SURAT

‘ડ્રગ્સ માસ્ટરમાઇન્ડ’ની છેતરપિંડી અને આતંકના વાઈરલ વિડીયો પોલીસ માટે તપાસ વિષય બન્યો

8 મહિનાથી ફરાર ‘ડ્રગ્સ માસ્ટરમાઇન્ડ’ ચિરાગ ગોટી કોર્ટમાં શરણાગત થયો છે,સુપ્રીમની ટકોર બાદ આરોપી એ સરેન્ડર કર્યું છે, કરોડની છેતરપિંડી અને આતંકના વીડિયો સોસીયલ મીડિયામાં વાઈરલ થતા ચર્ચા નો વિષય બન્યો છે,સુરત શહેરમાં 70 ગ્રામ એમડી ડ્રગ્સનો ચકચારી કેસે  હવે નવો વળાંક લીધો છે. છેલ્લા આઠ મહિનાથી પોલીસને ચકમો આપતો અને નેપાળ સુધી ફરાર રહેલો આરોપી ચિરાગ ગોટી આખરે સુપ્રીમ કોર્ટની કડક ટકોર બાદ સુરત કોર્ટમાં સરેન્ડર થયો છે. 107 કરોડના ટર્નઓવર ધરાવતી કંપનીનો માલિક ગણાતો આ ઉદ્યોગપતિ હવે કાયદાના ઘેરામાં છે.

આ સમગ્ર કેસની શરૂઆત લગભગ દસ મહિના પહેલાં થઈ હતી, જ્યારે વેડરોડ ગુરુકુલ નજીક અલ્પેશ મિયાણી નામના વ્યક્તિને 70 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. શરૂઆતમાં મામલો સામાન્ય ડ્રગ્સ સપ્લાયનો લાગતો હતો, પરંતુ પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ અંગે એસીપી ઝેડ.આર. દેસાઈ એ જણાવ્યું હતું કે અલ્પેશને ખોટા કેસમાં ફસાવવા માટે તેના જ ભાગીદાર ચિરાગ ગોટીએ ષડયંત્ર રચ્યું હતું.ચિરાગે જ ડ્રગ્સ મંગાવ્યું અને પોતાના ભાઈ નિરાંત મારફતે અલ્પેશની કારમાં મૂકી દીધું. બાદમાં પોતે જ પોલીસને બાતમી આપી. પોલીસને શંકા જતાં વધુ તપાસ હાથ ધરાઈ અને આખું કાવતરું બહાર આવ્યું. આ ખુલાસા બાદ ચિરાગ ગોટી ફરાર થઈ ગયો હતો અને તેના વિરુદ્ધ વોરંટ પણ જારી કરાયું હતું.

આ દરમિયાન ચિરાગના ભાઈ નિરાંતે જામીન માટે સેશન્સ કોર્ટથી લઈને હાઇકોર્ટ અને અંતે સુપ્રીમ કોર્ટ સુધી દોડધામ કરી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચિરાગને મુખ્ય સૂત્રધાર ગણાવી બે અઠવાડિયામાં સરેન્ડર થવા આદેશ આપ્યો હતો. આખરે એડવોકેટ મારફતે ચિરાગે સુરત કોર્ટમાં હાજરી આપી, અને કોર્ટે તેને પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે.પરંતુ વાત માત્ર ડ્રગ્સ કેસ પૂરતી સીમિત નથી. ચિરાગ ગોટી વિરુદ્ધ 23 કરોડ રૂપિયાની છેતરપિંડીના ગંભીર આક્ષેપો પણ સામે આવ્યા છે. ભોગ બનનાર જિજ્ઞેશ વ્યાસે આક્ષેપ કર્યો છે કે ચિરાગે દબાણ અને ધમકીથી કરોડો રૂપિયાની મિલકતો પોતાના નામે લખાવી લીધી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક વ્યક્તિને માર મારતો અને માફી માગતા છતાં તમાચા મારતો દ્રશ્ય પણ સામે આવ્યું છે. અન્ય વીડિયોમાં એક યુવકને ગાદલા પર સુવડાવી લાકડીથી માર મારતો દેખાય છે.

હાલ પોલીસે ચિરાગ ગોટી ના  રિમાન્ડ માંગવાની તૈયારી શરૂ કરી છે. પોલીસ  અધિકારીનું માનવું છે કે તેની સામે વધુ ભોગ બનનારાઓ આગળ આવી શકે છે. મોટા ગજાના ઉદ્યોગપતિના નામે ચાલતું આ ગુનાખોરીનું નેટવર્ક હવે પોલીસ રડારમાં છે.સુરતમાં આ કેસે વ્યાપાર જગત અને સામાન્ય નાગરિકોમાં ચકચાર મચાવી છે. હવે સૌની નજર પોલીસ તપાસ અને કોર્ટની આગામી કાર્યવાહી પર ટકેલી છે.

Most Popular

To Top