હાલમાં ઇરાન-અમેરિકા યુદ્ધને પગલે સર્જાયેલી ક્રૂડ ઓઇલ અને ગેસની કટોકટી પછી ભારત સરકારે ઊર્જા સંબંધિત ડેટાને રાષ્ટ્રીય સુરક્ષાનો વિષય ગણાવીને વર્ગીકૃત કર્યો છે, જે અંતર્ગત ઓઈલ અને ગેસ વેલ્યુ ચેઈન સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓ માટે તેમની કામગીરીની વિગતવાર માહિતી આપવી ફરજિયાત બનાવવામાં આવી છે. ઓઈલ મંત્રાલયના ‘પેટ્રોલિયમ અને નેચરલ ગેસ (માહિતી પૂરી પાડવા અંગેનો) આદેશ, 2026’ મુજબ રિફાઇનર્સ, LNG આયાતકારો, પાઇપલાઇન ઓપરેટરો, સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુટર્સ અને પેટ્રોકેમિકલ કંપનીઓએ — જાહેર અને ખાનગી બંને ક્ષેત્રોમાં — મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC)ને નિયમિતપણે સચોટ આંકડાકીય અહેવાલ આપવો પડશે.
અને કેટલાક કિસ્સાઓમાં દૈનિક ધોરણે પણ આ અહેવાલ આપવો પડશે. મંત્રાલય દ્વારા 18 માર્ચના રોજ જારી કરાયેલા ગેઝેટ નોટિફિકેશન મુજબ, જાહેર કરવામાં આવનારી વિગતોમાં ઉત્પાદન, આયાત, સ્ટોક લેવલ અને વપરાશની પેટર્નનો સમાવેશ થાય છે, અને આ આદેશ હાલની તમામ ગોપનીયતાની જોગવાઈઓની ઉપરવટ રહેશે. પેટ્રોલ, ડીઝલ, ગેસ વગેરે ઉર્જાના સ્ત્રોતો જ્યારે આપણા રોજીંદા જીવનના અનિવાર્ય અંગ જેવા બની ગયા છે અને હાલના સંજોગોમાં જે કટોકટી ઉભી થઇ છે તેવી કટોકટીઓ દેશને કેવા ગંભીર સંકટમાં મૂકી શકે છે તે વિચારણા કરતા સરકારનો આ નિર્ણય બિલકુલ યોગ્ય લાગે છે.
આ પગલું મધ્ય પૂર્વમાં યુદ્ધને કારણે ગેસ અને LPG પુરવઠામાં આવેલા અવરોધો બાદ ઊભી થયેલી ઊર્જા સુરક્ષાની ચિંતાઓને પગલે લેવામાં આવ્યું છે. ભારત તેના જરૂરિયાતના આશરે 88 ટકા ક્રૂડ ઓઈલ, 50 ટકા કુદરતી ગેસ અને 60 ટકા એલપીજી ગેસની આયાત કરે છે. યુદ્ધ ફાટી નીકળ્યા પહેલા, ભારત દ્વારા આયાત કરવામાં આવતા ક્રૂડ ઓઈલનો અડધાથી વધુ હિસ્સો સાઉદી અરેબિયા, ઇરાક અને UAE જેવા દેશોમાંથી હોર્મુઝની સામુદ્રધુની મારફતે આવતો હતો. આશરે 85-95 ટકા LPG અને 30 ટકા ગેસ પણ આ સામુદ્રધુની મારફતે આવતો હતો.
યુદ્ધના કારણે આ દરિયાઈ માર્ગ લગભગ બંધ જેવો થઈ ગયો છે, જેનાથી ભારતના ઊર્જા પુરવઠા પર અસર પડી છે. ક્રૂડ ઓઈલની અછતને રશિયા, પશ્ચિમ આફ્રિકા, અમેરિકા અને લેટિન અમેરિકા જેવા વૈકલ્પિક સ્ત્રોતો દ્વારા આંશિક રીતે સરભર કરવામાં આવી છે, પરંતુ ખાડી દેશોમાંથી સપ્લાયમાં ખાધ પડવાને કારણે ઔદ્યોગિક અને વ્યાપારી વપરાશકારો માટે ગેસ અને LPG પુરવઠામાં કાપ મૂકવામાં આવ્યો છે. મંત્રાલયના આ આદેશનો હેતુ એક કેન્દ્રીયકૃત, રિયલ-ટાઇમ ડેટા ફ્રેમવર્ક તૈયાર કરવાનો છે, જેથી સપ્લાયમાં આવતા અવરોધો સામે ઝડપી પ્રતિસાદ આપી શકાય.
આ રીતે જોતા આ ડેટા કે માહિતી ફરજિયાતપણે મંગાવવાનો સરકારનો નિર્ણય યોગ્ય જ છે. આ ડેટા હોય તો પાવર, ફર્ટિલાઇઝર અને ઘરેલું LPG જેવા મહત્વના ક્ષેત્રોને પ્રાથમિકતા આપી શકાય અને ખરીદી અંગે વધુ સચોટ નિર્ણયો લઈ શકાય. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પહેલથી ભારતની સપ્લાય ચેઈન પર દેખરેખ રાખવાની, ઇન્વેન્ટરીનું સંચાલન કરવાની અને ભૂરાજકીય આંચકાઓ સામેનું જોખમ ઘટાડવાની ક્ષમતા મજબૂત થશે. જેમ જેમ નિયમનકારી માળખું વધુ કડક બનશે તેમ ઉદ્યોગના ખેલાડીઓએ અનુપાલન સુનિશ્ચિત કરવા માટે તેમની ડેટા રિપોર્ટિંગ સિસ્ટમ્સને અપગ્રેડ કરવી પડશે.
સરકારે આ આદેશ ‘આવશ્યક ચીજવસ્તુ ધારા, 1955’ હેઠળની સત્તાઓનો ઉપયોગ કરીને જારી કર્યો છે, જે કેન્દ્ર સરકારને કોઈપણ વ્યક્તિ જે આવશ્યક ચીજવસ્તુઓનો સ્ટોક ધરાવે છે, ઉત્પાદન, આયાત, નિકાસ કે વેપાર કરે છે, તેમની પાસેથી ઉત્પાદન, પુરવઠો, વિતરણ, સ્ટોક અથવા વપરાશ સંબંધિત માહિતી માંગવાની સત્તા આપે છે. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ સપ્લાય ચેઈનની અસરકારક દેખરેખ માટે માહિતીના વ્યવસ્થિત સંગ્રહ, સંકલન અને વિશ્લેષણ માટે કેન્દ્રીય સંસ્થાકીય પદ્ધતિ સ્થાપિત કરવી જાહેર હિતમાં જરૂરી છે.
આ આદેશમાં જણાવાયું છે કે, પેટ્રોલિયમ પેદાશો અથવા કુદરતી ગેસના ઉત્પાદન, પ્રક્રિયા, રિફાઇનિંગ, સ્ટોરેજ, પરિવહન, આયાત, નિકાસ, માર્કેટિંગ, વિતરણ અથવા વપરાશમાં રોકાયેલી દરેક સંસ્થાએ PPAC ને ઉત્પાદન, આયાત, નિકાસ, સ્ટોક, સ્ટોરેજ, ફાળવણી, પરિવહન, પુરવઠો, વપરાશ અને ઉપયોગ સંબંધિત માહિતી ભૌગોલિક વિસ્તાર, સમય અથવા ગ્રાહકોના આધારે વર્ગીકૃત કરીને પૂરી પાડવાની રહેશે. આ નિયમ ખનિજ તેલના ઉત્પાદકો અને આયાતકારો, ઓઈલ રિફાઈનિંગ કંપનીઓ, ઓઈલ માર્કેટિંગ કંપનીઓ, સ્ટોરેજ અને ટર્મિનલ ઓપરેટરો, ગેસ ઉત્પાદકો, LNG આયાતકારો, પાઈપલાઈન ઓપરેટરો, ગેસ માર્કેટર્સ, શહેરી ગેસ વિતરણ સંસ્થાઓ, પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સ અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલી કોઈપણ જાહેર કે ખાનગી સંસ્થાને લાગુ પડશે.
આ આદેશમાં વધુમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માહિતી આપવાની જવાબદારી કોઈપણ કોન્ટ્રાક્ટ, કરાર અથવા ગુપ્તતાની જવાબદારી હોય તે છતાં લાગુ થશે, અને કોઈ પણ સંસ્થા વ્યવસાયિક સંવેદનશીલતા કે માલિકીના હકને આધારે માહિતી આપવાનો ઇનકાર કરી શકશે નહીં. એટલે કે ભારતની કોઇ કંપનીએ કોઇ વિદેશની કંપની સાથે કરાર કર્યો હોય અને તેના હેઠળ આયાતના જથ્થા જેવી માહિતીની ગુપ્તતા જાળવવાની તેની જવાબદરી હોય તે છતાં તેણે ભારત સરકારને તો આપવી જ પડશે. આજે ક્રૂડ, ગેસ વગેરે ઉર્જાના સ્ત્રોતો ફક્ત વપરાશની દષ્ટિએ નહીં, દેશની સુરક્ષા અને સ્થિરતાની દષ્ટિએ પણ મહત્વના બની ગયા છે તે જોતા તેમને લગતી માહિતીને રાષ્ટ્રીય સુરક્ષાના વિષય તરીકે વર્ગીકૃત કરવાનું પગલું યોગ્ય જ છે.