ગાંધીનગર: રાજ્યના આવકના આંકડાઓમાં માર્ચ-2026 દરમિયાન નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. રાજ્યને માર્ચ-2026માં GST હેઠળ ₹7,352 કરોડની આવક પ્રાપ્ત થઈ છે, જે ગત વર્ષના સમાન સમયગાળાની ₹6,190 કરોડની આવકની સરખામણીએ અંદાજે 18.7 ટકા વધુ છે. નોંધનીય છે કે આ સમયગાળામાં રાષ્ટ્રીય સ્તરે GST આવકનો વૃદ્ધિદર 8.8 ટકા રહ્યો છે. રાજ્યને માર્ચ મહિનામાં GST સિવાય વેટ હેઠળ ₹2,714 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ ₹1,328 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ ₹24 કરોડની આવક નોંધાઈ છે. આમ, માર્ચ-2026 દરમિયાન રાજ્ય કર વિભાગને કુલ ₹11,418 કરોડની આવક પ્રાપ્ત થઈ છે.
વર્ષના કુલ આંકડાઓની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન રાજ્યને GST હેઠળ કુલ ₹81,410 કરોડની આવક થઈ છે, જે ગત વર્ષની સરખામણીએ 11.1 ટકા વધુ છે. આ સમયગાળામાં રાષ્ટ્રીય સ્તરે GST આવકમાં 8.3 ટકાનો વધારો નોંધાયો છે. નાણાકીય વર્ષ દરમિયાન રાજ્યને વેટ હેઠળ ₹32,677 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ ₹12,493 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ ₹266 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. આમ, GST સહિતના તમામ કર સ્ત્રોતોમાંથી રાજ્યને કુલ ₹1,26,846 કરોડની આવક પ્રાપ્ત થઈ છે.