ભારતીયો પર રાજ કરવા માટે જે રાજદ્રોહનો કાળો કાયદો અંગ્રેજોએ બનાવ્યો હતો તેનો આઝાદી બાદની ખુદ ભારતીયોની જ બનેલી સરકારે પણ ઉપયોગ કર્યો હતો. ત્યાં સુધી કે છેલ્લા કેટલાક સમયથી રાજદ્રોહના કાયદાનો ઉપયોગ રાજકીય વેર વાળવા માટે પણ થવા લાગ્યો હતો. સત્તાસ્થાને રહેલા રાજકીય પક્ષ દ્વારા હરીફ રાજકીય પક્ષોના આગેવાનો સામે રાજદ્રોહનો કેસ કરવામાં આવી રહ્યા હતા.
આ મામલે વિરોધ પણ ઉઠ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે રાજદ્રોહના કાયદા મામલે કડક વલણ લીધું છે. સુપ્રીમ કોર્ટએ એક ચુકાદો આપીને રાજદ્રોહનો કાયદો સ્થગિત કરવાનું કહ્યું છે. નવી સુનાવણી જુલાઈના ત્રીજા સપ્તાહમાં રાખવાની સાથે સુપ્રીમ કોર્ટે રાજદ્રોહના આરોપી જામીન અરજી કરી શકશે તેવું પણ જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા કાયદા પર રોક લગાડવાને કારણે હવે રાજદ્રોહના કાયદા હેઠળ નવા કેસ નોંધી શકાશે નહીં. જોકે, કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલે એવી દલીલો કરી હતી કે જ્યાં સુધી આ કાયદાની સમીક્ષા પુરી નહીં થાય ત્યાં સુધી તેની પર રોક લગાડવી યોગ્ય નથી. પરંતુ સુપ્રીમ કોર્ટએ કેન્દ્ર સરકારની આ તમામ દલીલો ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે રાજદ્રોહના કાયદા પર રોક લગાડતા એવું પણ કહ્યું કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા આ અંગ્રેજોના સમયના કાયદાની જોગવાઈઓની પુન: તપાસ કરવામાં નહીં આવે ત્યાં સુધી નવા કેસ નોંધવા નહીં. કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલે એવી દલીલો પણ કરી હતી કે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને માટે રાજદ્રોહના કેસ સંબંધી એક સૂચનાઓનો મુસદ્દો પણ તૈયાર કર્યો છે.
જેમાં પોલીસ અધિક્ષકની રેન્ક કે તેનાથી ઉપરના રેન્કના અધિકારીની મંજૂરી વિના રાજદ્રોહનો કેસ કરી શકાય નહીં તેવી જોગવાઈઓ પણ સામેલ કરી છે. કેન્દ્ર સરકારે ત્યાં સુધી દલીલ કરી હતી કે રાજદ્રોહના જે કેસ છે તેમાં કેટલાકમાં આતંકવાદનો મુદ્દો છે. તો સાથે સાથે કેટલાક કેસમાં મની લોન્ડરિંગનો પણ મામલો છે. જોકે, સુપ્રીમ કોર્ટે કેન્દ્રની તમામ દલીલો ફગાવી દીધી હતી. જેને પગલે હવે આગામી જુલાઈ માસમાં જ્યાં સુધી રાજદ્રોહના કેસની કલમ 124(એ)ની જોગવાઈઓની સમીક્ષા નહીં થાય ત્યાં સુધી રાજદ્રોહનો કાયદો સ્થગિત અવસ્થામાં રહેશે.
ખરેખર તો રાજદ્રોહનો કાયદો અંગ્રેજોઓ પોતાનું શાસન યથાવત રહે અને તેની સામે ઉભા થતા વિરોધને કચડી શકાય તે માટે જ બનાવ્યો હતો. રાજદ્રોહનો કાયદો અને બંધારણમાં દરેક ભારતીયને મળેલા મૂળભૂત અધિકારો એકબીજાથી અલગ પડતા હતા. રાજદ્રોહના કાયદાને કારણે પ્રત્યેક ભારતીયના મૂળભૂત અધિકારોનો ભંગ થતો હતો. દરેક વ્યક્તિને તેના શાસનની વિરૂદ્ધમાં પોતાનો મત પ્રગટ કરવાનો અધિકાર છે અને લોકશાહીમાં તે અધિકાર દરેક ભારતીયને આપવામાં આવ્યો છે.
આ અધિકાર હોવા છતાં પણ સરકારો દ્વારા રાજદ્રોહના કેસ નોંધીને જે તે વિરોધી વ્યક્તિને જેલમાં પૂરી દઈ તેના વ્યક્તિ સ્વાતંત્ર્યથી માંડીને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય છીનવી લેવામાં આવતી હતી. રાજદ્રોહના કાયદા સામે ઘણા સમયથી ભારે વિરોધ ઉઠી રહ્યો હતો. ત્યાં સુધી કે સુપ્રીમ કોર્ટમાં આ કાયદાની નાબૂદી માટે અનેક પિટિશનો પણ કરવામાં આવી છે. જેની પર સુનાવણી ચાલી રહી હતી અને આખરે સુપ્રીમ કોર્ટએ તેની સમીક્ષા કરવાનો નિર્ણય કરીને કેન્દ્ર સરકારને સૂચનાઓ આપી છે.
સુપ્રીમ કોર્ટનો આ શકવર્તી નિર્ણય છે. જે રીતે રાજદ્રોહનો કાયદો ઘડવામાં આવ્યો હતો તે જોતાં આ કાયદાનો હાલના સમયમાં કોઈ જ મતલબ રહેતો નથી. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે કેન્દ્ર સરકાર હવે ભેરવાઈ ગઈ છે. કેન્દ્ર સરકાર કે કોઈપણ રાજ્ય સરકાર હવે રાજદ્રોહમાં કોઈ જ કેસ કરી શકશે નહીં અને સાથે સાથે સમીક્ષા બાદ પણ રાજદ્રોહનો કાયદો અમલમાં રહે તેવી સંભાવનાઓ દેખાતી નથી. સુપ્રીમ કોર્ટએ સમજી લીધું હતું કે રાજકીય દાવપેચમાં રાજદ્રોહના કાયદાનો ઉપયોગ થતો હતો. હવે કોઈપણ રાજકીય પક્ષ રાજદ્રોહના કાયદા દ્વારા હરીફ રાજકીય નેતાઓ પર વેર વાળી નહીં શકે તે નક્કી છે.