મુંબઈ: (Mumbai) શિંદે જૂથને સોમવારે સુપ્રીમ કોર્ટમાંથી (Court) મોટી રાહત મળી છે. કોર્ટે હાલમાં ડેપ્યુટી સ્પીકરની નોટિસ પર રોક લગાવી છે, જેમાં 11 જુલાઈ સુધી આ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવશે નહીં. કોર્ટના આ આદેશ બાદ શિંદે જૂથને MVA સરકારને ઘેરવાનો વધુ સમય મળ્યો છે. બીજી તરફ MVAના અલ્પમતનો ભાજપ પણ લાભ ઉઠાવવાની તૈયારી કરી રહ્યું છે. મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ભાજપે સોમવારે કોર કમિટીની બેઠક યોજી હતી. આ મહત્વપૂર્ણ બેઠક મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ઘરે થઈ હતી. સાગર બંગલોમાં મળેલી ભાજપ કોર કમિટીની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસ સાથે પાર્ટીના નેતાઓએ આગળની રણનીતિ પર ચર્ચા કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં ખાતરી આપવામાં આવી છે કે ટૂંક સમયમાં સરકાર રચવામાં આવશે, કારણ કે MVA સરકાર લઘુમતીમાં આવી ગઈ છે.
બળવાખોર ધારાસભ્યની માંગ – ઉદ્ધવ ઠાકરે બીજેપી સાથે જોડાણ કરવાનું વિચારે
શિંદે જૂથના બળવાખોર ધારાસભ્ય દિલીપ કેસરકરે ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યું હતું કે, “આ બળવો નથી, પરંતુ શિવસેનાના સ્વાભિમાનની લડાઈ છે. હું પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરેને ભાજપ સાથે ગઠબંધન કરવાની અપીલ કરું છું. આ મહારાષ્ટ્રના લોકોનો અભિપ્રાય હતો. “
બાળાસાહેબ ઠાકરેનાં હિન્દુત્વની જીત: એકનાથ શિંદે
સુપ્રીમ કોર્ટમાંથી તાત્કાલિક રાહત મળ્યા બાદ શિવસેનામાંથી બળવો કરનાર એકનાથ શિંદેએ કહ્યું કે આ હિન્દુત્વ સમ્રાટ બાળાસાહેબ ઠાકરે અને ધર્મવીર આનંદ દિઘે સાહેબના હિન્દુત્વના વિચારોની જીત છે..! સાથે જ દીપક કેસરકરે કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર લઘુમતીમાં છે. ઉદ્ધવ ઠાકરે સરકારે હાર સ્વીકારી લેવી જોઈએ અને રાજીનામું આપી દેવું જોઈએ.
વિધાનસભામાં શિંદે જૂથ મૂળ શિવસેના હોવાનો દાવો કરી શકે છે
મળતી માહિતી મુજબ, શિંદે જૂથને સોમવારે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે હાલમાં ડેપ્યુટી સ્પીકરની નોટિસ પર રોક લગાવી છે, જે તેમણે બળવાખોર ધારાસભ્યોને જાહેર કરી હતી, જેમાં 11 જુલાઈ સુધી આ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવશે નહીં. કોર્ટના આ આદેશ બાદ શિંદે જૂથને MVA સરકારને ઘેરવાનો વધુ સમય મળ્યો છે.
અયોગ્યતાની પ્રક્રિયા 11 જુલાઈ પછી શરૂ થશે
સુપ્રીમ કોર્ટના આદેશ પર શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે સુપ્રીમ કોર્ટ અમારા માટે ભગવાન છે, પરંતુ મહારાષ્ટ્રના લોકોની ભાવનાઓ અલગ છે. 11 જુલાઈ પછી બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની પ્રક્રિયા શરૂ થશે. 40 ધારાસભ્યોના મૃતદેહ મુંબઈ આવવાના નિવેદનથી ઘેરાયેલા રાઉતે કહ્યું કે મારી ધરપકડ કરો, હું અહીં શિવસેના ભવનમાં બેઠો છું. જો મારે શિવસૈનિકો માટે બલિદાન આપવું પડશે તો હું કરીશ. આમાં મોટી વાત શું છે?
શિંદે જૂથના લોકો બળવાખોર નથી ભાગેડુ છે: આદિત્ય ઠાકરે
આદિત્ય ઠાકરેએ ગુવાહાટીમાં બેઠેલા બળવાખોર ધારાસભ્યો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે તેઓએ આગળ આવવું જોઈએ અને અમારી સાથે આંખ મીંચીને વાત કરવી જોઈએ. આ રાજકારણ નહી, સર્કસ બની ગયું છે. આ બળવાખોર નહી ભાગેડુ છે. જેઓ ભાગી જાય છે તેઓ ક્યારેય જીતતા નથી. સાથે જ તેમણે કહ્યું કે કેટલાક ધારાસભ્યો અમારી સાથે છે. જેઓ પાછા આવવા માંગે છે તેઓનું સ્વાગત છે.
સરકારે ધારાસભ્યોને તાત્કાલિક સુરક્ષા આપવી જોઈએ: SC
સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે રાજ્ય સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવી જોઈએ અને શિંદે જૂથના તમામ ધારાસભ્યોના જીવન અને સ્વતંત્રતાની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા જોઈએ કે જેથી તેમની સંપત્તિને કોઈ નુકસાન ન પહોચાડે. સરકારે તાત્કાલિક તમામ ધારાસભ્યો અને તેમના પરિવારોને યોગ્ય સુરક્ષા પ્રદાન કરવી જોઈએ.