અમદાવાદ: રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ પ્રદેશમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 39 ડિગ્રી સે.કંડલા એરપોર્ટ ખાતે નોંધાયું હતું, જ્યારે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 17.5 ડિગ્રી સે. મહુવા ખાતે નોંધાયું છે.
રાજ્યના વિવિધ શહેરોમાં ગરમીનો માહોલ યથાવત રહ્યો છે. ભૂજમાં 37 ડિગ્રી, નલિયામાં 35 ડિગ્રી, કંડલા પોર્ટ ખાતે 33 ડિગ્રી, ભાવનગરમાં 36 ડિગ્રી, પોરંબદરમાં 33 ડિગ્રી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તે ઉપરાંત અમદાવાદ, સુરતમાં ડીસામાં 38 ડિગ્રી, જ્યારે ગાંધીનગર, વડોદરા, વલ્લભવિદ્યાનગર અને દમણમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો થવાની શક્યતા દર્શાવી છે. ત્યારબાદ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા ઓછી હોવાનું જણાવાયું છે.આ સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. 18 માર્ચથી 19 માર્ચની સવારે સુધી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડવાની શક્યતા છે. સાથોસાથ સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
19 માર્ચે રાજ્યના અનેક જિલ્લાઓ માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના અનેક જિલ્લાઓમાં ગાજવીજ, વીજળી તથા 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે 20 માર્ચ સુધી કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા દર્શાવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના અરવલ્લી , દાહોદ અને મહીસાગર જિલ્લામાં તેમજ કચ્છ વિસ્તારમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં ગરમી વચ્ચે અચાનક બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને નાગરિકોને સાવચેતી રાખવા હવામાન વિભાગે સૂચના આપી છે.