છેલ્લા એક દાયકામાં વિશ્વભરમાં ઇન્ટરનેટનો, ખાસ કરીને મોબાઇલ ઇન્ટરનેટનો વપરાશ ખૂબ જ વધ્યો છે, તે સાથે જ ટેક જાયન્ટ કંપનીઓ તરીકે ઓળખાતી મહાકાય ટેકનોલોજી કંપનીઓ જેવી કે ગૂગલ, એપલ, માઇક્રોસોફ્ટ કે પછી ફેસબુક અને ટ્વીટર જેવી સોશ્યલ મીડિયા કંપનીઓ અને એમેઝોન સહિતની મહાકાય ઇ-કોમર્સ કંપનીઓનો વિશ્વ પર પ્રભાવ ખૂબ વધ્યો છે, તે સાથે જ આ કંપનીઓ દ્વારા પોતાનું પ્રભુત્વ વધારવા કે વિવિધ બજારોમાં એકહથ્થુતા સ્થાપવા માટે જાત જાતની ટ્રીક્સ અપનાવવામાં આવે છે અને આવી કંપનીઓ પર ગેરરીતિ કે વિવિધ સ્થાનિક નિયમો અને કાયદાઓના ભંગના આક્ષેપો પણ થવા માંડ્યા અને તે સાથે આ કંપનીઓનો વિવિધ દેશોની સરકારો અને સત્તાધીશો સાથે સંઘર્ષ પણ સર્જાવા માંડ્યો છે. હાલ છેલ્લા કેટલાક સમયમાં જોઇ શકાય છે કે આવી અનેક મહાકાય ટેક કંપનીઓને વિવિધ દેશોમાં એક યા બીજા કારણોસર જંગી દંડ કરવામાં આવ્યો છે.
આ ટેક જાયન્ટ કંપનીઓને વિવિધ દેશોની સરકારો સાથે સંઘર્ષ સર્જાવા માટે મુખ્યત્વે ડેટા પ્રાઇવસીના નિયમોનો ભંગ કે પછી મુક્ત સ્પર્ધા માટેના નિયમોનો ભંગ એ અગત્યના કારણો જણાયા છે. તો વળી સોશ્યલ મીડિયા કંપનીઓ સાથે કેટલીક સરકારોને રાજકીય સંઘર્ષો પણ સર્જાયા છે જેવું ભારત સરકારને ટ્વીટર સાથેના સંઘર્ષના કિસ્સામાં જોવા મળ્યું છે. તો વૉટ્સએપ અને ફેસબુક પર ડેટા પ્રાઇવસી કે ગ્રાહકોની માહિતીની ગોપનીયતાના નિયમોના ભંગના આરોપો લાગતા રહ્યા છે. ફેસબુકના યુઝરોના ડેટા લીક થયાના અહેવાલોએ તો દુનિયાભરમાં ચકચાર જગાડી હતી. યુરોપિયન યુનિયને તો હાલમાં વૉટ્સએપને ડેટા પ્રાઇવસીના નિયમના ભંગ બદલ ૨૬ કરોડ ડોલર કરતા વધારે રકમનો જંગી દંડનો આદેશ કર્યો હતો.
વૉટ્સએપ પર ઇયુના વોચડોગ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો હતો કે તે પોતાના યુઝરોની માહિતી પોતાની પેરન્ટ કંપની ફેસબુકને અયોગ્ય રીતે પહોંચાડે છે, અને આ બદલ તેને આ જંગી દંડ કરવામાં આવ્યો હતો, જે દંડને વૉટ્સએપ દ્વારા પડકારવામાં આવ્યો છે. તો હાલના બિલકુલ તાજા કિસ્સામાં દક્ષિણ કોરિયાની કોમ્પિટિશન વૉચડોગ સંસ્થા ગૂગલ કંપનીને સેમસંગ જેવા સ્માર્ટફોન મેકરોને અન્ય ઓપરેટિંગ સિસ્ટમોનો ઉપયોગ કરતા અવરોધવા બદલ ૨૦૭.૪ અબજ વૉન(૧૭૭ મિલિયન ડૉલર)નો દંડ કરવાનું આયોજન કરી રહી છે, જે આ દેશનો અત્યાર સુધીના સૌથી મોટા એન્ટિટ્રસ્ટ દંડમાંનો એક હશે. ગૂગલે જણાવ્યું છે કે તે આ દંડને પડકારવાનું આયોજન કરી રહી છે. તેણે દક્ષિણ કોરિયન સત્તાવાળાઓ પર આક્ષેપ કર્યો હતો કે તે એ બાબતની અવગણના કરી રહી છે કે તેની સોફ્ટવેર પોલિસી કઇ રીતે હાર્ડવેર પાર્ટનરો અને ગ્રાહકોને લાભ કરે છે.
દક્ષિણ કોરિયાની આ જાહેરાત એના પછી આવી છે જ્યારે તે એક સુધારેલ ટેલિકોમ્યુનિકેશન કાયદો અમલમાં મૂકી રહ્યો છે જે એપ માર્કેટ ઓપરેટરો જેવા કે ગૂગલ અને એપલને સ્માર્ટફોન યુઝરોને આ કંપનીઓની ઇન-એપ પરચેઝિંગ સિસ્ટમથી ચુકવણી કરવાનું જરૂરી બનાવવાની મનાઇ ફરમાવે છે. દક્ષિણ કોરિયા વિદેશી ટેકનોલોજી કંપનીઓ કઇ રીતે વર્તન કરે છે તે બાબતે હંમેશા બારીકાઇથી ચકાસણ કરતું આવ્યું છે અને તાજેતરના વર્ષોમાં તેણે ગૂગલ અને એપલ પર ઘણું ધ્યાન કેન્દ્રિત કર્યું છે કારણ કે અધિકારીઓ આ કંપનીઓને મોબાઇલ ઇન્ટરનેટ માર્કેટમાં તેમની પ્રભુત્વની સ્થિતિનો ગેરલાભ ઉઠાવતા અટકાવવા માગે છે. ચીનની સરકારનો પણ તેને ત્યાંની અલીબાબા સહિતની જાયન્ટ કંપનીઓ સાથે સંઘર્ષ સર્જાયો છે.
વિશ્વના વિવિધ બજારો સર કરવાના પ્રયાસોમાં અને વિવિધ બજારોમાં પોતાનું પ્રભુત્વ વધારવા કે પોતાની એકહથ્થુતા સ્થાપિત કરવાના પ્રયાસોમાં મહાકાય ટેકનોલોજી, સોશ્યલ મીડિયા કે પછી ઇ-કોમર્સ કંપનીઓ જાત જાતના નીતિઓ અપનાવતી રહે છે. તેઓ પોતાની આ નીતિઓને પોતાની રીતે વાજબી ઠરાવવાના પ્રયાસો કરે છે, તો બીજી બાજુ વિવિધ દેશોની સરકારો તેમને દોષિત ઠરાવીને તેમને જંગી દંડ ફટકારી રહી છે કે તેમના પર જાત જાતના નિયંત્રણો લાદી રહી છે. આ મહાકાય કંપનીઓને જે જંગી દંડ ફટકારવામાં આવે છે તે જોઇને સામાન્ય માણસ તો અચંબિત થઇ જાય છે, પણ આ દંડની રકમ તો આ કંપનીઓની તગડી આવકની સામે નાની જ હોય છે અને આ કંપનીઓ આ દંડ કંઇ એમ સહેલાઇથી ચુકવી દેતી નથી. કંપનીઓ અને સરકારોનો સંઘર્ષ અદાલતોના પ્રાંગણમાં જાય છે. લાગે છે કે આગામી દિવસોમાં આ ટેક કંપનીઓ સાથેનો વિવિધ સરકારોનો સંઘર્ષ વધતો જ જશે.