Entertainment

બાદશાહના ઘરે ફરી વાગી શરણાઇઓ, પંજાબી અભિનેત્રી સાથે કર્યા લગ્ન

રેપર-ગાયક બાદશાહ ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે કારણ તેમના વ્યક્તિગત જીવન સાથે જોડાયેલું છે. જાસ્મીન મસીહ સાથે છૂટાછેડા લીધાના લગભગ છ વર્ષ બાદ, બાદશાહે પંજાબી અભિનેત્રી ઈશા રિખી સાથે લગ્ન કર્યા હોવાની અટકળો તેજ બની છે. ઈશા રિખી મૂળ ચંદીગઢની રહેવાસી છે અને તે પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અને મોડેલ છે. બાદશાહ અને ઈશા છેલ્લા 4 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટા અને વીડિયો બાદ આ ચર્ચાએ વધુ જોર પકડ્યું છે. મંગળવારે ઈશા રિખીની માતા પૂનમ રિખીએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી, જેમાં બંને પરંપરાગત લગ્ન વિધિ કરતા નજરે પડે છે. આ તસવીરોમાં બાદશાહ અને ઈશા પરિવારના સભ્યો અને નજીકના મિત્રો વચ્ચે વરમાલા પહેરાવતા અને લગ્નની અન્ય રીતરિવાજોમાં ભાગ લેતા દેખાય છે. પૂનમ રિખીએ પોસ્ટ સાથે “ભગવાન તમને આશીર્વાદ આપે” લખતા આ સંબંધને વધુ વેગ મળ્યો છે.

વાયરલ થયેલા ક્લિપ્સમાં બાદશાહ ઓલિવ-લીલા કુર્તા, બેજ સ્ટોલ અને સોનેરી પાઘડીમાં જોવા મળે છે, જ્યારે ઈશા લાલ રંગના ભારે બ્રાઇડલ લેહંગામાં પરંપરાગત આભૂષણો સાથે ખુબ જ આકર્ષક લાગી રહી છે. બંનેની કેમિસ્ટ્રી અને સમારોહની નજીકની ઝલકોએ ફેન્સમાં ઉત્સુકતા વધારી છે. જોકે, આ લગ્ન અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી. ખાસ વાત એ છે કે બાદશાહ થોડા દિવસો પહેલા જ લંડનમાં નોરા ફતેહી સાથે પરફોર્મ કરતા જોવા મળ્યા હતા, જેના કારણે લગ્નની તારીખ અંગે સ્પષ્ટતા થઈ નથી. આ પહેલા પણ બાદશાહના નામને લઈને અનેક અફવાઓ ઉડી ચૂકી છે. મૃણાલ ઠાકુર સાથેના રિલેશનશિપના સમાચાર આવ્યા હતા, જેને બાદમાં તેમણે નકારી દીધા હતા. તેમજ પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર સાથે પણ તેમના નામની ચર્ચા થઈ હતી. આ દરમિયાન બાદશાહ તેમના હરિયાણવી ગીત ‘તાતીરી’ને લઈને પણ ભારે વિવાદમાં સપડાયા છે. ગીતના શબ્દો અને દ્રશ્યોને લઈને કેટલાક વર્ગોમાંથી ટીકા થઈ રહી છે. આમ, એક તરફ તેમના અંગત જીવનની ચર્ચા ગરમ છે તો બીજી તરફ સંગીતને લઈને વિવાદ પણ ચાલુ છે.

Most Popular

To Top