Columns

વિભાજન વેળાએ પાકિસ્તાનમાંથી મહિલાઓને પાછી લાવવાની કહાણી!

દેશની આઝાદી સમયે જે કંઈ લખાયું તેમાં સૌથી વધુ આલેખાયેલી ઘટનાઓ વિભાજન દરમિયાનની છે. એશિયાના દક્ષિણ ઉપખંડના એક મોટા દેશના જ્યારે ભાગલા થયા ત્યારે તેમાં લાખો લોકોના ઘરો ઉજળ્યાં; લાખો પરિવારોએ સ્થળાંતર કરવું પડ્યું અને નિરાશ્રિતોની જેમ વર્ષો સુધી રહેવું પડ્યું. વિભાજનની પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યાં સુધી બંને દેશોમાં થયેલાં રમખાણોમાં 10 લાખથી વધુ લોકો હોમાઈ ચૂક્યા હતા. આ દર્દનાક ઘટનાની પીડા આજે પણ પંજાબ, બંગાળના અનેક પરિવારો ભૂલી શક્યા નથી.

વિભાજનની ત્રાસદી વચ્ચે એક ગુજરાતી બહેને પોતાના જીવના જોખમે પાકિસ્તાનમાં જઈને કામ કર્યું અને ત્યાર પછી તેમના આ અનુભવને તેમણે શબ્દબદ્ધ કર્યો. તે બહેનનું નામ કમળાબહેન પટેલ અને તેમનો અનુભવ જે પુસ્તકમાં શબ્દબદ્ધ થયો એટલે ‘મૂળ સોતાં ઊખડેલાં’. આશ્ચર્ય થાય પણ કમળાબહેને પાકિસ્તાનમાં રહીને હિંદુ અને પંજાબી બહેનોને ભારત લાવવાનું કામ કર્યું, તેમના આ કાર્યમાં તેમનું માર્ગદર્શન કરનારાં અને હિંમત બાંધનારાં મૃદુલા સારાભાઈ હતાં. આ બંને બહેનોના અંતર્ગત થયેલું આ કાર્ય અતિશય કપરું અને જોખમી હતું પણ તેનાથી હજારો બહેનોના જીવન બચાવી શકાયા અને તેઓને વતન લાવી શકાઈ.

કમળાબહેનના આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ 1979માં પ્રકાશિત થઈ હતી, પછી ઘણાં વર્ષો સુધી આ પુસ્તક અપ્રાપ્ય હતું, હવે તે નવજીવન ટ્રસ્ટ દ્વારા ફરી પ્રકાશિત થયું છે. યોગાનુયોગ પણ કેવો કે દેશનું આઝાદીનું અમૃત વર્ષ છે ત્યારે આ પુસ્તક પ્રકાશિત થયું છે. પુસ્તકના આરંભે જ પ્રાસ્તાવિકમાં કમળાબહેન પટેલ લખે છે કે, “વિભાજનના પરિણામે બનેલા બનાવોની યાદ આવે ત્યારે સહેજે ઉશ્કેરાઈ જવાય અને મન પર હથોડા વાગતા હોય તેમ લાગે. નરી પાશવતાની વાતોને કાગળ પર મૂકવાથી શો લાભ? સામાન્ય સંજોગોમાં સભ્યતાના અંચળા હેઠળ ઢંકાયેલી પાશવતા વરવા રૂપે અસમાન્ય સંજોગોમાં પ્રગટ થઈ હતી તેને શબ્દોમાં શા માટે મૂકવી?

પંજાબના પુરુષોએ પરસ્પરનાં ગળાં રહેંસી અને વિશેષ કરીને તો લઘુમતી કોમની સ્ત્રીઓને ધર્મના બહાના હેઠળ છીનવી લઈને એવું તે કયું પરાક્રમ કર્યું હતું, જેને લોકો સમક્ષ મૂકવાનું દિલ થાય?” આ રીતે પોતાના જ અનુભવ લખતાં પહેલાં તેમનું મનોમંથન વર્ષોના વર્ષ ચાલ્યું અને છેલ્લે તેમણે આ કાર્ય 27 વર્ષે ઉપાડ્યું. વિભાજનની ઘટનાઓને લઈને મન સ્થિર થયું અને જે વિચારે તેમને લખવા પ્રેર્યા તે એ કે, “નરી પાશવતામાં પણ કોઈ કોઈ પ્રસંગમાં જાગેલી માનવતા ડોકિયાં કરવા લાગી.”

વિભાજન વિશે લખતાં કમળાબહેન લખે છે : “વિભાજન એક જ કુટુંબના બે ભાઈઓ પૈતૃક મિલકત શાંતિપૂર્વક વહેંચે તે રીતે ન થયું. બંને કોમની પ્રજાએ ‘મારો’, ‘કાપો’, ‘લૂંટો’ના નારા ગજાવી વાતાવરણમાં કોમી લાગણી ઉશ્કેરી. તેના પરિણામે 1947ના માર્ચથી બંને પંજાબમાં તોફાનો શરૂ થયાં. સાધનસંપન્ન લોકોએ ભાવિનાં એંધાણ પારખી પોતાના કુટુંબો અને જંગમ મિલકતને સલામત સ્થાને ખસેડવાની શરૂઆત કરી અને સ્થાવર મિલકતોના સોદા થવા લાગ્યા. એક અંદાજ મુજબ ખરેખર વિભાજન થયું તે પૂર્વે જ ત્રીજા ભાગના કરાંચીના સોદા પતી ગયા હતા.”

કમળાબહેન પાકિસ્તાન ગયા અને તેમણે ત્યાં આટલું ભગીરથ કાર્ય કર્યું તે માટે તેમની પસંદગી કેમ થઈ તેની વિસ્તૃત વિગત મળતી નથી. માત્ર એટલી જ માહિતી મળે છે કે, તેમણે અસહકારના આંદોલનમાં જોડાવવા અર્થે અભ્યાસ છોડ્યો હતો અને તે પછી તેઓ થોડાંક વર્ષો સાબરમતી આશ્રમમાં રહ્યાં. પછી તેઓ મુંબઈ સ્થાયી થયાં અને ત્યાં તેઓ મહિલાઓના ઉદ્ધાર અર્થે કાર્ય કરતી સંસ્થાઓ સાથે સંકળાયાં. જ્યારે તેમને પાકિસ્તાન જવાનું થયું ત્યારે તેમની ઉંમર 40ની આસપાસ હતી. કમળાબહેન વિશે આઝાદી સમયના સંશોધક-લેખિકા આલુબહેન દસ્તુરે પુસ્તકમાં અંજલિમાં લખ્યું છે કે, “તેમના માથા પર બેવડી જવાબદારી હતી.

એક તો તેમણે મુસ્લિમ બહેનોને શોધી કાઢી આ દેશમાંના અથવા પાકિસ્તાનમાંના તેમનાં સગાંસંબંધીઓને સુપરત કરવાની હતી; અને બીજી તેથીયે વધારે મુશ્કેલ જવાબદારી પાકિસ્તાનમાં રહી જવા પામેલી હિંદુ અને શીખ બહેનોને શોધી કાઢી ભારત ભેગી કરવાની હતી.” અહીં આલુબહેન કમળાબહેન સાથે અન્ય બહેનોનો ઉલ્લેખ કરે છે તેમાં મૃદુલાબહેન સારાભાઈ, સુચેતા કૃપાલાની અને રામેશ્વરી નેહરુ છે. આ તમામે મળીને વિધવા બનેલી, વિકલાંગ બનેલી અને બળાત્કાર સુધ્ધાંનો ભોગ બનેલી બહેનોની ભાળ કાઢી તેમને બચાવી.

કેવી પરિસ્થિતિમાં કમળાબહેને કામ કર્યું તેનો એક દાખલો પુસ્તકના પાંચમા પ્રકરણમાં આપ્યો છે. તેઓ લખે છે : “ઉર્દૂના એક જાણીતા સાહિત્યકાર તોફાનો દરમિયાન લાહોરથી દિલ્હી આવી ભારતીય નાગરિક તરીકે દિલ્હીમાં જ સ્થિર થયેલા. તેમનાં પત્ની અને બાળકો લાહોરમાં હતાં. 1947ના ડિસેમ્બરના અરસામાં આ કુટુંબને દિલ્હી મોકલવાની ગોઠવણ કરવાની મૃદુલાબહેને સૂચના આપી. આ કુટુંબનું ઘર લાહોરના ગીચ વિસ્તારમાં આવ્યું હતું. ત્યાંથી જલદી નીકળી જવા અમારા ડ્રાઇવર પંચમસિંહની અધીરાઈ વધતી જતી હતી એટલે મોટરમાં બેસતાં જ તેણે મોટર મારી મૂકી.

એકાદ ગલી વટાવી અમે આગળ આવ્યાં ત્યાં તો રસ્તા ઉપર 4-6 જવાનિયાઓ ઊભેલા હતા. મારાં સફેદ ખાદીનાં કપડાં અને સાથે બુરખાવાળી બેગમ અને છોકરાં જોતાં પેલાં જવાનિયાઓએ માની લીધું કે હું કોઈ મુસ્લિમ સ્ત્રીને ભગાડી જઉં છું. તેમણે મોટર અટકાવી અને ‘કોણ છો, ક્યાંથી આવ્યો છો, ક્યાં જાઓ છો?’ એવા સવાલોની ઝડીઓનો મારો મોટા સાદે શરૂ કર્યો. જોતજોતમાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું.  જાતજાતની કલ્પનાઓ મનને ઘેરવા લાગી. મેં નિઃસહાય બની આંખો મીંચી દીધી અને એ એક ક્ષણમાં અનેક વિચારો આવી ગયા – ‘હવે શું થશે?

અમને તેઓ ક્યાં લઈ જશે? કોણ અમારી શોધ કરશે? એ દરમિયાન ડ્રાઇવર પંચમસિંહ મોટા અવાજે બોલી ઊઠ્યો ‘દેખો બહેનજી! સામને સે એક આદમી આ રહા હૈ, વો આપકી પહેચાન કા લગતા હૈ.’ જોતજોતમાં તે તદ્દન નજીક આવી ગયો. મને અને અમારી ગાડીને જોઈને ઊંચા અવાજે ટોળાને સંબોધીને બોલ્યો : ‘યહ બહેનજી તો ગંગારામ હૉસ્પિટલ મેં રહતી હૈ, ઔર ખોઈ હુઈ ઔરતોં કો ઢૂંઢને કા કામ કરતી હૈ, વહ ક્યું મુસલમાન ઔરત કો ભગાયેગી? યહ બુરખાવાલી ઔરત કૌન હે વહ ઉનસે હી પૂછો. બહેન ઔર ગાડી કો હાથ મત લગાના.’ પછી ટોળું વીખરાવા લાગ્યું. આવા કિસ્સાં ફિલ્મોમાં અનેક વખત દર્શાવાયા છે પણ કમળાબહેન સાથે ખરેખર આવી ઘટના બની હતી. અહીં તે ટૂંકમાં વર્ણવી છે પણ તેને વિસ્તારથી વાંચવી જોઈએ.

અપહ્યુત બહેનોના કાર્ય દરમિયાન થયેલા જોખમી અનુભવો પુસ્તકમાં ઠેરઠેર જોવા મળે છે. આ ઉપરાંત દરેકેદરેક બહેનની કરૂણકથા, ભારત-પાકિસ્તાનના અધિકારીઓ અને રાજકીય આગેવાનો સાથેની તેમની મડાગાંઠનો ઉલ્લેખ પણ પુસ્તકમાં મળે છે. પુસ્તકના અંતે સામાન્ય રીતે આવા કિસ્સામાં જે પ્રશ્નો ઊભા થાય તેના જવાબો આપવાનો કમળાબહેને પ્રયાસ કર્યો છે. પ્રશ્નો છે કે, (1) અપહ્યુતા સ્ત્રીઓ પૈકી હિંદુ સ્ત્રીઓની સંખ્યા વિશેષ હતી કે મુસ્લિમ સ્ત્રીઓની સંખ્યા વિશેષ હતી? (2) સ્ત્રીઓ પર માત્ર મુસ્લિમોએ જ જુલમો કર્યા હતા કે હિંદુઓએ પણ જુલમો કર્યા હતા?

(3) પુનઃપ્રાપ્તિના કામમાં ભારત કે પાકિસ્તાનની પ્રજા તરફથી કેવો સહકાર મળ્યો હતો? (4) પાકિસ્તાન તરફથી પુનઃ પ્રાપ્ત થયેલી સ્ત્રીઓને તેમના કુટુંબીજનો અને સંબંધીઓએ સ્વીકારી લીધી હતી કે કેમ? આ પ્રશ્નોમાં કમળાબહેનને જે સત્ય લાગ્યું છે તેના વિસ્તૃત ઉત્તર આપ્યા છે પણ અહીં તેને ટૂંકમાં જાણીએ. તેઓ પ્રથમ પ્રશ્નના સંદર્ભમાં લખે છે કે, “પંજાબમાં અપહ્યુતા સ્ત્રીઓમાં હિંદુઓ કરતાં મુસ્લિમ સ્ત્રીઓની સંખ્યા વિશેષ હતી.  એનું કારણ અહીંનો મોટા ભાગ જે કારીગર જેવા વર્ગનો હતો તેમની પાસે તેમનાં સ્ત્રી-બાળકોને સલામત સ્થળે મોકલવાની સગવડ, પહોંચ કે તક ન હતી. …વિભાજન થયું ત્યારે મુસ્લિમ નિર્વાસિતો પાસેથી મોટી સંખ્યામાં તેમની સ્ત્રીઓને ખૂંચવી લેવાની પૂર્વ પંજાબના બિનમુસ્લિમોને સહેજે તક મળી.”

બીજા પ્રશ્ન વિશે તેમનો સ્પષ્ટ જવાબ છે કે, “સ્ત્રીઓ પર અમાનુષી અને હીન જુલમ ગુજારવામાં મુસ્લિમ કે બિનમુસ્લિમ કોઈ એકબીજાથી ઊણા ઊતર્યા ન હતા.” ત્રીજા પ્રશ્નમાં સહકાર અંગે બંને તરફથી ધર્મ ઝનૂન હતું જેથી અપેક્ષા રાખી શકાય એમ નહોતું તેમ તેઓ નોંધે છે. ચોથા પ્રશ્નમાં મહદંશે કુટુંબીઓ અને સંબંધીઓએ સ્ત્રીઓને સ્વીકારી લીધી હતી તેમ જણાવે છે. ‘મૂળ સોતાં ઊખડેલાં’માં માનવીની કરૂણકથા સાથે કમળાબહેને જ લખ્યું છે તેમ માનવતાએ ડોકિયું કરે છે.

Most Popular

To Top