ગાંધીનગર,તા.11
રાજસ્થાનના જૈસલમેર સ્થિત પોખરણ એર-ટુ-ગ્રાઉન્ડ રેન્જ ખાતે 27 ફેબ્રુઆરી 2026ના રોજ ભારતીય વાયુસેના ‘એક્સરસાઈઝ વાયુશક્તિ-26’ દ્વારા પોતાની પ્રચંડ એર પાવરનું જીવંત પ્રદર્શન કરશે. “પ્રથમ, ઝડપી અને સૌથી પ્રચંડ પ્રતિસાદ આપનારી” ત્રિ-સેના શક્તિ તરીકે ઓળખાતી IAF આ અભ્યાસ દરમિયાન શત્રુ પર તાત્કાલિક અને સચોટ પ્રહાર કરવાની પોતાની ક્ષમતા, ઓપરેશનલ વાતાવરણ પર શરૂઆતથી જ પ્રભુત્વ જમાવવાની તૈયારી અને ટેક્ટિકલ એક્શનને સ્ટ્રેટેજિક પરિણામોમાં પરિવર્તિત કરવાની શક્તિનું પ્રદર્શન કરશે.
વાયુશક્તિ-26માં ફાઈટર, ટ્રાન્સપોર્ટ અને હેલિકોપ્ટર પ્લેટફોર્મ્સ સહિતનું ફુલ-સ્પેક્ટ્રમ ઓપરેશનલ દ્રશ્ય જોવા મળશે. તેજસ, રાફેલ, સુખોઈ-30MKI, મિરાજ-2000, જગુઆર, મિગ-29 અને હોક જેવા લડાકૂ વિમાનો સાથે C-130J, C-295 અને C-17 જેવા હેવી-લિફ્ટ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ તેમજ ALH MK-IV, Mi-17 IV, LCH, અપાચે, ચિનૂક અને ચેતક હેલિકોપ્ટર દિવસ, સાંજ અને રાત્રિના મિશનમાં સક્રિય ભાગ લેશે. સાથે જ Remotely Piloted Aircraft (RPA) પણ મલ્ટી-ડોમેન ઓપરેશન્સમાં પોતાની ભૂમિકા નિભાવશે.

આ અભ્યાસમાં Short Range Loitering Munitions (SRLM), આકાશ અને SpyDer એર ડિફેન્સ સિસ્ટમ તેમજ Counter Unmanned Aerial Systems (CUAS) જેવી આધુનિક હથિયાર પ્રણાલીઓનો ઉપયોગ કરી શત્રુના હવાઈ અને ડ્રોન ખતરાઓને નિષ્ફળ બનાવવાની ક્ષમતા રજૂ કરવામાં આવશે. લાંબા અંતરના પ્રિસિઝન સ્ટ્રાઈક અને એરસ્પેસ ડોમિનેન્સમાં IAFની પ્રભુત્વશાળી તૈયારી સ્પષ્ટ દેખાશે.

વાયુશક્તિ-26 દરમિયાન ‘ઓપરેશન સિંદૂર’ની સફળતાનો પણ ઉલ્લેખ કરવામાં આવશે, જે ભારતીય વાયુસેનાની ઝડપી નિર્ણયક્ષમતા, ચોક્કસ નિશાનાબંધી અને મલ્ટી-ડોમેન સંકલનક્ષમતાનું પ્રતિબિંબ છે. આ ઓપરેશને સાબિત કર્યું હતું કે સ્વદેશી પ્લેટફોર્મ્સ અને ‘આત્મનિર્ભર ભારત’ના વિઝન હેઠળ IAF શત્રુને કડક અને નિર્ણાયક જવાબ આપવા સંપૂર્ણ સક્ષમ છે.
યુદ્ધ તૈયારી સાથે સાથે માનવતાવાદી સહાય અને આપત્તિ વ્યવસ્થાપનમાં પણ IAFની અગત્યની ભૂમિકા અભ્યાસમાં દર્શાવવામાં આવશે. સંકટગ્રસ્ત વિસ્તારોમાં ઝડપી એરલિફ્ટ, રેસ્ક્યુ અને ઇવેક્યુએશન દ્વારા દેશ-વિદેશમાં ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવાની ક્ષમતાનું પ્રદર્શન પણ થશે. “અચૂક, અભેદ્ય અને સતીક”ના મૂલ્યોને સાકાર કરતી વાયુશક્તિ-26 દેશને ફરી એકવાર વિશ્વાસ અપાવશે કે ભારતની આકાશસીમા સુરક્ષિત હાથે છે અને રાષ્ટ્રીય સુરક્ષા માળખામાં ભારતીય વાયુસેના અડગ અને અવિજય શક્તિ તરીકે ઉભી છે.