકારો દ્વારા વીજળીના ભાવો યોગ્ય રહે અને વધારો કરવાની જરૂરીયાત ઊભી થાય તો પણ યોગ્ય વધારો કરવામાં આવે કે જેથી લોકો સહી શકે તે માટે વિજ નિયમનકારી પંચની રચના કરી છે પરંતુ આ પંચ દ્વારા પણ મોટાભાગે ગમે તેમ વધારા માટે મંજૂરી આપી દેવામાં આવતી હોવાના અનુભવ લોકોને થતાં રહે છે. દેશમાં સુવિધાની જરૂરીયાત છે પરંતુ તે સુવિધા એવી રીતે પણ અપાવી જોઈએ નહીં કે તેના થકી તે સુવિધા આપનાર કરોડો રૂપિયા કમાય અને સામાન્ય નાગરિકનો ખો નીકળી જાય.
હાલમાં જ સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન દિલ્હીમાં વીજળીના દરો વધારવા માટે મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે ત્યાં સુધી કહ્યું છે કે, વધારો પોસાય તેવો હોવો જોઈએ અને તે વીજળી નિયમનકારી પંચની નક્કી કરેલી મર્યાદાથી વધારે હોવો જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટે વ્ચાજબી રીતે જ કહ્યું છે કે, વીજળીના દરોમાં જે વધારો કરવાનો થાય તે યોગ્ય રહે. જોકે, હવે આ વધારો કેટલો યોગ્ય રીતે કરવામાં આવે છે તે મોટો પ્રશ્ન છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, દિલ્હી વીજળી નિયમનકારી પંચે રાજધાનીમાં વીજળીના દરો કેવી રીતે અને ક્યારે અને કેટલા વધારવા જોઈએ તેનો રોડમેપ તૈયાર કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટનો આદેશ દુરોગામી અસર ઊભી કરનારો છે.
આખા દેશમાં તેની અસર લાગુ પડશે. કારણ કે આખો મામલો વીજળી વિતરણ કંપનીઓની નિયમનકારી સંપત્તિઓની બાકી ચૂકવણીનો હતો. આગામી ચાર વર્ષમાં તમામ બાકી ચૂકવણી ચૂકવી દેવાનો આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે જ્યાં વીજળી વિતરણ કંપનીઓની ચૂકવણી લાંબા સમયથી બાકી છે ત્યાં વીજળીના દરો વધી શકે છે. નિયમનકારી સંપત્તિનો અર્થ એવો છે કે બાકી ચૂકવણી જે વીજળી વિતરણ કંપનીઓ રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોને વીજળી સપ્લાય કરવાના બદલામાં માંગે છે.
સુપ્રીમ કોર્ટે તો પોતાનું કામ કર્યું પરંતુ સામાન્ય રીતે નાગરિકોને એવો જ અનુભવ થતો રહ્યો છે કે વીજનિયમનકારી પંચને પણ વીજવિતરણ કંપનીઓ દ્વારા ફોસલાવીને ભાવ વધારો કરાવી લેવામાં આવે છે. કેટલીક વીજવિતરણ કંપની દ્વારા એવી રીતે બિલિંગ કરવામાં આવે છે કે સામાન્ય નાગરિક સમજી જ નહીં શકે કે શેના નાણાં ચૂકવવાના છે? અનેક કંપનીઓ દ્વારા વીજળીના મામલે ગ્રાહકોને લૂંટવામાં જ આવે છે. વીજળીનો મામલો એવો છે કે તેના વગર ચાલી શકે તેમ નથી. ખરેખર સરકારે દરેક રાજ્યોમાં વીજવિતરણ માટેનું માર્કેટ ખુલ્લું કરી દેવાની જરૂરીયાત છે. અત્યાર સુધી વીજવિતરણની વ્યવસ્થામાં સરકારી કે પછી ખાનગી કંપનીઓની મોનોપોલી ચાલતી આવી છે.
જો વીજવિતરણમાં સ્પર્ધા થશે તો વીજળીના ભાવો ઘટશે. ગ્રાહકોની સુવિધા વધશે. સરકારોની બેજવાબદારીઓમાં સામાન્ય નાગરિકે પીસાવાનું થાય છે. સુપ્રીમ કોર્ટે દેશના સામાન્ય નાગરિકની ચિંતા કરી છે પરંતુ જ્યાં સુધી સરકારો દ્વારા ગ્રાહકોની ચિંતા કરવામાં નહીં આવે વીજવિતરણ માટે અન્ય કંપનીઓને જવાબદારી સોંપવામાં નહીં આવે ત્યાં સુધી ગ્રાહકોને તેનો લાભ મળવાની શક્યતા નથી તે ચોક્કસ છે.