હવામાન ખાતાએ આ વખતે ઉનાળો શરૂ થતા પહેલા જ આગાહી કરી હતી કે ભારતમાં આ વખતે ઉનાળો ખૂબ આકરો રહેશે અને હીટ વેવના દિવસો પણ ઘણા વધારે રહેશે. તેની આ આગાહી ખૂબ સચોટ સાબિત થઇ છે. ખાસ કરીને એપ્રિલ અને મે મહિનામાં ખૂબ સખત ગરમી પડી અને હજી જૂન મહિનામાં પણ દેશના અનેક ભાગોમાં સખત ગરમીનું મોજું ચાલુ રહ્યું છે.
સૌથી મહત્વની વાત તો એ છે કે દેશના વિશાળ ભાગમાં લાંબા સમયથી ચાલી રહેલ ગરમીના મોજાએ ઘણા જીવનોનો ભોગ લીધો છે જેમાં આ વર્ષે ૧ માર્ચથી ૨૦ જૂન સુધીમાં ૧૪૩ મૃત્યુઓ નોંધાયા છે જયારે ૪૧૭૮૯ લોકો શંકાસ્પદ હીટસ્ટ્રોકથી પિડાઇ રહ્યા હતા એમ આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ હાલમાં જણાવ્યું હતું. આટલી વિશાળ વસ્તી ધરાવતા દેશમાં ૧૪૩ જેટલો આંકડો ઘણાને નાનો લાગે પણ આટલી આધુનિક સગવડો અને સંશોધનો પછી પણ જો આટલા લોકો સખત ગરમીના કારણે મરી જતા હોય તો તે રીતે જોતા આ આંકડો મોટો જ કહેવાય.
જો કે એમ કહેવાય છે કે હીટવેવથી મૃત્યુઓનો ખરેખરો આંકડો આના કરતા ઉંચો હોઇ શકે છે કારણ કે નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ દ્વારા ભેગા કરવામાં આવેલા આંકડાઓ રાજ્યો દ્વારા રજૂ કરવામાં આવેલ અપડેટ્સ ધરાવતા નથી. ઘણી આરોગ્ય સંસ્થાઓએ હજી સુધી હીટવેવને કારણે થયેલી જાનહાનિઓના આંકડાઓ અપલોડ કર્યા નથી. સત્તાવાર આંકડાઓ મુજબ ૨૦મી જૂનના રોજ જ લૂ લાગવાને કારણે ૧૪ મૃત્યુઓ થયા હતા અને ૯ મૃત્યુઓ શંકાસ્પદ લૂ લાગવાને કારણે થયા હતા. આ સાથે માર્ચથી જૂનના સમયગાળાનો કુલ આંકડો ૧૧૪ પરથી વધીને ૧૪૩ થયો છે.
અને જૂન મહિનાના કેટલાક દિવસો હજી બાકી છે ત્યારે આ આંકડો વધી પણ શકે છે. ગરમીથી મૃત્યુઓની બાબતમાં ઉત્તર પ્રદેશ સૌથી વધુ અસરગ્રસ્ત છે જ્યાં ૩૫ મૃત્યુઓ નોંધાયા છે જ્યારે તેના પછી ૨૧ મૃત્યુઓ સાથે દિલ્હીનો ક્રમ આવે છે અને તેના પછી બિહાર અને રાજસ્થાનનો ક્રમ આવે છે જે બંને રાજ્યોમાં ૧૭-૧૭નાં મોત થયા છે એમ આંકડાઓ જણાવે છે. આ ઉપરાંત બીજા રાજ્યોમાં પણ છૂટાછવાયા મૃત્યુઓ લૂ લાગવાને કારણે થયા હશે અને ગરમીને લગતા ઘણા મૃત્યુઓ એવા હશે કે જે નોંધાયા નહીં હોય આથી ખરેખરો મૃત્યુઆંક સત્તાવાર આંકડા કરતા ઉંચો જ હશે એમ જણાઇ આવે છે.
દિલ્હીના સૌથી મોટા સ્મશાનગૃહ નિગમબોધ ઘાટમાં હાલમાં અંતિમવિધિ માટે લવાતા મૃતદેહોના પ્રમાણમાં મોટો ઉછાળો આવ્યો હતો જેને પણ ગરમીના કારણે મોતના પ્રમાણમાં ઉછાળા સાથે સાંકળીને જોવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ હાલમાં અધિકારીઓને સૂચના આપી હતી કે જ્યાં સુધી હીટવેવની સ્થિતિ ચાલુ રહે ત્યાં સુધી તેઓ કેન્દ્રીય હોસ્પિટલોની મુલાકાત લેતા રહે. ઉત્તર અને પૂર્વ ભારતના વિશાળ વિસ્તારો લંબાયેલા ગરમીના મોજાની પકડમાં આવી ગયા છે અને તેને પરિણામે લૂ લાગવાથી મૃત્યુઓ વધી રહ્યા છે અને પરિણામે કેન્દ્ર સરકારે હોસ્પિટલો માટે માર્ગદર્શિકા બહાર પાડવી પડી છે.
આ વખતે ચોમાસુ વહેલુ શરૂ થયું. કેરળમાં વહેલું બેસી ગયું, મુંબઇમાં પણ વહેલું આવી ગયું અને પછી ગુજરાતમાં પણ ચાર દિવસ વહેલું પ્રવેશ્યું પણ પછી તેની આગેકૂચ અટકી ગઇ. આ લખાઇ રહ્યું છે ત્યાં સુધી જૂન મહિનાનો વરસાદ સરેરાશ કરતા ઓછો છે. દેશના અનેક ભાગોમાં વરસાદ શરૂ થયો નથી. આકરો ઉનાળો ખાસ કરીને દેશના ઉત્તર અને પૂર્વના ભાગોમાં ખૂબ લંબાયો છે, સખત ગરમીના મોજાના દિવસો પણ લંબાયા છે. સખત ઉનાળાને કારણે શાકભાજી જેવી ખાદ્ય વસ્તુઓના ભાવો ખૂબ વધ્યા છે અને ખાદ્ય ચીજવસ્તુઓના ઉંચા ભાવો ફુગાવાના આંકડાને પણ ઝડપથી નીચે આવવા દેતા નથી. ટૂંકમાં પરિસ્થિતિ કઠણ છે. જો ચોમાસુ સારુ નહી રહે અને ખેતી પર તેની વિપરીત અસર થાય તો કેન્દ્રમાં ત્રીજી વખત સત્તારૂઢ થયેલી મોદી સરકારની પહેલા જ વર્ષે આકરી કસોટી થઇ શકે છે.