સુરત: સુરત(Surat)નાં ચોકબજાર(Chok Bazaar)માં આવેલી દરગાહ(Dargah)નો એક વિડીયો બે દિવસ પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પોલીસે તપાસ કરી આ વિડીયો વાયરલ કરનાર યુવકની ધરપકડ કરી હતી. વિડીયો વાયરલ કરનાર આર્મીમેનનો પુત્ર નીકળ્યો અને તે દુબઈમાં અભ્યાસ કરતો હતો ત્યારે ત્યાં ચુસ્ત ઇસ્લામીક નિયમોથી કંટાળી સુરતમાં ધર્મ અને વિજ્ઞાન વિષય પર પીએચડી કરવા માટે આવ્યો હતો.
- ચોકબજારની દરગાહનો વિડીયો વાયરલ કરનાર આર્મીમેનનો પુત્ર નીકળ્યો
- પોલીસે વિડીયો વાયરલ કરનાર યુવકની ધરપકડ કરી
- દુબઈમાં અભ્યાસ કરતો હતો ત્યારે ધાર્મિક બાબતે એક બે વખત દંડ થતા સુરત આવી ગયો હતો
- સુરતમાં ધર્મ અને વિજ્ઞાન વિષય પર પીએચડી કરવા આવ્યો હતો
ચોકબજાર સોરાબજી કોલેજના કમ્પાઉન્ડના પાછળ આવેલી દરગાહનો હિન્દુ સમાજને ઉશ્કેરતો વિડીયો વાયરલ થયો હતો. હિન્દુ સમાજના લોકોને ઉશ્કેરણીજનક ભાષામાં શબ્દો ઉચ્ચારી હિન્દુ મુસ્લીમ કોમ વચ્ચે દુશ્મનાવટની ધિક્કારની અથવા દ્વેષની લાગણીઓ ઉભી કરવા પ્રયાસ કર્યો હતો. ધાર્મિક માન્યતાનું અપમાન કરવાના તેમજ કોમી વૈમનસ્ય ફેલાય તેવા ઇરાદે આ વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. પોલીસે વિડીયો વાયરલ કરનારની સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન અઠવા પોલીસે આજે રજતસિંહ દિલીપસિંહ બેસ (ઉ.વ.29, રહે.રાજહંસ એપાર્ટમેન્ટ, પાલ લેક ગાર્ડન પાસે, અડાજણ) ની ધરપકડ કરી હતી.
ધર્મ અને વિજ્ઞાન વિષય પર પીએચડી કરવા આવ્યો હતો
આ યુવકને આ પ્રકારનો વિડીયો વાયરલ કરવા બાબતે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, રજતસિંહ અગાઉ દુબઈમાં રિયલએસ્ટેટ સંબંધી અભ્યાસ કરતો હતો. 6 વર્ષ સુધી તે દુબઈમાં રહ્યો હતો. દરમિયાન દુબઈમાં ચૂસ્ત નિયમોથી તે કંટાળી ગયો હતો. ત્યાં એકાદ બે વખત તેને ધાર્મિક બાબતોને લઈને દંડ પણ થયો હતો. આ વાતથી કંટાળી તે સુરત આવી ગયો હતો. અને સુરતમાં આવેલી એક કોલેજમાં તે ધર્મ અને વિજ્ઞાન વિષય પર પીએચડી કરી રહ્યો છે. તે મૂળ રાજસ્થાનનો વતની છે અને તેના પિતા નિવૃત્ત આર્મીમેન છે.
કોમી એખલાસ જળવાઈ રહે તે માટે મુસ્લિમ બિરાદરોએ દિવાલ દૂર કરી
આ વિડીયો વાયરલ થતા બાદ શાંતિનું વાતાવરણ ડહોળાય તેવી શક્યતા હતી. જેથી અઠવા પોલીસે તાત્કાલિક શાંતિ સમિતીની મીટિંગ કરી હતી. જેમાં હિન્દુ અને મુસ્લીમ ધર્મના આગેવાનોએ આવીને કોઈપણ ધાર્મિક વાતાવરણ ન ડહોળાય તેવી ખાતરી આપી હતી. વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે, દરગાહની આસપાસના જે પથ્થરો ફીટ કરવામાં આવ્યાં છે તે પથ્થરો પર લાગેલી સિમેન્ટ હજી પણ સૂકાઇ નથી તેનો અર્થ ઍ છે કે, આ દરગાહનું નિર્માણ હાલમાં જ કરવામાં આવ્યું છે. જો કે માત્ર દિવાલ બનાવી હોવાનું મુસ્લીમ ભાઈઓએ સ્વીકારી શાંતિનું વાતાવરણ ન ડહોળાય તે માટે દૂર કરી નાખી હતી. પરંતુ દરગાહ દશકો જૂની છે.