13 વર્ષનું મૌન, પીડા અને રાહ… હરીશ રાણાની હૃદયદ્રાવક વાર્તા હવે મોટા પડદા પર જોવા મળશે. ક્યારેક વાસ્તવિક જીવનમાં થતી ઘટમાળાઓ કોઈ ફિલ્મથી ઓછી નથી હોતી. હરીશ રાણાની વાર્તા એક એવું ઉદાહરણ છે, જ્યાં 13 વર્ષ સુધી એમણે વેઠેલું દુઃખ, એક પરિવારની એના દીકરાની ઠીક થઈ જવાની આશા અને લાખ કોશિશો પછી પણ આશા પર પાણી ફરી વળતા દીકરાને આ દુ:ખમાંથી રાહત આપવાનું છેલ્લું કિરણ જે વાસ્તવિક જીવનમાં અનુભવ્યું એ હવે, મોટા પડદા પર પહોંચવાની તૈયારીમાં છે. મુંબઈ સ્થિત એક લેખક-નિર્માતાએ તેના પર ફિલ્મ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને હરીશના વકીલ Manish Jain સાથે આ શક્યતા વિશે વાત કરી છે. જો કે, કેસની સંવેદનશીલતાને કારણે, થોડો વિલંબ કરવાની વિનંતી કરવામાં આવી છે. આ વચ્ચે, હરીશ રાણાની તબીબી સ્થિતિને લઈને મહત્વપૂર્ણ પ્રક્રિયા ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ, તેમને દિલ્હીના AIIMS Delhi ના પેલિએટિવ કેર વોર્ડમાં મૂકવામાં આવ્યા છે, જ્યાં તેમને અંતિમ ચરણની સારવાર આપવામાં આવી રહી છે. તબીબી નિષ્ણાતોની દેખરેખ હેઠળ તેમની પીડા ઘટાડવા માટે ખાસ પેઇન મેનેજમેન્ટ પ્રોટોકોલ અપનાવવામાં આવ્યો છે. તાજેતરમાં, હરીશને વેન્ટિલેટર અને અન્ય જીવન સહાયક ઉપકરણોમાંથી દૂર કરવામાં આવ્યા હતા અને તેમને સામાન્ય પલંગ પર ખસેડવામાં આવ્યા છે. આ પ્રક્રિયા અંતર્ગત, પાણી પુરવઠો પહેલાથી જ કાપી નાખવામાં આવ્યો છે, તેમ જ ફીડિંગ ટ્યુબ બંધ કરી દેવામાં આવી છે અને કૃત્રિમ પોષણ સંપૂર્ણપણે રોકી દેવામાં આવ્યું છે. છતાં, દર્દીને અનાવશ્યક તકલીફ ન થાય તે માટે જરૂરી દવાઓ અને પીડા ઘટાડતી સારવાર યથાવત રાખવામાં આવી છે.
આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન અત્યંત કાળજી રાખવામાં આવી રહી છે. મેડિકલ બોર્ડને વિસ્તૃત કરીને પાંચથી દસ સભ્યો સુધી કરવામાં આવ્યું છે, જેથી દરેક નિર્ણય અત્યંત સંવેદનશીલતા અને નિષ્ણાતોની સલાહથી લેવામાં આવે. તબીબી ટીમ દરેક પગલાને ખૂબ જ સાવચેતીપૂર્વક અમલમાં મૂકી રહી છે. હરીશ રાણાની કહાની હવે માત્ર એક વ્યક્તિની તબીબી સ્થિતિ સુધી મર્યાદિત નથી રહી, પરંતુ તે સમાજ માટે એક મહત્વપૂર્ણ ચર્ચાનો વિષય બની છે. આ કિસ્સો માનવિય લાગણીઓ, કાનૂની પ્રક્રિયા અને જીવનના અંતિમ ચરણ સાથે જોડાયેલા જટિલ પ્રશ્નોને ઉજાગર કરે છે. હવે, જ્યારે આ કહાની ફિલ્મ સ્વરૂપે રજૂ થવાની શક્યતા છે, ત્યારે તે વધુ વ્યાપક સ્તરે લોકો સુધી પહોંચી એક ઊંડો સંદેશ આપશે, જેમાં હરીશ રાણાએ વિતાવેલા એ યાતનાભર્યા 13 વર્ષ અને એમની પાછળ પોતાના 13 વર્ષ ખર્ચીને પણ પોતાના લાડકવાયાને સાજો ના કરી શક્યા એનું દુખ વેઠનારો એમનો પરિવાર, એમનો એ મૌન સંઘર્ષ અને બલિદાન, અને છેલ્લે થાકી હારીને નાછૂટકે ભારે કલેજે દીકરા માટે ઇચ્છા મૃત્યુ માટે કરેલી અપીલ. આ બધી સંવેદનાઓ મોટા પડદે આવશે ત્યારે હરીશ રાણા અને હરીશ રાણા જેવા અન્યો જેઓ આ યાતનામાંથી પસાર થઈ ચૂકયા છે, કે એ પીડા ભોગવી રહ્યા છે એ બધાને એક મૂક વાચા આપશે. એટલે કે હરીશ રાણા આ દુનિયાને વિદાય કરી દેશે , પણ એમની યાદ અને કહાની મોટા પડદા થકી સૌના દિલમાં અકબંધ રહેશે.